ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની અને લાયસન્સ સંબંધીત કામગીરી ઠપ્પ રહી :
ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ રિશિડ્યુઅલ કરી આપવામાં આવી છે બુધવારે પણ કામગીરી બંધ રહેવાની શક્યતા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.26
વડોદરાના આરટીઓમાં 15 માર્ચથી સર્વર ખોટકાયેલુ છે. હોળી ધુળેટીના તહેવાર બાદ પણ પરિસ્થિતિ યથાવત રહેતા કામગીરી બંધ રહી હતી. છેલ્લા 12 દિવસથી કચેરીમાં ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહેતા અરજદારો અસમંજસમાં મૂકાયા છે. જ્યારે છેલ્લા પાંચ દિવસથી લાયસન્સ સંબંધિત કામગીરી પણ બંધ રહી છે. જોકે આ અંગે ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ રિશીડ્યુઅલ કરી આપવામાં આવી છે. જ્યારે આ સર્વર બુધવારે પણ સર્વર ખોટકાયેલું રહેશે તેવી શકયતા છે.
રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસથી આરટીઓ કચેરીમાં સર્વર ઠપ્પ બન્યા છે. એનઆઈએમાં સર્વરનો પ્રશ્ન છાસવારે સર્જાતો હોય છે. અગાઉ પણ સતત કેટલા દિવસ સુધી આ સમસ્યા રહી હતી. પરંતુ આજદીન સુધી યોગ્ય ઉકેલ લાવી શકાયો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએમાં સર્વરનો પ્રશ્ન વારંવાર સર્જાતો હોય છે. જેના કારણે વડોદરાની આરટીઓ કચેરીમાં પણ ગત 15 માર્ચથી ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ બંધ રહ્યો હતો. અગાઉ અરજદારોને પરત ફરવું પડ્યું હતું. જોકે હોળી ધુળેટીના પર્વ પૂર્વેથી લાયસન્સ સંબંધિત કામગીરી પણ ખોરવાઈ છે. પહેલા ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા બાદ હવે લાયસન્સને લગતી કામગીરી પણ અટવાઈ પડી છે. જોકે અરજદારોની એપોઈન્ટમેન્ટ રિશિડ્યુઅલ કરી આપવામાં આવી છે. અને અરજદારોને મોબાઈલ પર મેસેજ કરી જાણ પણ કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ લાંબા સમય સુધી આરટીઓમાં સર્વર ખોટકાયું હતું. જેના કારણે પોતાના ધંધા રોજગાર છોડી અગત્યના કામ અર્થે આવેલા અરજદારોને ફોગટનો ફેરો પડ્યો હતો. ત્યારે ફરી એક વખત છેલ્લા લાંબા સમયથી આરટીઓ કચેરીમાં ખોટકાયેલું સર્વર પુનઃ કાર્યરત નહીં થતા કામગીરી બંધ રહી હતી. જ્યારે બુધવારે પણ આજ પરિસ્થિતિ રહેશે તેવી શકયતા છે.