નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કર્યાના ત્રીજા દિવસે વૈશ્વિક સ્તરે સ્થિતિ ગંભીર બની છે. યુદ્ધ (War) લાંબુ ચાલશે તો આખાય વિશ્વને (World) તેનું નુકસાન સહન કરવું પડશે. ભારતે આ યુદ્ધમાં ભલે તટસ્થ વલણ અપનાવ્યું હોય પરંતુ ભારત પણ યુદ્ધની અસરોથી બચી શકશે નહીં. યુદ્ધના લીધે ભારતે અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી આશંકા છે. ભારતના અર્થતંત્રને (Indian Economy) ખૂબ મોટો ફટકો પડી શકે છે. યુદ્ધની અસરના લીધે ભારતમાં મોંઘવારી વધી શકે છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે અને અન્ય દેશો સુધી વિસ્તરે તો વૈશ્વિક સ્તરે ગુડ્સ સપ્લાય ચેઇન (Goods Supply Chain) ખોરવાઈ શકે છે. જેના પગલે આયાતી ચીજોની (Imported Items) કિંમતો વધશે. આ વૈશ્વિક સંકટને કારણે ધાતુઓ અને ખનિજોની કિંમતો અત્યારથી જ વધવા લાગી છે, જેની આગામી સમયમાં ભારતીય નાગરિકોના ખિસ્સા પર ખરાબ અસર પડી શકે છે. જાણો આ યુદ્ધને કારણે ભારત સામે કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ સહિત ધાતુઓ અને ખનિજોના ભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એરકન્ડીશન જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત ઘરોમાં વપરાતી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. કારણ કે આ ઉપકરણોના ઉત્પાદન માટે એલ્યુમિનિયમ સહિત અનેક આયાતી ધાતુઓનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. યુદ્ધ બાદ લંડન મેટલ એક્સચેન્જ દ્વારા એલ્યુમિનિયમના ભાવમાં નોંધપાત્ર વધારો કરાયો છે. આ એક મોટું કારણ છે, જેના કારણે આવનારા સમયમાં ભારત સહિત અન્ય દેશોમાં ઇલેક્ટ્રિક સાધનો મોંઘા થઈ શકે છે.
યુદ્ધ વેળાસર બંધ નહીં થાય તો ક્રૂડ ઓઈલના ભાવ હજુ વધુ વધશે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો વધારો પણ જથ્થાબંધ ફુગાવામાં લગભગ 0.9 ટકાનો વધારો કરશે. જો ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ $100ની ઉપર જશે તો ભારતમાં જથ્થાબંધ ફુગાવો લગભગ 2-3 ટકા વધશે. કાચા તેલમાં પ્રતિ બેરલ 1 ડોલરના વધારાથી દેશ પર 10 હજાર કરોડનો બોજ વધશે. યુક્રેન વિશ્વનો સૌથી મોટો સનફ્લાવરનું ઉત્પાદન કરતો દેશ છે. તેથી આ યુદ્ધની અસર સૂરજમુખીના તેલના ભાવો પર પણ પડશે. 2020-21માં ભારતે યુક્રેનથી 14 લાખ ટન સનફ્લાવર ઓયલ આયાત કર્યું હતું. યુદ્ધના કારણે સનફ્લાવર ઓયલની કિંમતમાં વધારો થઈ શકે છે.
સોના-ચાંદીની ખરીદી પણ મોંઘી થશે
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં કિંમતી ધાતુ વધુ મોંઘી થાય તેવો ભય છે. તમને જણાવી દઈએ કે યુદ્ધ શરૂ થયા બાદ સોનાની કિંમત વધવાના લીધે બજારમાં ઘરાકી 60 ટકા જેટલી ઘટી ગઈ છે. યુદ્ધ બાદ નેચરલ ગેસમાં 6.25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય નિકલના ભાવમાં 2.01 ટકાનો વધારો થયો છે. આ સાથે એલ્યુમિનિયમમાં 2.00 ટકાનો વધારો થયો છે.
યુક્રેન કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતો મોટો દેશ
યુક્રેન કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતા મોટો દેશ છે. યુદ્ધના પગલે ઘઉં, મકાઈ સહિતના અનાજની સપ્લાય અટકી જવાના લીધે ભાવ પણ વધી શકે છે.
ભારત અને રશિયાની આયાત-નિકાસ જાણો
તમને જણાવી દઈએ કે, ભારત રશિયામાં કપડાં, ફાર્મા પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિકલ મશીનરી, લોખંડ, સ્ટીલ, રસાયણો, કોફી અને ચાની નિકાસ કરે છે. ગયા વર્ષે ભારતે રશિયાને રૂ. 19,649 કરોડની નિકાસ કરી હતી અને રૂ. 40,632 કરોડની આયાત કરી હતી.
યુક્રેનમાં ભારતની નિકાસ અને આયાત જાણો
ભારત યુક્રેનને કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, કઠોળ, રસાયણો, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઇલેક્ટ્રિક મશીનરીની નિકાસ પણ કરે છે. એ જ રીતે ભારતે ગયા વર્ષે યુક્રેનને રૂ. 3,338 કરોડની નિકાસ કરી હતી અને રૂ. 15,865 કરોડની આયાત કરી હતી.