નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCના ન્યાયાધીશોએ રશિયા યુક્રેન યુદ્ધના (Russia-Ukrain War) મામલામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ (Arrest warrant) જાહેર કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ મામલે કહ્યું, “પુતિન વિરુદ્ધ ICCનું વોરંટ ‘માત્ર શરૂઆત’ છે.” હવે પુતિનની ધરપકડ ગમે તે સમયે થઈ શકે છે. રશિયાના સમર્થન માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારથી ત્રણ દિવસ સુધી રશિયાની મુલાકાતે જશે. જાણકારી મળી આવી છે કે યુક્રેન પર ચાલી રહેલા આક્રમણ અને પશ્ચિમ અને પૂર્વ વચ્ચેના વણસેલા સંબંધો વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના ચીની સમકક્ષ સાથે પૂર્વ યુરોપીય દેશમાં સંઘર્ષ અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
પુતિનની સેના જ્યારે યુક્રેન પહોંચી ત્યારે સૌએ અનુમાન લગાવ્યું હતું કે યુક્રેન ટૂંક સમયમાં રશિયા સમક્ષ ઘૂંટણિયે પડશે. જો કે હજુ સુધી આવું થતું જોવા મળ્યું નથી. તેનાથી વિપરિત, યુક્રેન નિશ્ચિતપણે મોરચે છે. આવી સ્થિતિમાં હવે રશિયા અને પુતિન પર સવાલો ઉઠી રહ્યા છે. ઘણા નિષ્ણાતો રશિયાના વિઘટન અને પુતિનના પતનનો અંદાજ લગાવી રહ્યા છે. ભૂતપૂર્વ રશિયન રાજદ્વારી બોરિસ બોન્દારેવે કહ્યું છે કે જો પુતિન પોતાની શરતો પર આ યુદ્ધ જીતવામાં સફળ નહીં થાય તો તેમને પદ છોડવાની ફરજ પડી શકે છે. જાણકારી મુજબ ગયા વર્ષે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ બોન્દારેવે જાહેરમાં રાજીનામું આપ્યું હતું.
શું ચીન સમાધાન કરાવી શકશે?
ચીને તાજેતરમાં મુસ્લિમ વિશ્વના બે મોટા દેશો ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે વર્ષોની દુશ્મનીનો અંત લાવ્યો છે. આ પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગયા વર્ષના ફેબ્રુઆરીના અંતથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલ કરવા જઈ રહ્યા છે. સોમવારે જિનપિંગ રશિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. આખું વિશ્વ રશિયા યુક્રેન યુદ્ધનાં અંતની રાહ જોઈ રહ્યું છે. વાસ્તવમાં આ યુદ્ધ ભલે યુક્રેન રશિયા વચ્ચેનું હોય પણ તેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી છે.