એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યારાહ બારાહ તેરા…તેરા કરું તેરા કરું ગીન ગીન કે ઇન્તઝાર આજા પિયા આઇ બહાર!’ ટી.વી. પરના ડાન્સ શોમાં આ ગીત પર ધકધક ગર્લ કહેવાતી માધુરી દિક્ષિતની નાની આવૃતિ હોય તેવી કિશોરી બાર વર્ષની પિયા મસ્ત ડાન્સ કરતી હતી. જજીસ એના હાવભાવ અને સહજ ડાન્સથી ઇમ્પ્રેસ થયા હોય તે વાહ વાહ….સુપર્બ…સુપર સે ઉપર તેવી કોમેન્ટસ આપતાં હતા. પિયા પણ દિલ દઇને ડાન્સ કરતી હતી. એનુ સપનું હતું એક કરોડ રુપિયાનું ડાન્સ માસ્ટરનું ઇનામ જીતવાનું. અભિમન્યુના સાત કોઠા જેવા અનેક રાઉન્ડ પાર કરીને મહા મહેનતે એ ફાઇનલમાં પહોંચી છે. બસ હવે આ રાઉન્ડમાં એ જીતી જાય તો બસ પછી સપના સાકાર કરતાં એને કોઇ રોકી નહીં શકે.
પિયાને યાદ પણ નથી કે ક્યાં કેવી રીતે એના જીવનમાં નૃત્ય પ્રવેશી ગયું અને એમાં આગળ વધવું એ જીવનનું એક માત્ર લક્ષ્ય બની ગયુ. એ ત્રણેક વર્ષની હતી અને એકવાર ટી.વી. પર,’તું ચીજ બડી હેં મસ્ત મસ્ત મસ્ત…’ ગીત વાગતું હતું. અને નાનકડી પિયા એ ગીતના તાલ પર ડાન્સ કરવા લાગી. એના મમ્મી–પપ્પા એના લયબધ્ધ નૃત્યને આશ્ચર્યથી તાકી રહ્યાં. એમને અહેસાસ થયો કે એમની દીકરી તો જન્મજાત કલાકાર છે. ત્યારથી એમણે જાણે નક્કી કરી લીધું કે ભલે એમનો સમાજ કઇપણ કહે તેઓ પિયાને પૂરું પ્રોત્સાહન આપશે.
પિયાના પપ્પા એટલે કે શ્રી રાજરાજેશ્વર કુંવર સિંહજી અંગ્રેજોના જમાનાથી ચાલી આવતી રિયાસતના રાજવી હતા. ઘરમાં રાજવી પરિવારમાં હોય તેટલી માન મર્યાદા અચૂક પાળવામાં આવતી. પિયાની મમ્મી શ્રી રાજેશ્રી બા પૂરી માન મર્યાદા સાથે માથે ઓઢતાં અને હમેંશા પરદામાં રહેતા. આવા પરિવારની દીકરી નૃત્ય શીખે તે સમાચારથી એ નાનકડી રિયાસતમાં હલચલ મચી જાય. એટલે પિયાના મા–બાપ માટે દીકરીના શોખને કઇ રીતે પાળવો એ એમને મન મોટો કોયડો બની ગયો હતો. પણ આખરે શ્રી રાજરાજેશ્વરની રગોમાં રાજવી પરિવારનું લોહી હતું. એટલે મુત્સદ્દીપણું એમની મદદે આવ્યું.
પિયા પાંચ વર્ષની હતી ત્યાં જ એને મુંબઇ જેવા મહાનગરમાં નોકર–ચાકરની પૂરી ફોજ સાથે મોકલી આપી. પિયાને મુંબઇની પ્રખ્યાત ડાન્સ એકેડેમીમાં દાખલ કરી દીધી. સાથે સાથે એક અગત્યનું કામ કર્યું કે રાજવી પરિવારમાં નામની પાછળ લગાવવામાં આવતાં સન્માનજનક પ્રત્યય ‘બા’ને એમણે પિયાના નામ પાછળથી હટાવી દીધો. તેમજ પોતાના નામને પણ ટૂંકાવીને પિયાના નામનું નવીનીકરણ કરી નાખ્યું જેથી રાજવી પરિવારની ઓળખ ગુપ્ત રહે. પિયા આર. સિંહના નામે એમણે પિયાનું એડમિશન કરાવી દીધું.
પિયા દસ વર્ષની થઇ ત્યાંસુધીમાં તો એ બધાં શાસ્રીય નૃત્યમાં બેઝિક શીખી ચૂકી હતી. એણે ત્યારે જ નક્કી કરી લીધું હતું કે પોતે ઓડિસી નૃત્યમાં માસ્ટરની ડિગ્રિ મેળવશે. પણ નાનકડી પિયાના મનમાં આજકાલના ડાન્સ ફોર્મ પ્રત્યે પણ પૂરો લગાવ હતો. મુંબઇ જેવા શહેરમાં એ ઉછરતી હતી એટલે એને બોલિવુડ ડાન્સનું પણ ગજબ આકર્ષણ હતું. પણ પોતાના ઘરાનાની મર્યાદા સમજતી હતી. પણ સાથે સાથે એના મા–બાપે એના માટે કેટલો ભોગ આપ્યો છે તે પણ એ જાણતી હતી.
પિયા બાર વર્ષની થઇ ત્યારે એક દિવસ ટી.વી. જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર ડાન્સ શોની જાહેરાત જોઇ. માતા–પિતાએ પોતાના માટે જે કર્યું છે તેનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે તેવી સમજથી પિયાએ આ હરિફાઈં પોતાનું નામ નોંધાવી દીધું. પિયા બસ આ ડાન્સ શો જીતી માતા–પિતાનું ઋણ ચૂકવવા ઇચ્છતી હતી.
પિયા સહેલાઇથી બધી હર્ડલ્સ પાર કરીને ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ત્યાંસુધી તેણે પોતે સૌરાષ્ટ્રના રાજવી પરિવારમાંથી આવે છે તે વાત ગુપ્ત જ રાખી હતી. એના ગામ પણ ભાગ્યે જ કોઇ પિયાને મોટી જોઇ હતી. કારણ કે એ છેલ્લાં સાત–આઠ વર્ષથી પિયા ગામ આવી જ ન હતી. એના માતા–પિતા દર મહિને એની સાથે એકાદ બે અઠવાડિયાં રહી જતાં. ગામનાં નોકર અહીં ન આવતા, અને શહેરના નોકર કદી ગામ ન જતાં. આટલી તકેદારી રાખવા છતાં પિયા ડાન્સ શોની ફાઇનલમાં પહોંચી અને કોઈક રીતે આયોજકો સુધી માહિતી પહોચી ગઈ કે ડાન્સ શોની ફાઇનમા પહોંચેલી પિયા એ સૌરાષ્ટ્રના એક રાજવી પરિવારની દીકરી છે. એમના માટે તો જાણે પોતાના શોને વાઇરલ કરવા માટેનો મસાલો મળી રહ્યોં. ફાઇનલ પરફોર્મન્સ શૂટ થઇ રહ્યું હતું. અને પિયાના પરફોર્મન્સ પહેલાં એન્કરે ધડાકો કરતો હોય તેમ મિર્ચ મસાલા નાંખીને જાહેર કર્યુ,
‘આજ કી ફાઇનલ મેં હમ વો રાઝ ખોલને વાલે હૈં જો અબ તક પરદે કે પીછે થા. એક એસે પરિવાર કી બેટી હમારે ડાન્સ શો કા હિસ્સા હેં જિનકે પૂર્વજ જાને માને રાજવી થે…’ એન્કર આગળ કશું બોલે તે પહેલાં તો પિયા સટાક કરતી પોતાની બેઠક પરથી ઊભી થઇ ગઇ. એ સીધી ગઇ કાર્યક્રમના નિર્માતા પાસે. આજે ફાઇનલ શોનું શૂટિંગ હતું એટલે સ્પોટ બોયથી લઇને પ્રોડ્યુસર સુધીના બધાં જ હાજર હતાં. પિયાએ શાંતિથી કહી દીધું, ‘હું આ કોમ્પિટિશનમાંથી નીકળી જાઉ છું.’ શોના ડિરેક્ટરથી લઇને પ્રોડ્યુસર સુધીના કલાકાર–કસબીઓમાં હલચલ મચી ગઈ. કારણ કે પિયા તો હવે ગ્રુપની આન,બાન ઓર શાન હતી.
અત્યાર સુધી જે હાઈપ શોને મળ્યું ન હતું તે હવે પિયાના નામથી મળવાનું હતું. તેમાં માત્ર શોના આયોજક જ નહીં, પણ જે ચેનલ પર શો પ્રસારિત થતો હતો તેમને માટે પણ હવે પિયા સોનાના ઇંડા મૂકતી મરઘી હતી. ડિરેક્ટર–પ્રોડયુસરે પિયાને પહેલાં પ્રેમથી સમજાવી, પણ પિયા ન માની એટલે સામ, દામ, દંડ ભેદની નિતિ અપનાવી. પણ પિયા મક્કમ હતી. આખરે એની રગોમાં પણ રાજવી કુટુંબનું લોહી હતું. એણે પ્રોડ્યુસરને સીધો જ સવાલ કર્યો,’મારી જગ્યાએ તમારી દીકરી હોત અને પરિવારની આબરુંનું આમ લીલામ થતું હોય તો તમે સહન કરી શકો?’ ‘અરે બેટા..હવે આજના જમાનામાં આવી જૂનીપુરાણી વાતોને વળગી રહેવાનું યોગ્ય છે?’
‘સવાલ જૂની રુઢિઓને વળગી રહેવાનો નથી. એવું હોત તો મેં જ આ કોમ્પિટિશનમાં ભાગ ન લીધો હોત. સવાલ છે મારાં માતા–પિતાની મર્યાદાને સાચવવાનો. મારા માટે એમણે જે બલિદાન આપ્યાં છે તેને હું આ જાહેર કરીને હું એમને ગામમાં નીચાજોણું ન કરું. એટલે હવે તમે આ વાત જાહેર કરવાના હોવ તો હું સ્પર્ધામાંથી ખસી જાઉં છું. હું આ ફાઇનલ જીતું કે હારું, હું માત્ર પિયા આર.સિંહના નામે જ ઓળખ રહેશે.’ સેટ પર હાજર રહેલાં સૌ આઘાત અને આશ્ચર્યથી પિયાને જોઇ રહ્યાં.