સુરત: (Surat) સુરત સીજીએસટીની (CGST) એન્ટીઈવેઝન વિંગ દ્વારા IGST રિફંડ ફ્રોડ કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડીએ 21 બોગસ પેઢીઓ ઉભી કરી ચોપડે ખોટી નિકાસ દર્શાવી અનેક પેઢીઓને ક્રેડીટ પાસઓન કરી હતી. આ રીતે કૌભાંડીએ કુલ રૂપિયા 163 કરોડના બોગસ ઈનવોઈસ ઈશ્યૂ કરી રૂપિયા 26 કરોડનો ટેક્સ ફ્રોડ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
૧૬૩ કરોડના આઇજીએસટી ઠગાઇ કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણાતા ચોકબજારના અબ્દુલ સમદ કાપડિયાની સુરત સીજીએસટી વિભાગની એન્ટિ ઇવેઝન શાખાએ આજે ધરપકડ કરી હતી. ૨૧ જેટલી બોગસ પેઢીઓ બનાવી સમદ કાપડિયાએ ૨૫.૬૨ કરોડની ઇનપુટ ટેકસ ક્રેડિટ ઉસેટી લીધી હતી. આ કેસમાં તે નાસતો ફરતો હતો. આજે સીજીએસટી વિભાગની એન્ટિ ઇવેઝન શાખાના સુપરિન્ટેડન્ટ અભિષેક કુમારના માર્ગદર્શન હેઠળ ચોકબજારમાં રેડિમેઇડ કાપડની દુકાન ધરાવતા અને ગોરાટ રોડના રોયલ હેરિટેજમાં રહેતા સમદ અબ્દુલગફાર કાપડિયાની ધરપકડ કરી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
સમદ કાપડિયાએ ૨૧ બનાવટી કંપનીઓ ખોલી તેની વેબસાઇટ બનાવી હતી. તેમાં કેટલીક કંપનીઓ થકી આઇટીસી જનરેટ કરવામાં આવી હતી. આ ડમી કંપનીઓ એક્સપોર્ટ સાથે સંકળાયેલી દર્શાવી ૧૬૩ કરોડના બોગસ એક્સપોર્ટ ડોકયુમેન્ટના આધારે ૨૬ કરોડના ઇનવોઇસના આધારે ઇનપુટ ટેકસ ક્રેડિટ ઉસેટી લેવામાં આવી હતી. અને સરકારની તિજોરીને ૨૬ કરોડનું નુકસાન કરવામાં આવ્યું હતું. સુરત સીજીએસટી વિભાગે સમદ કાપડિયાની કંપનીઓની વેબસાઇટના આધારે તપાસ કરી કેટલાક એનાલિસીસ ડેટા મેળવ્યાં હતાં.
તપાસ દરમિયાન એવું ખૂલ્યું હતું કે, બોગસ પેઢીઓ બનાવી બોગસ ઇનવોઇસ જનરેટ કરી ચોપડે ખોટી નિકાસ દર્શાવી આઇજીએસટી ઉસેટી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન આઇજીએસટી વિભાગને કંપનીઓના પ્રમોટરના આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક ડિટેલ મળી હતી. તે ત્રાહિત વ્યકિતઓની હતી અને તેમને આ કૌભાંડની જાણ પણ ન હતી. બેંકોમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યાં હતાં. જેથી ખોટી રીતે મેળવેલી ઇનપુટ ટેકસ ક્રેડિટની રકમ ટ્રાન્સફર કરી શકાય.
૨૧ પેઢી પૈકી ૧૧ પેઢી નિકાસલક્ષી દર્શાવી આઇટીસીની હેરફેર કરાતી હતી
સુરત સીજીએસટી વિભાગ દ્વારા સુરતની ચીફ કોર્ટમાં જે ડોકયુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે આરોપી સમદ કાપડિયા ૨૧ પૈકી ૧૧ પેઢીઓ થકી નિકાસલક્ષી બોગસ ડોકયુમેન્ટ બનાવતો હતો. અને કોઇપણ પ્રકારના મટિરિયલ્સના ખરીદ વેચાણના કે પેમેન્ટ કર્યાના ડોકયુમેન્ટ સીજીએસટી વિભાગની તપાસ દરમિયાન રજૂ કરી શકયો નહતો. સાત પેઢીમાંથી ૯.૫૬ કરોડના બોગસ ગુડ્સ ખરીદીના બીલ ઇસ્યુ કર્યા હતા. અગાઉ આ પ્રકરણમાં તેને ૧૬.૫ કરોડની આઇટીસી મેળવી લીધી હતી. આ મામલે સીજીએસટી વિભાગે કલમ ૧૩૨ (૧) (સી) અને સીજીએસટીની કલમ ૬૯ હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. અને તેને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
જેમના નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા તેની ચેકબુક અને આરટીજીએસ ફોર્મ પર અગાઉથી સહી લઇ લીધી હતી
સમદ કાપડિયાએ સાવ સામાન્ય લોકોના આધારકાર્ડ, પાન કાર્ડ અને અન્ય ડોકયુમેન્ટના આધારે બેંક ખાતાઓ ખોલાવ્યાં હતાં. અને તેમની ચેકબુક અને આરટીજીએસ ફોર્મ પર સહીઓ કરાવી પોતાની પાસે રાખી લીધા હતાં. આ તમામ વ્યકિતઓને તેમના નામે કંપનીઓ ખૂલી હોવાનું અને કરોડોનું ટ્રાન્જેકશન થઇ હોવાની કોઇ માહિતી ન હતી.