National

ડોલર સામે રૂપિયો 130 પૈસા મજબૂત, 90.20 પર પહોંચ્યો, આ 3 વર્ષમાં સૌથી મોટો જમ્પ

મંગળવારે (૩ ફેબ્રુઆરી) ભારતીય રૂપિયો 90.20 પર પહોંચ્યો જે યુએસ ડોલર સામે 3 વર્ષમાં તેનો સૌથી મોટો ઉછાળો છે. આ વધારો અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરારની જાહેરાતને કારણે થયો હતો જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યો.

અગાઉ ૨૦૨૫માં રૂપિયો લગભગ ૫% ઘટ્યો હતો જે એશિયામાં સૌથી નબળો ચલણ બન્યો હતો. જાન્યુઆરી ૨૦૨૬માં જ તેમાં ૨% ઘટાડો નોંધાયો હતો. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) દ્વારા સતત ઉપાડને કારણે રૂપિયા પર દબાણ આવ્યું હતું. જોકે મંગળવારે રૂપિયામાં સુધારો થયો, જે તેના અગાઉના 91.49 ના બંધથી 130 પૈસા વધ્યો.

ભારત અને અમેરિકા વચ્ચેના ‘ગિવ એન્ડ ટેક’ કરારને કારણે રૂપિયામાં વધારો થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને તેના બદલે યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે.

આ ઉપરાંત ભારતે આગામી કેટલાક વર્ષોમાં યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી $500 બિલિયન (આશરે રૂ. 45 લાખ કરોડ) મૂલ્યની ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ જાહેરાતથી ગયા વર્ષે ઓગસ્ટમાં યુએસ ટેરિફ લાદવામાં આવ્યા પછીથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.

નિષ્ણાતો માને છે કે રૂપિયામાં આ વધારો ચાલુ રહી શકે છે. નિકાસમાં અપેક્ષિત વધારો રૂપિયાની માંગમાં વધુ વધારો કરશે. ટૂંકા ગાળામાં રૂપિયો 89.50 થી 89.00 ના સ્તરે પહોંચી શકે છે. ટેરિફ ઘટાડાથી રૂપિયાને મજબૂત થવાનો માર્ગ ખુલ્યો છે પરંતુ આ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા હસ્તક્ષેપના સ્તર પર પણ નિર્ભર રહેશે.

Most Popular

To Top