કીવ: (Russiaukrainewar) રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી દીધા બાદ કીવ શહેરમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની (Indian Student) હાલત કફોડી બની છે. સ્થાનિક નાગરિકોની સાથે ભારતીયો અંડરગ્રાઉન્ડ શેલ્ટર (Underground shelter home) હોમમાં શરણ લેવા મજબૂર બન્યા છે. વોરની સ્થિતિના લીધે શેલ્ટર હોમમાં આશરો લેનારા ભારતીયોને ખાવા-પીવા માટે કશું મળી રહ્યું નથી, જેના લીધે છેલ્લાં 3 દિવસથી તેઓ ભૂખ્યા-તરસ્યાં છે.
બીજી તરફ તેઓને ભારત પરત ક્યારે લઈ જવાશે તે અંગે ઈન્ડિયન એમ્બેસી (Indian Embassy ) તરફથી કોઈ જવાબ મળી રહ્યો નહીં હોય વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. આજે જ્યારે ઈન્ડિયન એમ્બેસીએ વિદ્યાર્થીઓને એવું કહી દીધું કે તેઓના ખાવા-પીવાની વ્યવસ્થા કરી શકાશે નહીં, ત્યારે ત્રણ માળની બિલ્ડિંગમાં ફસાયેલા 1000 જેટલાં વિદ્યાર્થીઓએ એમ્બેસીમાં ધસી જઈ હોબાળો મચાવ્યો છે. એમ્બેસીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ ઝઘડો થયો છે.
- બે દિવસથી ભારતીય વિદ્યાર્થીઓને એમ્બેસી દ્વારા જમવાનું અપાયું નથી
- ભારત પાછા ક્યારે મોકલાશે તેનો પણ કોઈ જવાબ મળતો નથી
- ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ એમ્બેસીની કચેરી પર ધમાલ મચાવી
ભારતીય વિદ્યાર્થી મધુકર પ્રસાદે કહ્યું કે, એક દિવસ પહેલાં એમ્બેસીએ થોડું જમવાનું આપ્યું હતું. 6 લોકો વચ્ચે 1 પ્લેટ જમવાનું આપ્યું હતું. બધા ભૂખ્યા જ રહ્યાં હતાં. આખી રાત બ્લાસ્ટ થતા રહ્યાં હતાં. કોઈ ઊંઘી પણ શકતું નથી. ઈન્ડિયન એમ્બેસી પાસે અમને ક્યારે ભારત મોકલાશે તેનો જવાબ નથી. અમને જમાડવાની કોઈ વ્યવસ્થા તેઓ પાસે નથી. પીવાનું પાણી પણ આપતા નથી. આ રીતે ભૂખ્યા તરસ્યા મરવા કરતા અમે બહાર જઈને મરીશું.
આ તરફ એમ્બેસીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે, તેઓ અહીં રહી શકે છે અથવા એજન્ટનો સંપર્ક કરી જઈ શકે છે. વિદ્યાર્થીઓને બોર્ડર પર નહીં જવા સૂચના અપાઈ છે. કીવમાં બસો નથી. નાની ગાડીઓ જઈ રહી છે. બહાર યુદ્ધ થઈ રહ્યું હોય રાહ જોવા સિવાય વિદ્યાર્થીઓ પાસે કોઈ વિકલ્પ નથી.