નડિયાદ: ખેડા જિલ્લા એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા કઠલાલમાં ઘડબડાટી બોલાવાઈ છે. નાયબ મામલતદાર દ્વારા લાંચ માંગવામાં આવી હોવાની ફરીયાદ મળતા જ છટકુ ગોઠવી તેને રંગે હાથ ઝડપી લીધા છે. આ મામલે હાલ નડિયાદ એ.સી.બી. ઓફીસ ખાતે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદીના કાકા તથા દાદાએ પીઠાઇ ખાતે ખેતીની જમીન વેચાણ રાખેલ હતી. જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કઠલાલ સબ-રજીસ્ટ્રારની કચેરી ખાતે નોંધાયેલ હતો. જેની કાચી નોંધ 20 જૂન 2022ના રોજ પાડેલ હતી. આ કાચી નોંધને ગઇ કાલે 4 ઑગસ્ટના રોજ 45 દિવસ પુર્ણ થતા આરોપીએ સદર કાચી નોંધને પ્રમાણિત કરી પાકી નોંધ મંજુર કરી ન હતી.
જેથી ફરીયાદી આરોપીને તેમની ઓફીસે રૂબરૂ મળતા નાયબ મામલતદાર અને સર્કલ ઓફીસર એન. ડી. ઝાલાએ આજે છેલ્લો દિવસ છે હું આજે તમારી નોંધ નામંજુર કરીશ તો તમારે પ્રાંત કચેરી ખાતે જવું પડશે તેમ જણાવ્યુ હતુ. જ્યાં ફરીયાદીએ વિનંતી તથા રકજક કરતા નાયબ મામલતદારે 45 હજાર લાંચ માંગી હતી. ફરીયાદી પાસેથી આરોપીએ ગઇકાલે જ 20 હજાર રૂપિયા લાંચ પેટે લઈ લીધા હતા અને બાકીના 25 હજાર રૂપિયા આજે આપી જવા જણાવ્યુ હતુ. આ અંગે ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજે સર્કલ ઓફીસર અને નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલાને છટકુ ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા છે. આ મામલે હાલ નડિયાદ એન્ટી કરપ્શન બ્યૂરો ખાતે કાર્યવાહી ચાલી રહી છે.