બાલાસિનોર : બાલાસિનોરમાં તરખાટ મચાવતા તસ્કરોએ ફૈઝાને એ મદીના સોસાયટીના ટાર્ગેટ કરી બંગ્લોઝ નં.6માં ખાતર પાડ્યું હતું. અમદાવાદમાં સીએની પ્રેક્ટીસ કરતાં યુવકના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ, દાગીના સહિત રૂ.5.19 લાખ જેવી માતબર રકમ ઉઠાવી ગયાં હતાં. આ અંગે બાલાસિનોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોર ખાતે આવેલી ફૈઝાને એ મદીના સોસાયટીના બંગ્લોઝ નં.6માં રહેતા ઇમરાન અબ્દુલમુનાફ શેખ અમદાવાદમાં સીએની પ્રેક્ટીસ કરે છે.
જોકે, તેઓ અમદાવાદના મીરઝાપુરમાં પરિવાર સાથે રહે છે અને શનિવાર, રવિવારની રજા ગાળવા તેઓ બાલાસિનોર ફૈઝાને એ મદીનાના બંગ્લોઝમાં આવતા હોય છે, બાકીના દિવસોમાં આ મકાન બંધ હોય છે. દરમિયાનમાં 25મી ડિસેમ્બર,22ના અમદાવાદથી ઇમરાનભાઈ એકલા બાલાસિનોરના મકાન પર આવ્યાં હતાં. બાદમાં 29મી ડિસેમ્બર,22ના રોજ સવારે દસેક વાગ્યાના સુમારે મકાન બંધ કરી અમદાવાદ પરત ગયાં હતાં.
બાદમાં 2જી જાન્યુઆરીના રોજ રાત્રિના ઇમરાન શેખ તેના બનેવી ફૈઝલ શેખ, રઇસ શેખ, બહેન સાલેહા શેખ સહિત સૌ અમદાવાદથી બાલાસિનોર મુકામે આવ્યાં હતાં. ઘરમાં જોયું તો બહારની બાજુ આવેલા ચોપાડનો નાનો દરવાજો ખુલ્લો હતો અને તે દરવાજાને મારેલું તાળું નહતુ. આ ઉપરાંત ઘરનો મુખ્ય દરવાજો તથા તેની પાછળ આવેલો બીજો દરવાજો પણ ખુલ્લો હતો. ઘરમાં જઇને જોતા તમામ રૂમોમાં સરસામાન વેર વિખેર પડેલો હતો. ઘરમાં કોઇ અજાણ્યા માણસોએ ચોરી કરી હોવાનું જણાયું હતું.
ઘરની અંદરના તિજોરી કબાટ પણ જોતા તે તમામ તિજોરી કબાટોના દરવાજાઓ પણ તુટેલા જણાયાં હતાં. તેમાના ખાનાઓ પણ ખોલી નાંખ્યાં હતાં. તેનો સામાન બધો બહાર કાઢી દઇ વેર વિખેરી કરી નાંખ્યો હતો. આ ઉપરાંત બીજા ખંડમાં મુકેલી તિજોરીમાંથી ચાંદીના સિક્કા, પ્લેટ, માદળીયું, ચાંદીના છડા, ચાંદીની ત્રણ લક્કી, સોનાના દોરો, વીંટી, હિરા ફિટ કરેલી વીંટી, રોકડા રૂ.આઠ હજાર મળી કુલ રૂ.5,19,948ની મત્તા ચોરી થઇ હતી.
આ અંગે બાલાસિનોર પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ તસ્કરોના ખાસ કોઇ સગડ ન મળતાં અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.