લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી એસ.કે. હાઈસ્કૂલમાં બે દિવસથી ચાલી રહેલા આરોગ્ય વિભાગના સર્વેમાં ત્રણ વિદ્યાર્થિની કોરોના પોઝીટીવ આવી હતી. આમ છતાં અહીં તાકીદના પગલાં ભરવાના બદલે આરોગ્ય વિભાગ સમગ્ર મામલે ઢાંકપીછોડા કરતું હોય તેવું લાગી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે, પરંતુ જિલ્લાનો આરોગ્ય વિભાગ સતર્ક થવાને બદલે હજુ પણ હોતી હૈ ચલતી હૈની બેદરકારી દર્શાવી રહ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. આરોગ્ય કર્મીઓ જહેમત ઉઠાવીને સર્વે કરી કોરોનાને ફેલાતો અટકાવવા પ્રયાસરત છે. પરંતુ ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અગમ્ય કારણોસર કોરોના કેસને છુપાવવા મથતા હોય તેવું લાગી રહ્યું છે.
અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગ હાથ ધરતાં લુણાવાડાની એસ.કે. હાઇસ્કૂલની એક વિદ્યાર્થિનીને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે બુધવારના રોજ સવારથી એસ.કે. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં વધુ બે વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં સારવાર શરૂ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, બે દિવસમાં એસ.કે. હાઈસ્કૂલમાં કુલ ત્રણ વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવા છતાં અગમ્ય કારણોસર આ કેસ સરકારી ચોપડે નોંધવા તૈયાર નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે, ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કમલેશ પરમાર લુણાવાડાની એસ.કે. હાઇસ્કૂલને પંચમહાલ જિલ્લામાં ગણાવે છે અને જિલ્લામાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી તેમ દર્શાવે છે. જેના કારણે પ્રજામાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.