સુરત: દિવાળીના વેકેશન દરમિયાન સુરતના સરથાણા નેચરપાર્કમાં મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી છે. 16 ઓક્ટોબરથી શાળાઓમાં વેકેશન શરૂ થતાં જ પાર્કમાં બાળકો, પરિવારજનો અને કુદરતપ્રેમીઓનો ધસારો નોંધાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, 16 ઓક્ટોબરે 672 મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લીધી હતી, જ્યારે 17 ઓક્ટોબરે આ આંકડો વધીને 778 પર પહોંચ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે 18 ઓક્ટોબરે 988 લોકો આવ્યા હતા. દિવાળી નજીક આવતાં જ 19 ઓક્ટોબરે મુલાકાતીઓની સંખ્યા ઉછળીને 2,452 સુધી પહોંચી હતી અને દિવાળીના બીજા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે તો રેકોર્ડબ્રેક 6,299 મુલાકાતીઓ નોંધાયા હતા.
આ વધતા મુલાકાતીઓના પ્રવાહ સાથે સરથાણા નેચરપાર્કને પણ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મનપાને 16 ઓક્ટોબરે ₹રૂ.18,700, 17મીએ ₹રૂ.21,470, 18મીએ ₹રૂ.27,360, 19મીએ રૂ.₹71,020 અને 20મીએ ₹રૂ.1,81,370ની આવક થઈ હતી. આમ, માત્ર પાંચ દિવસમાં સુરત મહાનગરપાલિકાને સરથાણા નેચરપાર્કમાંથી કુલ ₹3,19,920ની આવક થઈ છે.
દિવાળી બાદ પણ વેકેશનના દિવસો ચાલુ હોવાથી મુલાકાતીઓની સંખ્યા હજી વધવાની શક્યતા છે. ખાસ કરીને રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પાર્કમાં ભીડ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સરથાણા નેચરપાર્કમાં ઝૂ, તળાવ, ગાર્ડન અને નેચર ટ્રેઈલ જેવી આકર્ષક સુવિધાઓ હોવાને કારણે પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ સ્થળ શહેરજનો માટે લોકપ્રિય ડેસ્ટિનેશન બની ગયું છે.
મહાનગરપાલિકા દ્વારા પણ વધતી ભીડને ધ્યાનમાં રાખી સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓમાં જરૂરી સુધારાઓ કરાયા છે, જેથી દિવાળી વેકેશનમાં નેચરપાર્ક આવનાર મુલાકાતીઓને સુખદ અનુભવ મળી શકે.