રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (RussiaUkraineWar) 26 દિવસ બાદ પણ સમાપ્ત થયું નથી. બે દિવસમાં યુક્રેન પર કબ્જો જમાવી લેવાની પુતિનની ઈચ્છા પૂરી થઈ નથી. આ યુદ્ધ વધુને વધુ ઘેરું બની રહ્યું છે. યુક્રેન પર હુમલો કરવા ગયેલા રશિયન સૈનિકો બંદી બની રહ્યાં છે ત્યારે હવે એવા રિપોર્ટ બહાર આવ્યા છે કે રશિયાના સૈનિકો થાકીને નાસીપાસ થઈ ગયા છે. યુક્રેનમાં લડી રહેલાં સૈનિકો હવે ઘરે પરત ફરવા માંગે છે અને તે માટે પોતાને જ ગોળી મારી તેઓ ઈજાગ્રસ્ત થવા પણ તૈયાર થયા છે. એટલું જ નહીં યુક્રેનમાં પકડાયેલા સૈનિકો હવે ખુલ્લેઆમ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ભડાશ કાઢી રહ્યાં છે. રશિયાના સૈનિકો પોતાના દેશની પ્રજાને પણ પુતિનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી રહ્યાં છે.
એક રિપોર્ટ અનુસાર રશિયન સૈનિકોના એક ગ્રુપે તેમની સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હોત. પત્રકારો સમક્ષ ભાવુક થઈ રડતા રડતાં રશિયન સૈનિકોએ કહ્યું કે, કેવી રીતે તેમના સાથી સૈનિકોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યાં છે. આ સાથે જ સૈનિકોએ કહ્યું કે, રશિયા ક્યારેય યુક્રેન પર કબ્જો જમાવી શકશે નહીં. એટલા સૈનિકો મોકલી શકશે નહીં. પુતિન ગમે તેટલાં સૈનિકો મોકલો તો પણ તે યુક્રેન પર કબ્જો કરી શકશે નહીં.
સૈનિકોએ કહ્યું કે, પુતિન જુઠ્ઠા અને છેતરનારા છે. તે યુક્રેનના શહેરો, હોસ્પિટલો અને નાગરિકો પર બોમ્બ વરસાવી રહ્યાં છે. પરંતુ યુક્રેનના લોકો ખૂબ બહાદુર છે. તેઓ શસ્ત્રો વિના પણ રશિયાના હુમલા ખાળી રહ્યાં છે. તેઓ એકતાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહ્યાં છે. પુતિન ગમે તેટલાં સૈનિકો મોકલે તો પણ યુક્રેન પર કબજો કરી શકશે નહીં. રશિયન સૈનિકોએ પોતાના કમાન્ડોને પણ જૂઠ્ઠાં ગણાવ્યા હતા. તેઓ સૈનિકો અને રશિયન પ્રજા સાથે દગો કરી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
એક રશિયન સૈનિકે રશિયાના લોકોને પુતિનના પ્રચારને નજર અંદાજ કરવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે, લોકો સદીઓ સુધી રશિયાની આક્રમકતાને યાદ રાખશે. આ રશિયન સૈનિકે માફી માંગતા કહ્યું કે, રશિયન સૈનિકોએ એક જ દિવસમાં યુક્રેનના લોકોનું શાંતિપૂર્ણ જીવન બરબાદ કરી દીધું. રશિયન સૈનિકો પહેલાંથી જ હારી ચૂક્યા છે. હવે યુક્રેનનું સૈન્ય તેમનો નાશ કરશે. આ રશિયન સૈનિકે દાવો કર્યો હતો કે એક મહિનામાં રશિયાના 15,000 સૈનિકો માર્યા ગયા છે.
સૈનિકો પોતાના ઘરે પાછા ફરવા ગૌળી ખાવા તૈયાર
યુક્રેનના આક્રમણ બાદ રશિયામાં લોકો યુદ્ધના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુક્રેનમાં યુદ્ધમાં સામેલ રશિયન સૈનિકો પણ હવે ઘરે પરત ફરવા માગે છે. તે માટે તેઓ યુક્રેનના હથિયારો શોધી રહ્યાં છે. જેથી તે બંદૂકથી પોતાના પગમાં ગોળી મારી તબીબી સારવારના બહાને ઘરે ફરી શકે. કારણ કે યુદ્ધના ભાગેડૂ સૈનિકો માટે ડેથ સ્કવોડ તૈયાર છે.