Madhya Gujarat

આણંદના આરટીઓમાં બોગસ લાયસન્સ કૌભાંડ: 3 સસ્પેન્ડ થયાં

આણંદ :આણંદના આરટીઓ વિભાગ તેના ભ્રષ્ટાચારને લઇ ફરી ખરડાયું છે, અગાઉ અનેક પ્રકારના આક્ષેપોમાં ભીનું સંકેલાયા બાદ બોગસ લાયસન્સ બાબતે વધુ કેટલાક પુરાવા ધ્યાને આવતા કમિશનર દ્વારા કુલ ચાર કર્મચારીને છુટા કરવામાં આવ્યાં છે. જેમાં ત્રણ આણંદ ખાતે ફરજ બજાવતા હતા. જેમાં બે ઇન્સ્પેક્ટર કક્ષાના અને એક કલાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બઢતી સાથે અન્ય જિલ્લામાં ગયેલા એક કર્મચારી પણ હોવાનું ચર્ચાય છે.  આણંદ આરટીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વાત નવી નથી. અહીં અનેક વખત બોગસ લાયસન્સથી લઇ અનેક મુદ્દે વારંવાર આક્ષેપો થતાં રહે છે. અગાઉ અમદાવાદ અને વડોદરાના લોકો અહીં આવીને વાહનની ટેસ્ટ ડ્રાઇવ વગર જ લાયસન્સ મેળવી લેતાં હતાં.. પરંતુ હવે તેમાં નવી બાબત ઉજાગર થઇ છે.

આણંદ આરટીઓના જ કર્મચારીઓ આણંદ રહેતા ન હોય તેવી વ્યક્તિના નામે બોગસ પુરાવા ઉભા કરી તેમને લાયસન્સ ઇશ્યુ કરી દેતાં હતાં. આ કૌભાંડમાં અમદાવાદમાં અનેક લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે 2018થી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ તપાસના અંતે આણંદ ખાતે ફરજ બજાવતા યુ.ડી. ત્રિવેદી (આઈએમવી), પી.કે. પટેલ (આઈએમવી) અને ઇવાબહેન (કલાર્ક)ની સંડોવણી ખુલી હતી. આથી, આ ત્રણેય કર્મચારીને સસ્પેન્ડ કરવા કમિશનર દ્વારા આદેશ કરતાં હડકંપ મચી ગઇ હતી. જોકે, આ અગાઉ પણ આણંદમાં ચાલતી અનેક ગેરરીતિ અંગે ફરિયાદો ઉઠી હતી.

એક લાયસન્સમાં રૂ.5 હજારથી વધુની કમાણી
આણંદ આરટીઓમાં બહાર આવેલા લાયસન્સ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણેય કર્મચારી ખાસ મોડસ ઓપરેન્ડીથી લાયસન્સ ઇશ્યુ કરતાં હતાં. જેમાં તેઓ આણંદના રહેવાસી ન હોય તેવા લોકોને લાયસન્સ આપતાં હતાં. બેકલોગ કરતાં હતાં. બોગસ એન્ટ્રી કરી ઓનલાઇન ચડાવી દેતાં હતાં. આ લાયસન્સમાં તેમને રૂ.5 હજારથી લઇ 25 હજાર સુધીની કમાણી થતી હતી.

અમદાવાદના રહિશોએ લાયસન્સ મેળવ્યાં
આણંદ આરટીઓમાં બોગસ લાયસન્સનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જોકે, ઇશ્યુ 2018 દરમિયાન ધ્યાનમાં આવ્યો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ સહિતની ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન વાહન ચાલક પાસેથી મળી આવતા લાયસન્સમાં શંકાઓ ઉપજી હતી. આખરે આ બાબતની તપાસમાં સમગ્ર ઘટના બહાર આવી હતી.

Most Popular

To Top