IPL 2022માં દિલ્હી કેપિટલ્સ (DC) વતી હાલમાં પ્રભાવક પ્રદર્શન કરનારા કેરેબિયન ખેલાડી રોવમેન પોવેલનુમં જીવન ખુબ જ સંઘર્ષમય રહ્યું છે. જ્યારે તેનો જન્મ પણ નહોતો થયો ત્યારે જ માતાનો સાથ તેના પિતાએ છોડી દીધો હતો તે સમયે તો સંજોગો એવા હતા કે બે ટાઈમનો રોટલો પણ તેમને મળતો નહોતો. પોતાના જન્મ પછી તેનું બાળપણ માતાના સંઘર્ષને જોતા જ વિત્યું હતું અને તે ટીનના છાપરાવાળા જર્જરિત મકાનમાં રહેતો હતો. અને ઘરની સ્થિતિ એટલી ખરાબ હતી કે આજીવિકા મેળવવા અને માતાને મદદરૂપ થવા માટે નાનપણમાં જમૈકાના આ ખેલાડીને બકરી પણ ચરાવવા જવુ પડતું હતું.
રોવમેનનો જન્મ નહોતો થયો અને તે માતાના ગર્ભમાં હતો ત્યારે રોવમેનની માતા જોન પ્લમરને ખબર પડી કે તે ગર્ભવતી છે, ત્યારે તેણે પોતાના જીવનસાથીને તેની જાણ કરી તો તેણે તેને ગર્ભપાત કરાવવા કહ્યું. પ્લમરે તેમ કરવાનો નન્નો ભણી દીધો અને તે પછી બંનેના સંબંધોમાં તિરાડ પડી અને બંને અલગ થઈ ગયા. અહીંથી તેની માતાનો સંઘર્ષ શરૂ થયો. તે દર મહિનાની શરૂઆતમાં પોતાની જાતને કહેતી, “જો હું આ મહિનો કાઢીશ, તો હું વધુ એક મહિનો વિતાવી લઇશ.” તે જાતે જ પોતાનો સહારો બની અને તેણે એના માટે નાના-નાના કામ કર્યા.
કેરેબિયન પ્રીમિયર લીગ ડોક્યુમેન્ટ્રીમાં એક સમયે પોવેલે કહ્યું, “મારી માતાનું વર્ણન કરવા માટે કોઈ વિશેષણ પૂરતું નથી. હું તેને લોકો માટે લોન્ડ્રી કરતા જોઈને મોટો થયો છું. અમારા માટે જમવા અને શાળાએ જવાની વ્યવસ્થા કરવા માટે તેણે આમ કર્યું. જ્યારે પણ મને મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડે છે ત્યારે હું મારી જાતને કહું છું કે હું આ મારા માટે નથી કરી રહ્યો… હું મારી માતા, મારી બહેન માટે કરી રહ્યો છું. કદાચ જો હું મારા માટે તે કરી રહ્યો હોત, તો હું કદાચ રમતો બંધ થઈ ગયો હોત. હું જેને પ્રેમ કરું છું તે લોકો માટે હું આ કરી રહ્યો છું કે જેથી તેઓ મારા બાળપણમાં જેવું જીવન જીવતા હતા તેના કરતા વધુ સારી રીતે જીવી શકે. તેણે કહ્યું હતું તે મારી માતા એક અકલ્પનીય મહિલા છે.
પોવેલ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે તેના શિક્ષક, નિકોલસ ધિલ્લોને બાળકોને પિતા માટે કંઈક કરવાનું કામ સોપ્યું હતું. ત્યારે પોવેલે બધાની વચ્ચે જોરથી કહ્યું હતું કે, સર, હું મારા પિતાને ઓળખતો નથી. તેથી હું આ કામ કરી શકું તેમ નથી. આ વાક્યને યાદ કરતાં ધિલ્લોને તેને એવું વચન આપ્યું હતું કે તેઓ તેના જીવનમાં પિતાની ભૂમિકા ભજવશે. પોવેલ કહે છે, અમારો પરિવાર એક જર્જરિત ટીનના છાપરાવાળા રંગ વગરના ઘરમાં રહેતો હતો. કુલ મળીને બે રૂમ હતા અને એકનો ઉપયોગ રસોઈ માટે થતો હતો.” રાત્રે વરસાદ પડતાં ગાદલું ભીનું થઈ જતું. આખા ઓરડામાં પાણી ટપકતું હતુ અને તેથી. અમે રૂમના મધ્ય ભાગે ગાદલું લઈ જતા. પોવેલ તેની માતાને સૂવા માટે કહેતો અને છત પરથી ટપકતા પાણી પર નજર રાખીને ખાતરી કરતો કે એ પાણી વચ્ચેના ગાદલા સુધી ન પહોંચે.
આવા સંઘર્ષમય જીવનની વચ્ચે, એક દિવસ પોવેલ હાથમાં બેટ લઈને શાળાએથી ઘરે પાછો આવ્યો. તેની માતા આજે પણ તે દિવસને યાદ કરે છે. તેણે સ્ટાર ક્રિકેટરને કહ્યું કે તારા અને તારી બહેન માટે થોડું જ ભોજન બચ્યું છે જેના જવાબમાં પોવેલે કહ્યું હતું કે મા ચિંતા કરશો નહીં, હું તમને ક્રિકેટ દ્વારા ગરીબીમાંથી બહાર કાઢીશ. પોવેલની માતા માટે એ પળ તેના જીવનની આ એક સૌથી સુંદર ક્ષણ છે. તેના વિશે વાત કરતી વખતે તેના ચહેરા પર સ્મિત આવે છે અને તેની આંખમા અશ્રુઓ પણ આવી જાય છે. અને કહે છે, તે દિવસે તેણે મને કહ્યું હતું તે તેણે કરી બતાવ્યું. મેં તેના પર ક્યારેય શંકા કરી નથી. મેં હંમેશા તેને મારું સમર્થન આપ્યું છે.
એ ઉલ્લેખનીય છે કે રોવમેન પોવેલે 5મી મેના રોજ રમાયેલી હૈદરાબાદ સામેની આઇપીએલ મેચમાં 35 બોલમાં નોટઆઉટ 67 રન બનાવ્યા હતા. તેણે ડેવિડ વોર્નર સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 122 રન ઉમેર્યા અને બંનેએ મળીને છેલ્લી પાંચ ઓવરમાં 70 રન બનાવ્યા. તેણે સ્પીડ સ્ટાર ઉમરાન મલિકના બોલ પર છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. મલિક IPL 2022નો ઉભરતો સ્ટાર પણ રહ્યો છે અને તેનો સંઘર્ષ પણ પોવેલ કરતા ઓછો રહ્યો નથી. જમ્મુનો યુવા ખેલાડી શાકભાજી વિક્રેતાનો પુત્ર છે. પોવેલ ઈચ્છે છે કે તેની સરખામણી મોટા ક્રિકેટરો સાથે કરવામાં આવે. તેણે કહ્યું હતું કે મારામાં એવી ભૂખ છે કે હું મારી તુલના વિશ્વના ટોચના ક્રિકેટરો સાથે કરવા માંગુ છું. જ્યારે લોકો બેઠા હોય છે અને તેમણે જોયેલા સારા ક્રિકેટરો વિશે વાત કરતા હોય છે ત્યારે રોવમેન પોવેલનું નામ પણ આવવું જોઈએ.હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. હું જે કરી રહ્યો છું તે કરવાનું ચાલુ રાખીને મારી રમતને સુધારતા રહેવાથી એક દિવસ હું ત્યાં પહોંચી જઈશ.