Columns

સાવરણી ભણાવે રૂડા પાઠ

ઘર હોય ત્યાં સાવરણી હોય જ! ‘સૈયાં બિના ઘર સૂના સૂના’ તેની જેમ જ ‘સાવરણી બિના પણ ઘર સૂના સૂના.’ પાડોશમાંથી બીજું બધું જ માંગવા જવાય પણ કોઈની સાવરણી માંગવા ન જવાય. આવી સાવરણીના વપરાશનો મુખ્ય આધાર ઘરના એરિયા પર નહીં પણ બાળકોની સંખ્યા પર આધારિત છે. ખાસ કરીને વેકેશનમાં સાવરણીનું આયુષ્ય બાળકોની સંખ્યા પર આધારિત હોય છે. આપણે ભલે આ વાત બરાબર નથી જાણતા પણ સાવરણી વેચનારો સારી રીતે જાણે છે. તેથી જ જે ઘરમાં બાળકોની સંખ્યા વધુ દેખાય ત્યાં સાવરણી વેચનારો ખાસ ભારપૂર્વક પૂછપરછ કરે કે ‘આપું બેન સાવરણી, આ વખતે બહુ સરસ મજાની છે, એકદમ મજબૂત છે.’ બસ આ મજબૂત શબ્દ મમ્મીને મજબૂત અપીલ કરી જાય છે અને સાવરણીની ખરીદી સુધી દોરી જાય છે.

  વેકેશનમાં સાવરણીનો વપરાશ વધે છે કારણ કે વેકેશનમાં પોતાના બાળકો નવરા હોય અને ઉપરથી વળી મામાની, ફોઈની વેરાયટીઝ આવે ત્યારે આ તમામ વાનરસેના પર અસરકારક કાબૂ મેળવવાનું એકમાત્ર ઓજાર સાવરણી છે એટલે કે વેકેશનમાં બાળકોને સાવરણી સાચવે છે. સાવરણી વિના આ બધાને સાચવવા બહુ અઘરા. હા, કેટલાક સાધનો મલ્ટિપર્પઝ હોય છે. જો કે આપણને પ્રથમ નજરે ખ્યાલ આવતો નથી. સાવરણીનું પણ કંઇક એવું જ છે. વિજ્ઞાન કહે છે કે સાવરણી એક સાદું યંત્ર છે અને તે સફાઈના કામમાં આવે છે પણ અત્યાર સુધી આપણે સાવરણીને સામાન્ય નજરે જોઈ છે.

તેને ક્યારેય આપણે ચિંતકની નજરે જોઈ નથી અને સાવરણી ચિંતન કર્યું નથી પણ હવે સાવરણી ચિંતન કરવાનો સમય પાકી ગયો છે. કારણ કે (આ લખાય છે ત્યારે)વેકેશન ચાલે છે. આપણે ગહન ચિંતન કરીએ તો ખ્યાલ આવે કે સાવરણી મલ્ટીપર્પઝ છે કારણ કે સાવરણીનો શિક્ષણકાર્યમાં બહુ મોટો ફાળો છે. કદાચ આ વાક્ય વાંચીને તમે એવું વિચારશો કે હા, સાવરણી જ શાળાને સ્વચ્છ રાખે છે. પણ ના એ તેનું શિક્ષણકાર્ય નથી. એ તો એનું ઓફિસ વર્ક થયું. અત્રે શિક્ષણકાર્યમાં સાવરણીની સાવ જુદા જ સંદર્ભમાં વાત કરવી છે.

જેમ કે મમ્મી બાળકોને વાંચવા કે લેસન કરવા માટે બેસાડે ત્યારે બાળકો શાંતિથી હોમવર્ક કરતા નથી, વાંચતા નથી. તેથી મમ્મી વારંવાર તેમને ટોકે છે. છેવટે ગુસ્સે થાય છે. આ પ્રકારના ઘરગથ્થુ ઉપચારો બાળકો પર ધારી અસર ઉપજાવી શકતા નથી. છેવટે મમ્મી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે (જરૂર પૂરતું) છે અને જેમ મહાભારતમાં ભીષ્મના ભીષણ યુદ્ધને ખાળવા ગુસ્સે થયેલા શ્રીકૃષ્ણ હાથમાં રથનું પૈડું ધારણ કરીને દોડ્યા, એવી જ રીતે મમ્મી હાથમાં સાવરણી ધારણ કરી બાળકો તરફ ધસી જાય છે. આ રીતે જ્યારે શિક્ષણકાર્ય માટે જ સાવરણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સાવરણીને અવળી બાજુથી(પીંછા તરફથી) પકડવામાં આવે છે.

આમ સાવરણી કયા હેતુ માટે ધારણ કરવામાં આવી છે તે ચબરાક ટાબરિયાઓ સહેલાઇથી જાણી જાય છે. ટાબરિયાઓને શિક્ષણની પહેલાં સાવરણીનું જ્ઞાન સારી રીતે થઈ જાય છે. મમ્મી સાવરણીને અવળી બાજુથી પકડે છે ત્યારે તે એક શૈક્ષણિક સાધન બની રહે છે. આવી સાવરણીના વાત્સલ્યભર્યા(!) પ્રહાર જ્યારે બાળકોની પીઠ પર પડે છે ત્યારે શિક્ષણકાર્ય સડસડાટ આગળ વધે છે. તેથી જ કહ્યું છે ને કે એક માતા સો શિક્ષક સમાન છે પણ ‘હાથમાં સાવરણી ધારણ કરેલી એક માતા બસ્સો શિક્ષક સમાન છે.’ આ રીતે સાવરણી ઘરનો જ નહીં પણ શિક્ષણક્ષેત્રનો કચરો સાફ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે.

આ બાબતે એ પણ વિચાર આવે કે તો પછી શિક્ષણકાર્ય માટે લાકડીનો ઉપયોગ કેમ થતો નથી? લાકડી વડે સાવરણી કરતાં વધુ સારી રીતે બાળકો પર કાબૂ મેળવી શકાય પણ લાકડી હિંસક છે. જ્યારે સાવરણીનો ગમ્મે તેટલો છૂટથી ઉપયોગ કરવામાં આવે છતાં તે અહિંસક છે. તેથી શિક્ષણ ક્ષેત્રે ઘરગથ્થુ ઉપચાર તરીકે સાવરણીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવા છતાં કોઈ બાળક ઘાયલ થયો હોય, કોઈનું માથું ફૂટ્યું હોય, કોઈના હાથપગ ભાંગ્યા હોય એવું સાંભળ્યું નથી કારણ કે સાવરણી સંપૂર્ણપણે અહિંસક છે. સાવરણીનું મુખ્ય કામ સફાઈનું છે. તે ઘરની સફાઈ કરે છે એ જ રીતે સમય આવ્યે બાળકોના મનની સફાઇ પણ કરે છે.

સાવરણીના હળવા પ્રહારોથી બાળકો થોડા સમય માટે સ્થિર થઈ જાય છે અને થોડી વાર માટે તેનું મન અભ્યાસમાં લાગી જાય છે. સાવરણીમાં પ્રહારની ક્ષમતા તો છે જ ઉપરાંત તેમાં માની મમતા પણ છુપાયેલી છે એટલે જ સાવરણીનો છૂટથી ઉપયોગ થતો હોવા છતાં તે હાનિકર્તા સાબિત થઇ નથી. એટલું જ નહીં આશ્ચર્યકારક વાત તો એ છે કે સાવરણીના રોજિંદા ઉપયોગથી કેટલાક બાળકોને તો એવી ટેવ પડી ગઈ છે દિવસ દરમિયાન એકાદ વાર તેમના વાંસામાં સાવરણી ન પડે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે ગામડાંઓમાં તો પહેલેથી જ સાવરણીનો ઉપયોગ ભૂત-પ્રેત ઉતારવા માટે થતો હતો. તેથી જ કેટલીક વાર મમ્મી ભલે સપાટો ન બોલાવે પણ હાથમાં સાવરણી ધારણ કરે તે દ્રશ્ય જોતાં જ બાળકોના મન પર સવાર થયેલું ભૂત ભાગી જાય છે. (અલબત્ત થોડા સમય માટે, બાકી તો વેકેશનમાં બાળકોને કારણે ખુદ ભૂત ભાગી જાય છે.)

શાળાઓમાં પણ સાવરણી તો હોય જ પણ ત્યાં શિક્ષકો સાવરણીનો ઉપયોગ ફક્ત સફાઈ માટે કરાવે છે. ત્યાં સાવરણીની અવેજીમાં લાકડાની કે લોખંડની ફૂટપટ્ટી વાપરે છે. જ્યારે ઘરમાં મમ્મી સાવરણીનો બંને પ્રકારે ઉપયોગ કરે છે. આમ, શિક્ષણક્ષેત્રે સાવરણી ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે. તેમ છતાં સાવરણીને શિક્ષણ ક્ષેત્રે માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું નથી. સાવરણી અને સાવરણીધારિણી બંને મન, વચન અને કર્મથી અહિંસક છે. સાવરણી આમ પણ સ્ત્રીલિંગ છે. પુરુષોને લડાઈના હથિયાર તરીકે ક્યારેય સાવરણી વાપરતા જોયા છે ખરા?! પુરુષોને તેનો ઉપયોગ કરતા આવડે જ નહીં. સાવરણીના સદુપયોગ સામે ઈ.પી.કો.ની કોઈ કલમ લાગુ પડતી નથી.

આમ, સાવરણી ઉદ્યોગને ધમધમતો રાખવામાં શિક્ષણનો બહુ મોટો ફાળો છે. એ જ રીતે શિક્ષણને વેગવંતુ બનાવવામાં સાવરણીનું પ્રદાન પણ અમૂલ્ય છે. આમ બંને made for each other છે. તેમ છતાં અહિંસાના પૂજારી એવા ગાંધી બાપુનું આ મુદ્દે કદી સાવરણી તરફ ધ્યાન ગયું જ નથી. જો તેઓ સાવરણી બાબતે આવું વિચારી શક્યા હોત તો હાથમાં લાકડીની સાથોસાથ સાવરણી પણ રાખી હોત. મમ્મીએ હાથમાં સવળી પકડેલી સાવરણી તેની સુંદરતામાં વધારો કરે છે. જ્યારે અવળી પકડેલી સાવરણી શિક્ષણની ગુણવત્તામાં વધારો કરે છે. શિક્ષક ઉપરાંત સાવરણીએ કેટલાય બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યા છે. આવી રીતે ઉચ્ચ હોદ્દે બિરાજતા ઓફિસર બનેલા કેટલાક મહાનુભાવો પોતાના ભૂતકાળ વાગોળતી વખતે શિક્ષક કરતાંય સાવરણીને વધુ યાદ કરતા હોય છે.

ગરમાગરમ
જો કોઈ લોકનૃત્ય, રાસ, ગરબા, લગ્નગીતોમાં તમે પોતે ભાગ લો તો તે તમારા માટે ‘ઉત્સવ’ છે અને બેઠા બેઠા તેને દૂરથી જુઓ કે T.V.માં જુઓ તો તે ‘મનોરંજન.’ આજકાલ ઉત્સવો ઘટતા જાય છે અને મનોરંજન વધતા જાય છે.
– પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના વક્તવ્યમાંથી.

Most Popular

To Top