શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા આઠ વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી અનેક રજૂઆતો સરપંચ અને ગ્રામજનો દ્વારા કરવા છતાં સબંધિત તંત્રનુ પેટનુ પાણી પણ હલતું નથી. સરકાર પંચાયત ઘર નવીન બને તે માટે ગ્રાન્ટ ફાળવે તેવી પ્રાર્થના ખોડીયાર માતાજી કરી રહયા છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત કચેરી આઠ વર્ષથી જર્જરિત હાલતમાં છે. જેના કારણે ગ્રામ પંચાયતનો વહીવટ ચાર વર્ષ કરતા વધુ સમયથી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉષાબેન દેવાભાઇ પટેલ ગામમાં આવેલ આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે બેસીને કરી રહ્યા છે. મા ખોડીયાર ની સાક્ષીમાં તલાટી કમ મંત્રી ગ્રામજનોના હિત માટે પોતાની નૈતિક ફરજ બજાવતા હોય છે,જ્યારે બીજી તરફ ગામના અગ્રણી કાનાભાઈ બારીયા ,સરપંચ મનિષાબેન સુરેશ બારીઆ સહિત ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ઘર નવીન બને તે માટે તાલુકા પંચાયત કચેરી થી લઈને સબંધિત તંત્રને અનેક વખત રજુઆત કરી છે તેમ છતાં ગ્રામ પંચાયત ઘર નવિન બનેલ ન હોવા સાથે ગ્રામ પંચાયત નું મકાન રીપેરીંગ થાય તે માટે પણ ગ્રાન્ટ ફાળવી નથી.
જ્યારે તલાટી કમ મંત્રી ઉષાબેન પટેલ ખોડીયાર માતાજીની મૂર્તિ સમક્ષ અહી આવતા અરજદારોના કામો કરવા સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપતા હોય છે. જ્યારે અહીં કામ અર્થે આવતાં અરજદારો મંદિર ખાતે આવીને પહેલા ખોડીયાર માતાજી સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ લેતા હોય છે. ત્યારબાદ તલાટી ને પોતાનું કામ કહેતા હોય છે. ગ્રામજનો ,સરપંચ તેમજ ગામના અગ્રણી નવીન ગ્રામ પંચાયત ઘર બને તે માટે ખોડીયાર માતાજી ને પ્રાર્થના પણ કરતા હોય છે, નવીન ગ્રામ પંચાયત ઘર વહેલી તકે બને તે માટે સરકાર વહેલી તકે ગ્રાન્ટ ફાળવે તેવી આશા સ્થાનિક ગ્રામજનો રાખી રહયા હતા.
ઉષાબેન દેવાભાઈ પટેલ..તલાટી કમ મંત્રી
ગ્રામ પંચાયત ઘર જર્જરિત હોવાથી પંચાયત ઘરની નજીક ખોડીયાર માતાજીના મંદિર આવેલ ત્યાં બેસીને ગામનો વહીવટ થાય છે, ગ્રામજનો અને સરપંચની માંગણી અવારનવાર કરેલી છે કે ગ્રામ પંચાયત ઘર નવીન બનાવા માટે પણ નવિન બનેલ નથી. લેખિત અને મૌખિક રજૂઆત બાદ પણ ગ્રામ પંચાયત ઘર નવી નહિ બનતા હું ખોડીયાર માતાજીના મંદિર ખાતે બેસીને પોતાની ફરજ બજાવતી હોવ છુ.
કાના ભાઈ પ્રભાત સિંહ બારીઆ..ગામ અગ્રણી
ગ્રામ પંચાયત આઠ વર્ષથી જર્જરિત હોવાથી તલાટી બેન ખોડીયાર માતાજીના મંદિર ખાતે ગ્રામજનોના હિત માટે કામગીરી કરતા હોય છે. સમયસર તલાટી ઉષાબેન ગામ ખાતે આવી જઈને ગ્રામજનોના કોઈ પણ કામ હોય તે કરી આપતા હોય છે. ગ્રામ પંચાયત ઘર નવીન બને તે માટે મારા અને સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયતની કચેરી ને અનેક રજૂઆત પાછલા કેટલાક વર્ષથી કરવામાં આવી છે. હું જ્યારે પણ ખોડીયાર માતાજીના મંદિર ખાતે જવું છું ત્યારે ખોડીયાર માતાજી સમક્ષ પંચાયત ઘર વહેલી તકે નવીન બને તે માટે સરકારને બુદ્ધિ પહોંચાડે.