કિવ: રશિયા(Russia)અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધ(War) ચાલી રહ્યુંછે. આ દરમિયાન, વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ના રક્ષામંત્રી( Minister of Defense) સર્ગેઈ શોઇગુ(Sergei Shoigu) છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક(Heart Attack) આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2012થી રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સહયોગી શોઇગુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગાયબ છે. રશિયન-ઇઝરાયલી ઉદ્યોગપતિ લિયોનીદ નેવ્ઝલીને પણ પુતિન અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવ અંગે સનસનાટીભર્યા દાવો કર્યો હતો.આ ઉપરાંત કેટલાક રીપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુક્રેન પર રશિયાના આક્રમણ બદલ 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે.
યુક્રેનનો દાવો, યુદ્ધની નિષ્ફળતા મામલે દોષી ઠેરવ્યા હતા
યુક્રેનના મંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઉગ્ર દલીલ બાદ રશિયન સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુને હાર્ટ એટેક આવ્યો હતો. મંત્રીએ કહ્યું કે પુતિને યુક્રેનમાં તેમની વિશેષ સૈન્ય કાર્યવાહીની “નિષ્ફળતા” માટે તેમને દોષી ઠેરવ્યા હતા, જેના કારણે બંને નેતાઓ વચ્ચે અણબનાવ થયો હતો. યુક્રેનના મંત્રીએ વધુમાં કહ્યું કે આ જ કારણ છે કે યુદ્ધના બીજા માસ્ટરમાઇન્ડ ગણાતા રક્ષા મંત્રી 11 માર્ચથી જાહેરમાં જોવા મળ્યા નથી. જો કે 24 માર્ચે રશિયન સંરક્ષણ મંત્રી ફરી એકવાર ટેલિવિઝન પર જોવા મળ્યા હતા. જોકે, ફૂટેજ નવું હતું કે જૂનું તે જાણી શકાયું નથી. થોડા સમય માટે લોકોમાંથી તેમના અચાનક ગાયબ થવાથી એવી અટકળોને વેગ મળ્યો કે તેમને હજુ સુધી યુક્રેનિયન શહેરો પર કબજો ન કરવા બદલ સજા કરવામાં આવી હતી.
પુતિનનો વીડિયો વાયરલ થયો હતો
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના બે દિવસ પહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડિયોમાં, પુતિન રશિયાને ડોનેટ્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર રાજ્યો તરીકે માન્યતા આપવા અંગેના તેમના વલણ વિશે ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસના વડા સર્ગેઈ નારીશ્કિન સાથે નિખાલસપણે વાત કરવા કહેતા જોવા મળ્યા હતા. નારીશ્કિન પણ તેમના નજીકના સહયોગીઓમાં ગણવામાં આવે છે.
પુતિન ઠપકો આપવામાં શરમાતા નથી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના ટોચના અધિકારીઓને જાહેરમાં શરમાવતા શરમાતા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અન્ય એક તસવીરમાં, પુતિન એક મીટિંગ દરમિયાન રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ અને અન્ય લોકોથી દૂર બેઠેલા જોવા મળે છે. આનાથી રશિયન પ્રમુખ અને તેમના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મતભેદોની અટકળો શરૂ થઈ હતી. ઘણા કહે છે કે પુતિન તેમના આંતરિક વર્તુળમાં યુક્રેનના વિષય પર કોઈ અસ્પષ્ટતા ઇચ્છતા ન હતા.
પુતિનનાં સૌથી વિશ્વાસુ રક્ષામંત્રી
પુતિનના લાંબા સમયથી વિશ્વાસુને 2012માં રક્ષા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2014માં જ્યારે રશિયાએ ક્રિમીઆને જોડ્યું ત્યારે સર્ગેઈ શોઇગુ ટોચ પર હતા. કેટલાક કહે છે કે શોઇગુ રશિયન રાષ્ટ્રપતિની સાથે શિકારની યાત્રા પર જાય છે. 24 ફેબ્રુઆરીનાં રોજ યુક્રેનમાં રશિયન સેનાની ઘુસણખોરી બાદ રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ જ હતા જેમણે પુતિનનાં નિર્દેશ પર રશિયાનાં પરમાણુ બળોને હાઈ એલર્ટ પર મુક્યા હતા.