Sports

ઘરઆંગણે મજબૂત ચેન્નાઇ સામે રાજસ્થાનના બટલર-જયસ્વાલની થશે અગ્નિપરિક્ષા

ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આવતીકાલે બુધવારે જ્યારે અહીંના ચેપોકની સ્પીનરને મદદરૂપ વિકેટ પર રાજસ્થાન રોયલ્સની (RR) ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સનો (CSK) સામનો કરવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની ઇનફોર્મ ઓપનીંગ જોડી જોસ બટલર અને યશસ્વી જયસ્વાલની સીએસકેની સ્પીન ત્રિપુટી રવિન્દ્ર જાડેજા, મોઇન અલી અને મિચેલ સેન્ટનર સામે અગ્નિપરિક્ષા લેવાશે. બંને બેટ્સમેન હાલની આઇપીએલમાં એકસરખી બે અર્ધસદી ફટકારી ચૂક્યા છે. બટલર એકતરફ 180થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે તો બીજી તરફ જયસ્વાલ 164થી વધુની સ્ટ્રાઇક રેટથી રન કરી રહ્યો છે.

  • ચેપોકના મેદાન પર સીએસકેની સ્પીન ત્રિપુટી જાડેજા, મોઇન અને સેન્ટનરનો મજબૂતાઇથી મુકાબલો કરવાનો રાજસ્થાન રોયલ્સ સામે પડકાર
  • ચેનાઇમાં રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની સાથે જ મુરૂગન અશ્વિનની ભૂમિકા પણ મહત્વની પુરવાર થશે

રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં રમેલી ત્રણમાંથી બે મેચ ગુવાહાટીમાં રમી છે, જ્યાં તેમને સપાટ વિકેટ મળીહતી. હૈદરાબાદની પીચ પણ બેટ્સમેનોને મદદરૂપ રહી હતી. હવે ચેન્નાઇની પીચ ધીમા બોલરોને મદદરૂપ રહેશે ત્યારે એ સ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્વની પુરવાર થઇ શકે છે. આ પીચ પર મોઇન, જાડેજા અને સેન્ટનર સામે 170 કે તેનાથી વધુનો લક્ષ્યાંક ચેઝ કરવો સરળ નહીં રહે. સીએસકેની આ સ્પીન ત્રિપુટીએ અત્યાર સુધીમાં ત્રણ મેચમાં 11 વિકેટ ખેરવી છે અને તેમની ઇકોનોમી પણ પ્રભાવક રહી છે. રાજસ્થાન રોયલ્સના સ્પીનરોને પણ હળવાશમાં લઇ નહીં શકાય. કારણકે તેમની પાસે રવિચંદ્રન અશ્વિન જેવો ચતુર બોલર હોવાની સાથે યુઝવેન્દ્ર ચહલ પણ છે અને ત્રીજા સ્પીન વિકલ્પ તરીકે મુરૂગન અશ્વિન પણ તેમની પાસે છે.

Most Popular

To Top