નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામમાં દિવાળીના તહેવાર ટાણે બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ હોટલમાલિકના બંધ ઘરમાંથી 13 તોલા સોનું, એક કિલો ચાંદી અને રોકડ મળી કુલ રૂ.2,72,500 નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ મામલે હોટલમાલિકની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યાં તસ્કરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરવાળા ફળીયામાં રહેતાં હર્ષિલ મનુભાઈ પટેલ ખાત્રજ-અમદાવાદ રોડ ઉપર હોટલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત તા.23-10-22 ના રોજ સાંજના સમયે હોટલમાં હાજર હતાં. તે વખતે તેમના પત્નિ સેજલબેન ઘરને તાળું મારી બંને બાળકોને લઈને હોટલે પહોંચ્યાં હતાં. જ્યાં પતિ હર્ષિલને ઘરની ચાવી આપ્યાં બાદ સેજલબેન બંને બાળકો સાથે દિવાળી પર્વ મનાવવા માટે પિયર ગયાં હતાં. દિવાળીનો તહેવાર હોવાથી હોટલમાં ઘરાકી વધારે રહેતી હતી અને હર્ષિલભાઈ એકલાં જ હતાં, જેથી તેઓ હોટલમાં જ રહેતાં હતાં.
પાંચ દિવસ બાદ તા.28-10-22 ના રોજ પત્નિ સેજલબેન પિયરમાંથી પરત આવ્યાં હતાં અને હોટલેથી ચાવી લઈને બાળકો સાથે ઘરે ગયાં હતાં. તે વખતે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં હતો, ઘરના તમામ દરવાજા ખુલ્લાં હતાં, તિજોરીના તાળાં પણ તુટેલાં હતાં અને અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સેજલબેને તાત્કાલિક ફોન કરી પોતાના પતિ હર્ષિલભાઈને ઘરે બોલાવ્યાં હતાં.
તેઓએ ઘરમાં અંદર જઈને તપાસ કરતાં તિજોરીમાંથી ત્રણ તોલા વજનના સોનાના બે પાટલા, બે તોલા વજનની સોનાની બે જોડ બુટ્ટી, બે તોલા વજનની સોનાની એક ચેઈન, બે તોલા વજનના સોનાના બે પેન્ડલ, બે તોલા વજનનું સોનાનું મણકાવાળું મંગળસુત્ર, બે તોલા વજનનું સોનાનું ડોકીયું મળી અંદાજે 13 તોલા જેટલું સોનું કિંમત રૂ.1,30,000, એક કિલો જેટલી ચાંદીની વસ્તુઓ કિંમત રૂ.30,000 તેમજ રોકડા રૂ.1,12,500 મળી કુલ રૂ.2,72,500 નો મુદ્દામાલ ગાયબ હતો. આ બનાવ અંગે હર્ષિલ પટેલની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.