સેવાગ્રામમાં ઉછરેલ અને ‘વેડછી’ની ભૂમિમાં વસેલ તે નારાયણ દેસાઇ. ઉપરોકત શીર્ષકના સર્જક અને મહાદેવભાઇના દીકરા, એવા વેડછીના ‘વડલા’ની આજે (તા.15-3-15) પૂણ્યતિથિ છે. પિતા મહાદેવ દેસાઇની જેમ ના.દેસાઇએ જિંદગી પાસે કશું ના માગતા લોક કેળવણી, સર્વોદયના રચનાત્મક કાર્યો તથા ગાંધીગાથા માગી લીધી હતી.
પિતા ગયા પણ પિતાના પગલાંની છાપ ભૂંસાવા ન દીધી! નારાયણ દેસાઇના સર્વોદયના કાર્યોથી અનેક લોકો નારાયણ દેસાઇના યજ્ઞમાં જોડાયા હતા. શું ધોરણ પાંચ સુધી વિધિસર અભ્યાસ કરનાર ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બની શકે? જવાબ છે. હા. પણ જો તે બાપુએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હોય તો!
ના.દેસાઇ ગુ.વિ.માં પાંચ ધોરણ સુધી ભણ્યા હતા અને ગુ.વિ.ના કુલપતિ પણ બન્યા હતા. વિનોબા ભાવેનો ભૂદાન યજ્ઞ હોય કે જુગતરામ દવેની રચનાત્મક પ્રવૃત્તિઓ કે પછી જયપ્રકાશ નારાયણની શાંતિસેના, બધે જ સક્રિય રહેતા હતા. બાપુ ગૂજરી ગયા ત્યારે કસ્તૂરબા જીવીત ન હતાં. મહાદેવભાઇ ગૂજરી ગયા ત્યારે કસ્તુરબા અને દુર્ગાબેન બંને જીવીત હતાં. મહાદેવભાઇના શબ પાસે કસ્તુરબા હતા.
પરંતુ દુર્ગાબેનનું અને નારાયણ દેસાઇનું ભાગ્ય તો જુઓ બંનેએ મૃત મહાદેવભાઇના અંતિમ દર્શન પણ ન કરી શકયાં! કારણ- મહાદેવભાઇ આગાખાન મહેલમાં એક કેદી તરીકે હતા. અને મૃત્યુના સમાચાર બહાર જાય તો આખો દેશ ખળભળી ઊઠે! તોફાના પણ ફાટી નીકળે! મહાદેવભાઇના મૃત્યુના સમાચાર ન આપવા બદલ અંગ્રેજ સરકારે લેખિત માફી પણ માંગી હતી! તા.15-3-15 રવિવારના દિને ‘વેડછી’ના વડલાનું છેલ્લું શયન છેલ્લું ભૂમિશયન બની રહ્યું.
વડસાંગળ -ડાહ્યાભાઇ એલ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.