વીતેલા 25 વર્ષથી સતત સત્તાનું સુકાન સંભાળનારી ભાજપ સરકાર (BJP Government) તમામ મોરચે મળેલી નિષ્ફળતાઓને ઢાંકવા માટે માત્ર ચહેરા બદલી રહી છે, મુખ્યમંત્રીનું રાજીનામું ભાજપની આંતરિક લડાઈ, સરકાર અને સંગઠન વચ્ચેના સતત સંઘર્ષનું ખુલ્લું પ્રતિબિંબ છે, તેવું વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) જણાવ્યું હતું.
આજે રાજયમાં સરળ સ્વભાવના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભારતીય જનતા પાર્ટીએ અચાનક, અકારણ અને અધવચ્ચે રાજીનામું અપાવ્યું તેનું અત્યંત દુઃખ વ્યક્ત કરતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું ક, હાલની મંદી-મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી દરમ્યાન સમગ્ર રાજ્યમાં રચાયેલા મોતના તાંડવ માટે મુખ્યમંત્રી રૂપાણીની સરકારને સતત રીમોટ કંટ્રોલથી ચલાવનારા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સીધા જ જવાબદાર છે.
કોરોનાની મહામારી વચ્ચે જયારે સમગ્ર વિશ્વ આરોગ્ય સુવિધાઓ ઉભી કરવા માટે નિષ્ઠાપૂર્વકના પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે માત્ર તાળી અને થાળી વગાડવામાં વ્યસ્ત રહેલી ભારતીય જનતા પાર્ટીની સત્તા ભૂખે અંદાજીત ૩ લાખ કરતા વધુ ગુજરાતીઓને મોતનાં મોઢામાં ધકેલવાની ગુનાહિત સરકારી બેદરકારીને ઉજાગર કરી છે, કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન આરોગ્ય સુવિધાઓનો અભાવ અને સ્મશાને લાગેલી લાંબી લાઈનોએ કદાચ વિજય રૂપાણીનો ભોગ લીધો હોઈ એવું લગી રહ્યું છે.
સમગ્ર ગુજરાતના ગુસ્સાને ખાળી શકે એવો એકપણ ચહેરો ગુજરાત ભાજપ પાસે ઉપલબ્ધ નથી, ત્યારે કદાચ અમિત શાહે પોતાના ગૃહ રાજ્ય એવા ગુજરાતની રાજનીતિમાં પરત આવવા માટે ગોઠવેલા ષડ્યંત્રકારી ચોગઠામાં મુખ્યમંત્રી રૂપાણી ભોગ બન્યા હોવાની દ્રઢ આશંકા વ્યક્ત કરી છે.