SURAT

સુરત ટેક્સટાઈલ માર્કેટ વિશે એવી અફવા ફેલાઈ કે વેપારીઓ ગભરાયા

સુરત(Surat) : સોશિયલ મીડિયાના (SocialMedia) યુગમાં ઘણીવખત એવી અફવાઓ (Rumor) ફેલાતી હોય છે કે જેના લીધે લોકોને ઘણું સહન કરવું પડતું હોય છે. આવું જ કંઈક સુરત ટેક્સટાઈલ માર્કેટના (SuratTextileMarket) વેપારીઓ (Traders) સાથે થયું. એક અફવાના લીધે સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા.

વાત એમ છે કે આગામી તા. 24 ઓક્ટોબરના રોજ દશેરાના (Dashera) તહેવાર નિમિત્તે સુરત ટેકસ્ટાઈલ માર્કેટના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (Fostta) દ્વારા અડધી રજાનો સર્કયુલર ફરતો કરવામાં આવ્યો હતો. આ સર્કયુલર અનુસાર બપોરે 3 વાગ્યા સુધી સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટમાં કામકાજ ચાલુ રહેશે. પરંતુ કોઈ ટીખળખોરે ફોસ્ટાના પરિપત્રમાં છેડછાડ કરી સંપૂર્ણ બંધ એમ એટલે કે આખી રજાનો સર્કયુલર ફરતો કરી દીધો હતો, જેના લીધે કાપડ માર્કેટના વેપારીઓ મુંઝવણમાં મુકાયા હતા.

એક પરિપત્રમાં બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખવા તો બીજા ફોરવર્ડ મેસેજમાં સંપૂર્ણ બંધની સૂચનાથી વેપારીઓ ચિંતિત થયા હતા. આ અંગે ફોસ્ટા પર અનેક ઈન્ક્વાયરી આવી હતી. ખરેખર શું કરવાનું છે? દુકાન ખોલવી કે નહીં? તે મામલે ફોસ્ટા પર પ્રશ્નોનો મારો ચલાવાયો હતો. આખરે આ સમગ્ર મામલે ફોસ્ટાએ સ્પષ્ટતા કરવી પડી છે.

ફોસ્ટાની સ્પષ્ટતા અનુસાર બપોરે 3 વાગ્યા સુધી દશેરાના દિવસે તા. 24મી ઓક્ટોબરે સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટમાં કામકાજ રાબેતા મુજબ ચાલશે. 3 વાગ્યે દુકાનો બંધ કરી દેવાશે.

ટીખળખોર વિરુદ્ધ ફોસ્ટાએ સાયબર સેલને ફરિયાદ કરી
ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારીયાએ જણાવ્યું કે, કોઈ ટીખળખોરે વેપારીઓને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી ફોસ્ટાના પરિપત્રમાં છેડછાડ કરી તે પરિપત્ર મેસેજ તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ફોસ્ટા દ્વારા આ મામલે સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે. કસૂરવાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. અમારી વેપારીઓને અપીલ છે કે તેઓ કોઈ ખોટી અફવાઓ પર ધ્યાન આપે નહીં. દશેરાના દિવસે બપોરે 3 વાગ્યા સુધી ટેક્સટાઈલ માર્કેટની દુકાનો ખુલ્લી રહેશે.

Most Popular

To Top