એસ.ટી ડેપોમાં ફરજ બજાવતાં બે કંટ્રોલરોએ ઈશ્યુ કરેલાં 20 મુસાફર પાસના રૂપિયા ડેપોની કેસ શાખામાં જમા નહીં કરાવી, કુલ રૂ.28,680 ની ઉચાપત કરી હતી. આ મામલે મહુધા એસ.ટી ડેપોના મેનેજરની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે બંને કંટ્રોલર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલ એસ.ટી બસમથકના કંટ્રોલ પોઈન્ટ ખાતેથી ઈસ્યુ થયેલાં મુસાફર પાસમાં ગોટાળો થયો હોવાની બાતમીને આધારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વડી કચેરીની ચેકીંગ ટીમ દ્વારા ગત તા.14-10-22 ના રોજ કઠલાલ બસમથકમાં આવતી બસોમાં સવાર મુસાફરોના પાસનું ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન નડિયાદથી માલપુર જતી લોકલ રૂટની બસમાં સવાર બે મુસાફરો પાસેથી કઠલાલ કંટ્રોલ પોઈન્ટના સહીસિક્કાવાળા શંકાસ્પદ મુસાફર પાસ મળી આવ્યા હતાં.
જેથી ચેકીંગ નિરીક્ષકોએ શંકાસ્પદ પાસધાકરો મુસાફરોના નિવેદન મેળવી, તેમના અસલ પાસ જપ્ત કરી, તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ બંને પાસ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું અને તેના નાણાં એસ.ટી નિગમમાં જમા થયાં ન હોવાનું પણ બહાર આવ્યું હતું. કઠલાલ કંટ્રોલ પોઈન્ટ ખાતેથી આવા બોગસ પાસ મોટી સંખ્યામાં ઈસ્યુ કરવામાં આવ્યાં હોવાની શંકાને આધારે નડિયાદ વિભાગીય લાઈન ચેકીંગ ઈન્ચાર્જ અને તેમની ટીમ દ્વારા કઠલાલ બસમથકમાં આવતી-જતી તમામ બસોમાં સવાર તમામ મુસાફરોના પાસનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 255 જેટલાં મુસાફર પાસની વિગતો નડિયાદ વિભાગીય પરિવહન અધિકારીને મોકલવામાં આવી હતી. જે બાદ આ તમામ 255 પાસની એન્ટ્રી દૈનિક કેશ કલેક્શનમાં થઈ છે કે કેમ, તેના નાણાં એસ.ટી ની કેશમાં જમા થયેલ છે કે કેમ તેમજ મુસાફર પાસના મની વેલ્યુ સ્ટેશનરીનો સ્ટોકની તપાસ હિસાબી શાખા દ્વારા કરવામાં આવી હતી.
જેમાં કઠલાલ કંટ્રોલ પોઈન્ટ ખાતે ફરજ બજાવતાં હાલના કંટ્રોલર કનુભાઈ અભેસિંહ ડાભી અને અગાઉના કંટ્રોલર કનુભાઈ મેલાભાઈ ચૌહાણે 23 જેટલાં મુસાફર પાસ બોગસ રીતે ઈશ્યુ કરી, તેના થતાં રૂ.33,450 એસ.ટી નિગમમાં જમા કરાવ્યાં ન હોવાનું જણાઈ આવ્યુ હતું. આ 23 પાસ પૈકી 20 મનીવેલ્યુ મુસાફર પાસ વાઉચર કઠલાલ પોઈન્ટના માલુમ પડ્યાં હતાં. આ 20 મુસાફર પાસમાંથી 14 પાસ કંટ્રોલર કનુભાઈ ડાભીએ તા.15-2-22 થી તા.19-10-22 ના સમયગાળા દરમિયાન ઈશ્યુ કરી તેની રકમ ડેપોની કેસ શાખામાં જમા નહીં કરાવી રૂ.18,520 ની ઉચાપત કરી હતી. જ્યારે બાકીના 6 પાસ કંટ્રોલર કનુભાઈ ચૌહાણે 20-10-22 થી 15-11-22 દરમિયાન ઈશ્યુ કરી, તેની રકમ ડેપોની કેસ શાખામાં આજદિન સુધી જમા નહીં કરાવી રૂ.10,160 ની ઉચાપત કરી હતી. આમ, આ બંને કંટ્રોલરોએ કુલ રૂ.28,680 ઉચાપત કરી, એસ.ટી નિગમને આર્થિક નુકશાન પહોંચાડ્યું હોવા અંગેની ફરીયાદ મહુધા એસ.ટી ડેપોના મેનેજર સંદિપસિંહ સોલંકીએ કઠલાલ પોલીસમથકમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને કંટ્રોલર સામે આઈ.પી.સી કલમ 409, 114 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.