એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો તણાવ હવે રાજકીય મુકાબલામાં ફેરવાઈ રહ્યો છે. આ દરમિયાન એક સિનિયર રશિયન સાંસદે મસ્કને રશિયામાં ‘રાજકીય આશ્રય’ આપવાની ઓફર કરી છે. આ પગલું ભૂતકાળમાં ક્રેમલિન દ્વારા આપવામાં આવેલા હાઈ-પ્રોફાઇલ સિક્યોરિટીની યાદ અપાવે છે.
રશિયન સંસદ (ડુમા) આંતરરાષ્ટ્રીય બાબતો સમિતિના પ્રથમ ઉપાધ્યક્ષ દિમિત્રી નોવિકોવે રશિયાની રાજ્ય સમાચાર એજન્સી TASS ને જણાવ્યું હતું કે જો મસ્ક ઈચ્છે તો રશિયા તેમને આશ્રય આપવાનું વિચારી શકે છે.
નોવિકોવે કહ્યું, મસ્કનો ખેલ બિલકુલ અલગ છે, તેને કોઈ રાજકીય આશ્રયની જરૂર નહીં પડે પરંતુ જો તે કરશે તો રશિયા ચોક્કસપણે તેમને આશ્રય આપી શકે છે. તેમણે આ નિવેદનમાં એડવર્ડ સ્નોડેનને આપવામાં આવેલા આશ્રયનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુએસ રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે. ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટીવ બેનનએ મસ્કને ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ’ ગણાવ્યા છે અને તેમના દેશનિકાલ અને સ્પેસએક્સ જપ્ત કરવાની માંગ કરી છે. મસ્ક દ્વારા તાજેતરમાં તેમના ડ્રેગન અવકાશયાન (જે નાસા અને આઇએસએસ વચ્ચેની કડી છે) ને બંધ કરવાની ધમકીએ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી છે, જેના કારણે સરકારી હસ્તક્ષેપની માંગ વધુ તીવ્ર બની છે.
રશિયાએ કહ્યું કે આ અમેરિકાનો આંતરિક મામલો છે જોકે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રશિયાને આ વિવાદથી દૂર રાખ્યું અને કહ્યું, આ અમેરિકાનો આંતરિક મામલો છે, અને અમે તેમાં દખલ કરીશું નહીં. પરંતુ રશિયાનો ઇતિહાસ કંઈક બીજું જ કહે છે. એડવર્ડ સ્નોડેન સિવાય રશિયાએ અગાઉ બ્રિટિશ બ્લોગર ગ્રેહામ ફિલિપ્સ જેવા ઘણા પશ્ચિમી ટીકાકારોને આશ્રય આપ્યો છે.
તેઓ એક સમયે એકબીજાની નજીક હતા હવે તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. ટ્રમ્પ-મસ્કના સંબંધોમાં આવેલા તિરાડથી વોશિંગ્ટનમાં ખળભળાટ મચી ગયો છે. એક સમયે એકબીજાની નજીક ગણાતા બંને વચ્ચેના સંબંધો ત્યારે બગડ્યા જ્યારે મસ્ક ટ્રમ્પના ખર્ચ બિલનો વિરોધ કરવા લાગ્યા.
જવાબમાં ટ્રમ્પે મસ્ક પર હુમલો કરતા કહ્યું કે મસ્ક ‘પાગલ થઈ ગયા છે’ અને સંકેત આપ્યો કે તેઓ સરકાર સાથે સ્પેસએક્સના કરારોની સમીક્ષા કરી શકે છે. બાદમાં ટ્રમ્પે પોતાનું વલણ નરમ પાડ્યું અને કહ્યું, હું ફક્ત તેમને શુભેચ્છા પાઠવું છું પરંતુ ખતરો હજુ પણ ટળ્યો નથી. મસ્કે પણ પોતાનું વલણ શાંત કર્યું અને નાસા મિશન બંધ કરવાની ધમકી પાછી ખેંચી લીધી.