સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર સ્ટ્રોક જ હોય છે, હંમેશા મારે છે તો મીર જ મારે છે. એ હવે ક્યાં અજાણ્યું છે! જેમ ભાટ-ચારણો બાપુઓના ધીંગાણાંઓની વાર્તાઓ લડાવી લડાવીને કહેતાં અને બાપુનું શૌર્ય જોઇને શ્રોતાઓની છાતી ગજગજ ફૂલતી એમ આજે ભક્તોનું છે. મામૂલીમાં મામૂલી નિર્ણયને, કે ખોટા નિર્ણયને કે પછી મજબૂરીમાં લેવા પડેલા નિર્ણયને એવી રીતે રજૂ કરવામાં આવે અને ગોદી મીડિયા એવી રીતે પડઘમ વગાડે કે ભક્તો રાજીના રેડ થઈ જાય. જીવન સાર્થક થઈ જાય અને ફરી વાર શરણમાં રહેવા સંકલ્પબદ્ધ થઈ જાય.
આ હવે રોજની ઘટના છે, પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે જ્યાં લેવાયેલા નિર્ણયના સૂચિતાર્થો વાચકોને જણાવવા જોઈએ. રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રુડ ખરીદવાનો નિર્ણય આ પ્રકારનો છે. એમાં મજબૂરી પણ છે અને લાંબા ગાળાનાં સંભવિત પરિણામો પણ નજરે પડી રહ્યાં છે એટલે સમજદાર વાચકોના લાભાર્થે થોડીક સ્પષ્ટતા જરૂરી છે. પ્રચાર એવો કરવામાં આવે છે કે ભારત વૈકલ્પિક ઊર્જાસ્રોત વિકસાવવામાં દુનિયામાં અગ્રેસર છે અને તેનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટી રહ્યું છે. સાચી વાત એ છે કે આખું જગત વૈકલ્પિક ઊર્જાસ્રોત વિકસાવવા પ્રયત્નશીલ છે અને તેમાં ભારત એક છે અને એનાથી વધુ કડવી વાસ્તવિકતા એ છે કે ભારતનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે કારણ કે ખપ વધી રહ્યો છે અને તેની સામે વૈકલ્પિક ઊર્જા બહુ ઓછી પડે છે.
અત્યારે ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૪૫ લાખ બેરલ્સ છે. કોરોનાકાળના અંત પછી ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૫૧ લાખ ૫૦ હજાર બેરલ્સની થશે એમ ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો કહે છે. અત્યારે ખનીજ તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સો ડોલર્સ પ્રતિ બેરલ છે અને જો યુદ્ધ વકરે તો હજુ વધી શકે એમ છે. યાદ રહે કે ભારતે તેની જરૂરિયાતનું ૮૫ ટકા ખનીજ તેલ આયાત કરવું પડે એમ છે. જો રોજ ૪૫ થી ૫૦ લાખ બેરલ્સ તેલ સો ડોલર્સના ભાવે ખરીદવું પડે અને જો યુદ્ધને કારણે ભાવમાં ભડકો થાય તો દેશના અર્થતંત્રનું શું થાય? આ સ્થિતિમાં રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદવાનો નિર્ણય લેવાય અને એવી સમજુતી થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? આને તો ખરેખર શકવર્તી ઘટના જ કહેવી પડે.
પણ એવું નથી. રશિયા ભારતને પહેલાં ત્રીસ લાખ બેરલ્સ અને પછી ૨૦ લાખ બેરલ્સ ક્રુડ તેલ આપવાનું છે. નહીં, પ્રતિદિન નહીં, વરસે. જે દેશની જરૂરિયાત રોજની ૪૫ થી ૫૦ લાખ બેરલ્સની હોય તેને વરસમાં એક દિવસની જરૂરિયાત પૂરતું તેલ મળવાનું છે. કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાના પ્રધાન હરદીપ પૂરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે ભારત દ્વારા કરવામાં આવતી ખનીજ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકા જેટલો પણ નથી. અને સસ્તું એટલે કેટલું સસ્તું? ખરીદીના દિવસે જે બજારભાવ હોય એનાથી ૨૦ ટકા સસ્તું. જો ભાવમાં ભડકો થાય તો ભડકાના ભાવમાં ૨૦ ટકાની રાહત મળે અને એ પણ દેશની ઊર્જાની માત્ર એક ટકાની જરૂરિયાત પૂરી કરે. નથી મોટો જથ્થો કે નથી બાંધેલો ભાવ. કયો માસ્તર સ્ટ્રોક આમાં નજરે પડે છે? તો પછી આવો નિર્ણય લીધો શા માટે? અને જો લીધો તો ભારતને રાહત થાય એવો મોટો જથ્થો શા માટે ખરીદવામાં ન આવ્યો? લાખ રૂપિયાના સવાલ આ બે છે.
ભારતે નિર્ણય લીધો નથી, લેવો પડ્યો છે. મજબૂરી હતી. ૨૦ ટકાના ભાવમાં રાહત તો પડખે ઊભા રહેવા માટેનો શિરપાવ છે અને એ પણ મામૂલી. વાત એમ છે કે યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી જગતમાં રશિયા એકલું પડી ગયું છે. પશ્ચિમના દેશોએ રશિયા ઉપર પ્રતિબંધો લાદ્યા છે જેને કારણે રશિયાના અર્થતંત્રની કમર તૂટી જવાની છે. ઓછામાં પૂરું યુદ્ધને એક મહિનો થવા આવ્યો પણ રશિયાનો વિજય નજરે પડતો નથી. તાકાતમાં રશિયા સામે સાવ સસલું ગણાતું યુક્રેન એક મહિનાથી ઝીંક ઝીલે છે. રશિયાનું નાક કપાયું છે અને તેના વડા વ્લાદિમીર પુતિનની આબરૂ તળિયે ગઈ છે. હવે તો વાતો થવા લાગી છે કે કદાચ પુતીનને પોતાને યુદ્ધની કિંમત ચૂકવવી પડશે. યુક્રેનનાં નાગરિકો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીની સાથે છે, રશિયન નાગરિકો પુતિનની સાથે નથી.
પુતિનને મિત્રોની જરૂર છે અને મિત્રો બે છે. એક સાવ નજીક ખડે પગે ઊભેલું ચીન અને બીજું ભારત, જે દૂર રહીને ટેકો તો આપે છે, પણ ઉઘાડો ટેકો આપતા સંકોચ અનુભવે છે. ભારતની દુવિધા એ છે કે ચીન શરમાયા વિના રશિયાને ઉઘાડો ટેકો આપે છે ત્યારે ભારત જો રશિયાને ટેકો ન આપે તો રશિયા ચીનની વધારે નજીક જાય. કાલ ઊઠીને જો ભારત-ચીન સરહદે સંકટ પેદા થાય તો રશિયા કદાચ મદદ ન પણ કરે! ભારતને ડર એ વાતનો છે કે જો ચીનની માફક ભારત રશિયાની પડખે ઉઘાડી રીતે ઊભું રહે તો અમેરિકા અને યુરોપના દેશો નારાજ થાય. ભારતની જરૂરિયાતનું લગભગ ૮૫ ટકા તેલ અમેરિકા અને અમેરિકા હસ્તક આરબ દેશોમાંથી આવે છે. આ સિવાય જો કાલે ચીન સાથે લશ્કરી સંકટ પેદા થાય તો અમેરિકા, યુરોપ જેવા દેશો મદદ ન કરે.
રશિયાને આ વાતની ખબર છે અને તેનો તેણે લાભ લીધો છે. રશિયા જગતને બતાવવા માગે છે કે ભારત માત્ર સલામતી સમિતિમાં ગેરહાજર રશિયાને મદદ નથી કરતું, રશિયા સાથે વ્યાપાર પણ કરે છે. રશિયાએ ભારતને પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને એ રીતે ભારતને અમેરિકા અને યુરોપના દેશોથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતે રશિયા પાસેથી ક્રુડ તેલ મજબૂરીમાં ખરીદવું પડે એમ છે. ખરીદી મામૂલી છે, કારણ કે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડે છે. એટલે તો ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું નથી. આ તો રશિયાએ ભારત સાથે કરેલો પ્રદર્શન માટેનો સોદો છે જે ભારતે અલ્પ માત્રામાં કરવો પડ્યો છે. આપણી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. નથી રશિયાને ખુલ્લેઆમ મદદ કરી શકતું કે નથી તેનો વિરોધ કરી શકતું. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ભારતની વિદેશનીતિ ચીનકેન્દ્રીય બની ગઈ છે અને એ મોટી મર્યાદા છે. હજુ તો અઠવાડિયું પણ વીત્યું નથી ત્યાં પરિણામ પણ દેખાવા લાગ્યાં છે જેની વાત રવિવારના લેખમાં. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર સ્ટ્રોક જ હોય છે, હંમેશા મારે છે તો મીર જ મારે છે. એ હવે ક્યાં અજાણ્યું છે! જેમ ભાટ-ચારણો બાપુઓના ધીંગાણાંઓની વાર્તાઓ લડાવી લડાવીને કહેતાં અને બાપુનું શૌર્ય જોઇને શ્રોતાઓની છાતી ગજગજ ફૂલતી એમ આજે ભક્તોનું છે. મામૂલીમાં મામૂલી નિર્ણયને, કે ખોટા નિર્ણયને કે પછી મજબૂરીમાં લેવા પડેલા નિર્ણયને એવી રીતે રજૂ કરવામાં આવે અને ગોદી મીડિયા એવી રીતે પડઘમ વગાડે કે ભક્તો રાજીના રેડ થઈ જાય. જીવન સાર્થક થઈ જાય અને ફરી વાર શરણમાં રહેવા સંકલ્પબદ્ધ થઈ જાય.
આ હવે રોજની ઘટના છે, પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે જ્યાં લેવાયેલા નિર્ણયના સૂચિતાર્થો વાચકોને જણાવવા જોઈએ. રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રુડ ખરીદવાનો નિર્ણય આ પ્રકારનો છે. એમાં મજબૂરી પણ છે અને લાંબા ગાળાનાં સંભવિત પરિણામો પણ નજરે પડી રહ્યાં છે એટલે સમજદાર વાચકોના લાભાર્થે થોડીક સ્પષ્ટતા જરૂરી છે. પ્રચાર એવો કરવામાં આવે છે કે ભારત વૈકલ્પિક ઊર્જાસ્રોત વિકસાવવામાં દુનિયામાં અગ્રેસર છે અને તેનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટી રહ્યું છે. સાચી વાત એ છે કે આખું જગત વૈકલ્પિક ઊર્જાસ્રોત વિકસાવવા પ્રયત્નશીલ છે અને તેમાં ભારત એક છે અને એનાથી વધુ કડવી વાસ્તવિકતા એ છે કે ભારતનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે કારણ કે ખપ વધી રહ્યો છે અને તેની સામે વૈકલ્પિક ઊર્જા બહુ ઓછી પડે છે.
અત્યારે ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૪૫ લાખ બેરલ્સ છે. કોરોનાકાળના અંત પછી ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૫૧ લાખ ૫૦ હજાર બેરલ્સની થશે એમ ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો કહે છે. અત્યારે ખનીજ તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સો ડોલર્સ પ્રતિ બેરલ છે અને જો યુદ્ધ વકરે તો હજુ વધી શકે એમ છે. યાદ રહે કે ભારતે તેની જરૂરિયાતનું ૮૫ ટકા ખનીજ તેલ આયાત કરવું પડે એમ છે. જો રોજ ૪૫ થી ૫૦ લાખ બેરલ્સ તેલ સો ડોલર્સના ભાવે ખરીદવું પડે અને જો યુદ્ધને કારણે ભાવમાં ભડકો થાય તો દેશના અર્થતંત્રનું શું થાય? આ સ્થિતિમાં રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદવાનો નિર્ણય લેવાય અને એવી સમજુતી થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? આને તો ખરેખર શકવર્તી ઘટના જ કહેવી પડે.
પણ એવું નથી. રશિયા ભારતને પહેલાં ત્રીસ લાખ બેરલ્સ અને પછી ૨૦ લાખ બેરલ્સ ક્રુડ તેલ આપવાનું છે. નહીં, પ્રતિદિન નહીં, વરસે. જે દેશની જરૂરિયાત રોજની ૪૫ થી ૫૦ લાખ બેરલ્સની હોય તેને વરસમાં એક દિવસની જરૂરિયાત પૂરતું તેલ મળવાનું છે. કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાના પ્રધાન હરદીપ પૂરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે ભારત દ્વારા કરવામાં આવતી ખનીજ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકા જેટલો પણ નથી. અને સસ્તું એટલે કેટલું સસ્તું? ખરીદીના દિવસે જે બજારભાવ હોય એનાથી ૨૦ ટકા સસ્તું. જો ભાવમાં ભડકો થાય તો ભડકાના ભાવમાં ૨૦ ટકાની રાહત મળે અને એ પણ દેશની ઊર્જાની માત્ર એક ટકાની જરૂરિયાત પૂરી કરે. નથી મોટો જથ્થો કે નથી બાંધેલો ભાવ. કયો માસ્તર સ્ટ્રોક આમાં નજરે પડે છે? તો પછી આવો નિર્ણય લીધો શા માટે? અને જો લીધો તો ભારતને રાહત થાય એવો મોટો જથ્થો શા માટે ખરીદવામાં ન આવ્યો? લાખ રૂપિયાના સવાલ આ બે છે.
ભારતે નિર્ણય લીધો નથી, લેવો પડ્યો છે. મજબૂરી હતી. ૨૦ ટકાના ભાવમાં રાહત તો પડખે ઊભા રહેવા માટેનો શિરપાવ છે અને એ પણ મામૂલી. વાત એમ છે કે યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી જગતમાં રશિયા એકલું પડી ગયું છે. પશ્ચિમના દેશોએ રશિયા ઉપર પ્રતિબંધો લાદ્યા છે જેને કારણે રશિયાના અર્થતંત્રની કમર તૂટી જવાની છે. ઓછામાં પૂરું યુદ્ધને એક મહિનો થવા આવ્યો પણ રશિયાનો વિજય નજરે પડતો નથી. તાકાતમાં રશિયા સામે સાવ સસલું ગણાતું યુક્રેન એક મહિનાથી ઝીંક ઝીલે છે. રશિયાનું નાક કપાયું છે અને તેના વડા વ્લાદિમીર પુતિનની આબરૂ તળિયે ગઈ છે. હવે તો વાતો થવા લાગી છે કે કદાચ પુતીનને પોતાને યુદ્ધની કિંમત ચૂકવવી પડશે. યુક્રેનનાં નાગરિકો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીની સાથે છે, રશિયન નાગરિકો પુતિનની સાથે નથી.
પુતિનને મિત્રોની જરૂર છે અને મિત્રો બે છે. એક સાવ નજીક ખડે પગે ઊભેલું ચીન અને બીજું ભારત, જે દૂર રહીને ટેકો તો આપે છે, પણ ઉઘાડો ટેકો આપતા સંકોચ અનુભવે છે. ભારતની દુવિધા એ છે કે ચીન શરમાયા વિના રશિયાને ઉઘાડો ટેકો આપે છે ત્યારે ભારત જો રશિયાને ટેકો ન આપે તો રશિયા ચીનની વધારે નજીક જાય. કાલ ઊઠીને જો ભારત-ચીન સરહદે સંકટ પેદા થાય તો રશિયા કદાચ મદદ ન પણ કરે! ભારતને ડર એ વાતનો છે કે જો ચીનની માફક ભારત રશિયાની પડખે ઉઘાડી રીતે ઊભું રહે તો અમેરિકા અને યુરોપના દેશો નારાજ થાય. ભારતની જરૂરિયાતનું લગભગ ૮૫ ટકા તેલ અમેરિકા અને અમેરિકા હસ્તક આરબ દેશોમાંથી આવે છે. આ સિવાય જો કાલે ચીન સાથે લશ્કરી સંકટ પેદા થાય તો અમેરિકા, યુરોપ જેવા દેશો મદદ ન કરે.
રશિયાને આ વાતની ખબર છે અને તેનો તેણે લાભ લીધો છે. રશિયા જગતને બતાવવા માગે છે કે ભારત માત્ર સલામતી સમિતિમાં ગેરહાજર રશિયાને મદદ નથી કરતું, રશિયા સાથે વ્યાપાર પણ કરે છે. રશિયાએ ભારતને પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને એ રીતે ભારતને અમેરિકા અને યુરોપના દેશોથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતે રશિયા પાસેથી ક્રુડ તેલ મજબૂરીમાં ખરીદવું પડે એમ છે. ખરીદી મામૂલી છે, કારણ કે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડે છે. એટલે તો ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું નથી. આ તો રશિયાએ ભારત સાથે કરેલો પ્રદર્શન માટેનો સોદો છે જે ભારતે અલ્પ માત્રામાં કરવો પડ્યો છે. આપણી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. નથી રશિયાને ખુલ્લેઆમ મદદ કરી શકતું કે નથી તેનો વિરોધ કરી શકતું. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ભારતની વિદેશનીતિ ચીનકેન્દ્રીય બની ગઈ છે અને એ મોટી મર્યાદા છે. હજુ તો અઠવાડિયું પણ વીત્યું નથી ત્યાં પરિણામ પણ દેખાવા લાગ્યાં છે જેની વાત રવિવારના લેખમાં.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.