ખેતી, શાકભાજી, ફૂલ કે ફળો ઉગાડવા ધરતી અનુકૂળ જોઈએ. આબોહવા, માટી, વરસાદ કે સિંચાઇનું પાણી જોઈએ પણ જ્યાં ગ્રામ વિસ્તાર ઘટતો જાય અને શહેરી વિસ્તાર વધતો જાય, ત્યાં ખેતી અને બાગબાન ઓછાં થતાં જાય છે. ભૂમિ પણ બધે ખેતીને સાથ આપતી નથી, પણ સંજોગો એવા પલટાયા કે દુનિયાને અનાજ અને શાકભાજીની અસલ કિંમત સમજાઈ! હોંગકોંગ એશિયાનું મહત્વપૂર્ણ નાણાકીય કેન્દ્ર છે, જ્યાં 7.4 મિલિયન રહેવાસીઓ છે. તાજા ખોરાકની અછતનો સામનો કરવો પડ્યો. શહેરની તમામ સુપરમાર્કેટમાં શાકભાજી અને તેના જેવી વસ્તુઓનો સંગ્રહ કરવાની છાજલીઓ ખાલી હતી, કારણ કે મુખ્ય ભૂમિ ચીનમાં સરહદ પર કડક કોવિડના નિયંત્રણોએ તાજા ખાદ્યપદાર્થોને પુરવઠાને પૂર્ણ રીતે વિક્ષેપિત કર્યો હતો.
હોંગકોંગ ગીચ વસ્તી ધરાવતું શહેર, જ્યાં ખેતી માટે જગ્યા મર્યાદિત છે. તે તેના ખોરાકના પુરવઠા માટે લગભગ સંપૂર્ણ રીતે બહારની દુનિયા પર નિર્ભર છે. ગગનચુંબી ઇમારતોથી ભરચક શહેરનો 90%થી વધુ ખોરાક અને ખાસ કરીને શાકભાજી જેવી તાજી પેદાશો મોટાભાગે આયાત કરવામાં આવે છે. રોગચાળા દરમિયાન નજરે આવ્યું કે સ્થાનિક રીતે ઉગાડવામાં આવતી શાકભાજીની ઉત્પાદકતા ઘણી ઓછી છે. સામાજિક અસર ગહન હતી. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર્યકારી વાતાવરણને સુધારી શકાય, જેથી કરીને યુવાનો ખેતી કરવા તૈયાર થાય. ‘ફાર્મ 66’ હાલમાં ડેટા વિશ્લેષકો, ખાદ્ય વૈજ્ઞાનિકો અને મિકેનિકલ એન્જિનિયરો સહિત પૂર્ણ – સમયના કર્મચારીઓને રોજગારી આપે છે, જે મહિનામાં 7 ટન શાકભાજીનું ઉત્પાદન કરે છે.
એક અંદાજ છે કે હોંગકોંગમાં માત્ર 1.5% શાકભાજી જ સ્થાનિક સ્તરે ઉગે છે. ‘ફાર્મ 66’ જેવા વર્ટિકલ ફાર્મ LOT સેન્સર / ઉપકરણોનો ઉપયોગ, LED લાઇટ્સ અને રોબોટ્સ જેવી આધુનિક તકનીકોની મદદથી હોંગકોંગના સ્થાનિક ખાદ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકે છે. અન્ય શહેરોમાં તેની નિકાસ કરી શકે છે. વર્ટિકલ ફાર્મિંગ એ એક સારો ઉપાય છે, કારણ કે એવી ગગનચુંબી ઇમારતો જેમાં પાક વ્યાપારી રીતે બહુવિધ સ્તરોમાં ઉગાડવામાં આવે છે. શાકભાજીનું વાવેતર શહેરોમાં કરી શકાય છે. જાતે શાકભાજી ઉગાડી શકાય તો આયાત પર આધાર રાખવો ન પડે.
વર્ટિકલ ફાર્મિંગ કંપની ‘ફાર્મ 66’ના સહસંસ્થાપક અને CEO ગોર્ડન ટેમ બતાવવા માંગે છે કે ટેકનોલોજી સાથે જોડાયેલા કૃષિ શહેરો, રણ અને બાહ્ય અવકાશમાં પણ આશાસ્પદ ભવિષ્ય ધરાવે છે! સહસંસ્થાપક બિલી લેમ સાથે ‘ફાર્મ 66’ની શરૂઆત કરી હતી, જેઓ કંપનીના CEO છે. હોંગકોંગમાં હાઇ-ટેક વર્ટિકલ ફાર્મિંગ પાયોનિયર તરીકે તેમની કંપની ફાર્મમાં ઊર્જા બચત LED લાઇટિંગ અને વેવલેન્થ ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર પ્રથમ કંપની હતી. જાણવા મળ્યું કે પ્રકાશ સ્પેક્ટ્રમ પરના વિવિધ રંગો છોડને અલગ અલગ રીતે વધવામાં મદદ કરે છે.
આ તકનીકી પ્રગતિ હતી. ઉદાહરણ તરીકે લાલ LED લાઇટ દાંડીને ઝડપી વૃદ્ધિ કરાવશે, જ્યારે વાદળી LED પ્રકાશ છોડને મોટા પાંદડાં ઉગાડવા માટે પ્રોત્સાહિત કરશે. ‘ફાર્મ 66’ ગુણવત્તા નિયંત્રણ માટે અને 20000 સ્ક્વેર ફૂટ ઇન્ડોર ફાર્મનું સંચાલન કરવામાં મદદ કરવા માટે LOT સેન્સર / ઉપકરણો અને રોબોટ્સનો પણ ઉપયોગ થાય છે, જે કંપનીને કામદારોની ભરતી કરવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે. પરંપરાગત ખેતી માટે એક મોટી સમસ્યા પ્રતિભાનો અભાવ છે. તે એટલા માટે છે કારણ કે બાકીના ખેડૂતોના બાળકો ખેતરો લેવા માંગતા નથી. તેઓ માને છે કે ખેતી ખૂબ જ કંટાળાજનક કામ છે, પરંતુ હવે ટેક્નોલોજી ખેતીના કામમાં ઉમંગ ભરી રહી છે!
તેમાં ખાસ કરીને પ્રકાશની તીવ્રતા, પાણીના પ્રવાહ અને એર કન્ડીશનીંગના ડેટા એનાલિટિક્સ નવી ક્રાંતિ સર્જવામાં કારણરૂપ બન્યાં! જેના થકી કંપનીમાં રોકાણ કરવા માટે હોંગકોંગમાં એક કેન્દ્રિત સાહસ મૂડી પેઢી પાર્ટિકલએક્શન આકર્ષિત થઇ. પાર્ટિકલએક્શન ખેતીની પદ્ધતિ પર ડેટા અને ટીમથી પ્રભાવિત થઈ તેમને રોકાણ માટે પસંદ કર્યા! અન્ય રોકાણકારોમાં રોકાણકારોમાં અલીબાબા એન્ટરપ્રેન્યોર્સ ફંડ, સિંગાપોરના અબજોપતિ રોબર્ટ એનજીનું હોંગકોંગ પ્રોપર્ટી ડેવલપર સિનો ગ્રુપ અને હોંગકોંગ સરકારનું સાયબર પોર્ટ અને હોંગકોંગ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પાર્કનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં તેમણે કુલ 4 મિલિયન ડોલર કરતા વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં હેંગક્વિન ફાઇનાશ્યલ ઇન્વેસ્ટમેન્ટ તરફથી પણ ભંડોળ મળ્યું હતું અને તેને HK ટેક 300 એન્જલ ફન્ડમાં સ્વીકારવામાં આવ્યું હતુ, જે હોંગકોંગની સિટી યુનિવર્સિટી દ્વારા સ્ટાર્ટ અપ સપોર્ટ પ્રોગ્રામ છે.
ફાર્મ પાંદડાંવાળા લીલોતરી, જડીબુટ્ટીઓ અને ફળો એક્વાપોનિકલી ઉગાડે છે. એક ટકાઉ કૃષિ તકનીક, જેમાં વ્યવસાયિક ખાતરને બદલે માછલીના કચરામાંથી પોષક તત્વોનો ઉપયોગ કરીને છોડ ઉગાડવામાં આવે છે. છોડ તેના બદલામાં માછલી જેમાં રહે છે, તે પાણીને ફિલ્ટર કરે છે. સ્વ – નિયમનકારી ઇન્ડોર ઇકોસિસ્ટમ બનાવે છે. કંપની સુપર માર્કેટ, હોટેલ્સ અને હાઇ એન્ડ રિટેલ સ્ટોર્સમાં વેચાણ માટે ઉત્પાદનોનું પેકેજ કરે છે. ‘ફાર્મ 66’ને તાજેતરમાં શાળાઓ અને ખાનગી સંસ્થાઓ પાસેથી રસોડામાં અને નાની જગ્યાઓમાં પોતાનો ખોરાક ઉગાડવામાં મદદ કરવા માટે પૂછપરછ પણ મળી છે. તેઓ સંસ્થાઓને ફાર્મ – ટુ – ટેબલ સિસ્ટમ્સ પ્રદાન કરે, જેથી કરીને તેઓ પોતાના પોષણ માટે શાકભાજી ઉગાડી શકે. જીવનની ગુણવત્તા સુધારવા માટે શહેરી ખેતી અને પર્યાવરણીય, સામાજિક અને શાસન સિદ્ધાંતોને પ્રોત્સાહન મળે!
‘ફાર્મ 66’ પહેલેથી જ ટોચની સ્થાનિક બેંકો સાથે કામ કરી ચૂક્યું છે. કંપની સિનો ગ્રૂપ, ચાઇનાચેમ ગ્રૂપ અને હોંગકોંગના અબજોપતિ લી શાઉ કીના હેન્ડરસન લેન્ડ ડેવલપમેન્ટ જેવા પ્રોપર્ટી ડેવલપર્સ સાથે સહયોગ કરવાનું આયોજન કરી રહી છે, જેથી તેની શહેરી ખેતી પ્રણાલીને જેમ કે સૌર અથવા પવન દ્વારા સંચાલિત માટીમુક્ત ખેતરો, રહેણાંક અને વ્યાપારી ઇમારતોની છત પર ઊર્જા લાવવામાં આવે! હોંગકોંગથી આગળ વધારવા અને તેની શહેરી ખેતી પ્રણાલીઓ અને અન્ય શહેરોમાં નિકાસ કરવાની યોજના છે. ઉદાહરણ તરીકે મધ્યપૂર્વના રણ પ્રદેશના શહેરો માટે શિપિંગ કન્ટેનરમાંથી મોબાઇલ ફાર્મ બનાવ્યું છે!
બાહ્ય અવકાશમાં ખેતી વિશે નવા વિચારો પર શોધ થઈ રહી છે! ખેતીના ભાવિ પર સંશોધનની આગેવાની લઈ શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં છોડ ઉગાડવા જેવા પ્રયાસો પણ હાથ ધરાયા છે! ઘણા બધા નવીન ખેતીના વિચારો અમલમાં આવી રહ્યાં છે. લોકોને એ સમજવામાં મદદ કરશે એવી આશા રાખવામાં આવી છે કે કૃષિ ટેકનોલોજી સાથે મળીને આશાસ્પદ ભવિષ્ય ધરાવે છે! ટેકનિક ઉમેરી અછત દૂર કરવાની તરકીબ હોંગકોંગની ગગનચુંબી ઈમારતોના મજલાઓ પર સફળ નીવડી છે!