સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટીંગ સિસ્ટમ’ વિષય ઉપર સેશનને સંબોધતાં નિષ્ણાંત વકતા તરીકે રિસીવેબલ્સ એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના ગુજરાત રિજનના ઇન્ચાર્જ ભાવિક શર્માએ જણાવ્યું હતું કે, રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડએ ભારતનું રિસીવેબલ એક્સચેન્જ છે. આ પ્લેટફોર્મ ઉપર એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારો દ્વારા પોતે વેચેલાં પ્રોડક્ટનું ઇન્વોઇસ ડિસ્કાઉન્ટ કરવા માટે અપલોડ કરવાનું હોય છે. આ પ્લેટફોર્મ ઉપર રજિસ્ટર્ડ ફાયનાન્સીયલ ઇન્સ્ટીટ્યુશન દ્વારા બાયરની ક્રેડીટને ધ્યાનમાં લઇને સપ્લાયર પાસે કોઇપણ પ્રકારના કો–લેટરલ લીધા વગર ઇન્વોઇસ બેઇઝ પર એમએસએમઇ ઉદ્યોગકારોના બેંક ખાતામાં બીલ ડિસ્કાઉન્ટ કરી જમા કરવામાં આવે છે.
આ પ્લેટફોર્મ પર અત્યાર સુધી ર૧,રપ,૧૯૭ જેટલા ઇન્વોઇસ ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યા છે અને ૩૬,૦૬ર કરોડનું ફાયનાન્સ થયું છે. ભારતભરમાંથી ૧ર૭૦૪ જેટલા એમએસએમઇ સપ્લાયર, ૯પર બાયર્સ અને પ૪ ફાયનાન્સર્સ રજિસ્ટર્ડ થયા છે, જેમાં વિવિધ બેન્કોનો પણ સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ ઉપર ઓછામાં ઓછા રૂપિયા ૧૦૦ અને વધુમાં વધુ રૂપિયા ૧પ કરોડનું બીલ ડિસ્કાઉન્ટ થઇ શકે છે. ચેમ્બરના માધ્યમથી સુરતમાં બીજી વખત આ પ્લેટફોર્મ એમએસએમઇ ઉદ્યોગકારોની વચ્ચે પ્રસ્તૃત કરવામાં આવ્યું છે.
આ પ્લેટફોર્મ ઉપર સેલર તરીકે માત્ર એમએસએમઇ જ રજિસ્ટર્ડ થઇ શકે છે. પરંતુ બાયર તરીકે તમામ પ્રકારના એકમો રજિસ્ટર્ડ થઇ શકે છે. જેમાં સ્મોલ, મિડિયમ અને માઇક્રો એકમો પણ આવી શકે છે. બાયર અને સેલર બંનેએ આ પ્લેટફોર્મ ઉપર રજિસ્ટર્ડ થવાનું હોય છે અને સેલર દ્વારા અપલોડ કરાયેલા ઇન્વોઇસને બાયરે વેલીડેટ કરવાનું હોય છે. બાયર્સની સ્ટ્રેન્થ ઉપર આ પ્લેટફોર્મ પર પેમેન્ટ થાય છે. વેન્ડર અને બાયર્સ કોસ્ટ બેરર બની શકે છે અને બાયર્સને ૧ર૦ દિવસનો ક્રેડીટ પિરીયડ મળી જાય છે. બાયરે સેલર પાસેથી ૪પ દિવસની ક્રેડીટ લીધી હોય અને તેને ૯૦ દિવસની ક્રેડીટ મેળવવી હોય તો પણ આ પ્લેટફોર્મ થકી મેળવી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ બાયર, સેલર અને ફાયનાન્સર એમ ત્રણેય માટે ઘણું ઉપયોગી છે. આ પ્લેટફોર્મ પરથી કેવી રીતે ઓછા વ્યાજદરે બીલ ડિસ્કાઉન્ટ કરી વેપારી પોતાનું પ્રોફીટ મેળવી શકે છે તથા પેમેન્ટ રિસ્ક નાબૂદ કરી શકે છે. આ પ્લેટફોર્મ ઉપર કેન્દ્રના તમામ પીએસયુઝને પણ ફરજિયાતપણે રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના પીએસયુઝને રજિસ્ટર્ડ કરાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું અને ઉપપ્રમુખ રમેશ વઘાસિયાએ ઓપનીંગ રિમાર્કસ આપ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ફાયનાન્શિયલ ઇન્કલુઝન એન્ડ ડેવલપમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ મેનેજર યશરાજ ચૌહાણે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.