કોઈ દેશ ગમે તેટલો નાનો હોય, પણ જો તેની પ્રજા પોતાની આઝાદીને ટકાવી રાખવાની બાબતમાં મક્કમ હોય તો મહાસત્તાને પણ નાકે દમ લાવી દે છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેના સાત દિવસ પછી પણ રશિયન સૈન્ય રાજધાની કીવ તો ઠીક, તેના બીજા નંબરના મોટા શહેર ખારકીવ પર કબજો જમાવવામાં નિષ્ફળ ગયું છે. રશિયાના લશ્કર સામે માત્ર યુક્રેનનું લશ્કર નથી લડી રહ્યું, પણ ત્યાંનાં નાગરિકો પણ જીવસટોસટની લડાઈ લડી રહ્યાં છે. યુક્રેનની સરકાર દ્વારા દરેક યુવાન અને તંદુરસ્ત નાગરિકોને રાઇફલો આપવામાં આવી છે અને તેઓ પોતાના મહોલ્લાની ચોકી કરી રહ્યા છે. રશિયાએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની હત્યા કરવા માટે ૫૦૦ ભાડૂતી હત્યારાઓ મોકલ્યા હતા. તેમની જ યુક્રેનના સૈન્ય દ્વારા હત્યા કરી નાખવામાં આવી છે. યુક્રેન પર વિજય મેળવવામાં થઈ રહેલા વિલંબને કારણે જ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અણુબોમ્બનો ઉપયોગ કરવા ઉતાવળા થયા છે. રશિયાનું લશ્કર કદાચ બળજબરીથી યુક્રેન પર કબજો જમાવી લેશે તો પણ પ્રજાના પ્રતિકારને કારણે રશિયા લાંબા સમય સુધી તેને પોતાનું ગુલામ રાખી શકશે નહીં.
રશિયાના લશ્કર દ્વારા યુદ્ધના તમામ નીતિનિયમો તોડીને યુક્રેનનાં નિર્દોષ નાગરિકો પર બોમ્બવર્ષા કરવામાં આવી રહી છે. યુદ્ધને કારણે યુક્રેનના આશરે દસ લાખ નાગરિકો પોતાનું માદરે વતન છોડીને પડોશી દેશોમાં આશરો લેવા મજબૂર બન્યાં છે. હિટલરના અને સ્ટાલિનના જમાનામાં આમ નાગરિકો પર જેટલા અત્યાચારો ગુજારવામાં આવતા હતા તેના કરતાં પણ વધુ અત્યાચારો યુક્રેનના નાગરિકો પર ગુજારવાની તૈયારી રશિયા કરી રહ્યું છે. જો રાજધાની કીવ પર કબજો આવી જાય તો તેના વર્તમાન પ્રમુખ ઝેલેન્સ્કીને પદભ્રષ્ટ કરીને રશિયાના વફાદાર ભૂતપૂર્વ પ્રમુખ યાનુકોવિચને રાજગાદી પર બેસાડી દેવાની યોજના રશિયાએ ઘડી કાઢી છે.
યુક્રેનમાં વર્તમાનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાં મૂળ વ્લાદિમિર પુતિન રશિયાના પ્રમુખ બન્યા ત્યારથી નંખાયેલા છે. પુતિન ક્યારેય યુક્રેનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવા તૈયાર થયા નહોતા. તેઓ યુક્રેનને રશિયાનો હિસ્સો જ ગણતા હતા. ૧૯૯૧ માં સોવિયેટ સંઘે યુક્રેનને આઝાદી આપી તેને તેઓ એક દુર્ઘટના જ માનતા હતા. તેઓ પ્રામાણિકપણે માને છે કે યુક્રેનનાં લોકો રશિયન છે અને તેમને સ્વતંત્ર દેશની જરૂર જ નથી. તેઓ માને છે કે જે લોકો યુક્રેનની આઝાદીનો જંગ લડ્યા હતા તેઓ બધા યુરોપના કે અમેરિકાના એજન્ટો હતા. પુતિને ૨૦૨૧ માં એક નિબંધ લખ્યો હતો, જેમાં યુક્રેન બાબતમાં તેમની રુગ્ણ માનસિકતાનું પ્રદર્શન થતું હતું. પુતિન ૧૯૯૧ પહેલાંના સોવિયેટ સંઘને પાછું જીવતું કરવા માગે છે. તેમની મહત્ત્વાકાંક્ષા તો ઝારના સમયના રશિયાનો પુનરુદ્ધાર કરવાની છે.
૧૯૯૧ માં રશિયાથી જુદા પડ્યા પછી યુક્રેને મૂડીવાદ અપનાવ્યો અને ત્યાં લોકશાહીની સ્થાપના કરવામાં આવી તેને પણ પુતિન પચાવી શક્યા નહોતા. યુક્રેનના લોકો યુરોપિયન યુનિયન સાથે ભળી જવા આતુર બન્યા તેને કારણે પુતિનની અસલામતી વધી ગઈ હતી. ૨૦૦૪ માં યુક્રેનમાં ચૂંટણી થઈ તેમાં ગોલમાલ કરવાના પુતિનના પ્રયાસો બૂમરેંગ થયા હતા. યુક્રેનમાં ઓરેન્જ રિવોલ્યુશન થયું હતું, જેમાં લોકશાહીતફરી પ્રચંડ દેખાવો થયા હતા. આ દેખાવોને કારણે પુતિનને અપમાન લાગ્યું હતું અને તેમણે યુક્રેનને પાઠ ભણાવવાનો સંકલ્પ કર્યો હતો. ૨૦૧૪ માં યુક્રેનમાં રશિયાતરફી પ્રમુખ યાનુકોવિચ સામે દેખાવો થયા ત્યારે પુતિને ક્રીમિયાને રશિયામાં ભેળવીને તેનો બદલો લીધો હતો. ક્રીમિયામાં રશિયનભાષી બહુમતી હોવાથી તેનો વિરોધ થયો નહોતો.
૨૦૧૪ પછી રશિયાની વિદેશનીતિનું કેન્દ્ર યુક્રેન જ રહ્યું છે. રશિયાના સરકારી પ્રસાર માધ્યમોમાં નિયમિત યુક્રેન સામે ઝેર ઓકવામાં આવી રહ્યું છે. તેઓ રશિયનોને એવું ઠસાવવાની કોશિશ કરે છે કે યુક્રેનના લોકો નાઝીવાદી છે અને યુરોપના રાક્ષસો છે. જો કે યુક્રેનનાં નાગરિકો જમણેરી અંતિમવાદી પક્ષોને જરાય ટેકો આપતાં નથી. ચૂંટણીમાં તેમને બે ટકાથી વધુ મત મળતા નથી. ૨૦૧૯ માં યહૂદી મૂળના વોલોદિમીર ઝેલેન્સ્કી યુક્રેનના પ્રમુખ ચૂંટાયા ત્યારે પણ પુતિનના પેટમાં તેલ રેડાયું હતું. તેમણે ૨૦૨૧ માં યુક્રેનને રશિયાનું દુશ્મન ગણાવવાનું ચાલુ કર્યું હતું. પુતિન હવે એક રાષ્ટ્ર તરીકે યુક્રેનના અસ્તિત્વને નેસ્તનાબૂદ કરવા તૈયાર થઈ ગયા છે. તેમણે રશિયન પ્રજાના મનમાં યુક્રેન માટે ઝેર ભરી દીધું છે. યુક્રેનનાં જે લોકો પુતિનની વાત સાથે સંમત ન થાય તેઓ રશિયા માટે નાઝી કે પશ્ચિમના દલાલો છે. તેઓ કોઈ સહાનુભૂતિને પાત્ર મનાતા નથી.
રશિયાએ જેની કલ્પના પણ નહોતી કરી તેવો તેના સૈન્યનો પ્રતિકાર યુક્રેનમાં થયો છે. રશિયાના લોકો જે પ્રમુખ ઝેલેન્સ્કીને કોમેડિયન ગણાવીને ઉતારી પાડતા હતા તેમણે લોકોમાં દેશદાઝ જગાડી છે. તેઓ રાજધાની કીવમાં જ રહીને સૈન્યનો જુસ્સો વધારી રહ્યા છે. તેઓ પોતે સૈનિકનો ગણવેશ પહેરીને લોકોને સંબોધન કરી રહ્યા છે. તેમની પત્ની પણ ખભેખભા મિલાવીને તેમનો સાથ આપી રહી છે. યુક્રેનના સૈનિકો દ્વારા રશિયાના સૈન્યને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. યુદ્ધમાં આશરે પાંચ હજાર રશિયન સૈનિકો માર્યા ગયા હોવાનું પણ કહેવાય છે. સામા પક્ષે રશિયા દ્વારા યુક્રેનના બે હજાર નાગરિકોને હણી નાખવામાં આવ્યાં છે. રશિયા દ્વારા યુદ્ધના નિયમો તોડવા બદલ તેની સામે ઇન્ટરનેશનલ કોર્ટમાં ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી છે.
યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાના પ્રમુખ પુતિને જાહેર કર્યું હતું કે તેઓ યુક્રેનના લઘુમતી અંતિમવાદીઓ સામે લડવા માગે છે. હવે સાબિત થઈ ગયું છે કે પુતિનનો જંગ યુક્રેનના ચાર કરોડ નાગરિકો સામે છે. રશિયા જો યુક્રેનને કાયમ માટે ગુલામ બનાવવા માગતું હશે તો તેણે લાખો લોકોની કતલ કરવી પડશે અથવા તેમને આજીવન કારાવાસમાં રાખવા પડશે. રશિયા દ્વારા યુક્રેનના રાજકારણીઓ, પત્રકારો અને ક્રાંતિકારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમની કદાચ કતલ કરવામાં આવશે કે તેમને જેલમાં પૂરવામાં આવશે. અફઘાનિસ્તાનની જેમ રશિયા યુક્રેનને હરાવવામાં સફળ થશે તો પણ તેણે ત્યાં પોતાનું કાયમી લશ્કર રાખવું પડશે. પશ્ચિમના દેશોને હજુ ખબર નથી કે પુતિન યુક્રેનમાં કેટલા મોટા અને ભીષણ નરસંહાર માટે તૈયારી કરી રહ્યા છે.
રશિયાની વસતિ આશરે ૧૫ કરોડની છે. તેમાંના ૧૫ હજાર લોકો પણ યુક્રેન સાથે યુદ્ધ કરવા નહીં માગતા હોય, પણ તેઓ પોતાની મરજી ૧૫ કરોડ લોકો પર ઠોકી બેસાડી શકે છે. યુક્રેન સામે યુદ્ધનો પ્રારંભ કરવા માટે રશિયન સંસદને પણ પૂછવામાં આવ્યું નહોતું. માત્ર સામ્યવાદી પક્ષના પોલિટ બ્યૂરો દ્વારા યુદ્ધનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર પુતિનના વફાદારોને જ સ્થાન મળે છે. પુતિને પોતાની જાતને રશિયાના આજીવન પ્રમુખ જાહેર કર્યા છે. આ માથાફરેલા ઇસમના હાથમાં હજારો અણુશસ્ત્રો છે. તે દુનિયાને ક્યારે પણ અણુયુદ્ધ તરફ ધકેલી શકે છે. પુતિનને જો કોઈનું પીઠબળ હોય તો તે શસ્ત્રોનું ઉત્પાદન કરતી લોબી છે. આ લોબી રશિયાની જેમ યુરોપના અને અમેરિકાના દેશોની ઉપર પણ નિયંત્રણ ધરાવે છે. જગતમાં ક્યાંય પણ યુદ્ધ થાય તો તેમના જ શસ્ત્રો વેચાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાનાં શસ્ત્રો વેચવા જ તેઓ યુદ્ધો કરાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે