એક યુવાન દંપતી રોમલ અને રિયા બંને ભણેલાં હતાં.લગ્ન કર્યાં.બંને કામ કરતાં અને ધીમેધીમે જીવનમાં આગળ આવી રહ્યાં હતાં.નાનકડું બે બેડરૂમનું સરસ ઘર હતું. એક ગાડી અને એક સ્કુટર હતું.જીવનમાં આમ તો કંઈ ખૂટતું ના હતું, પણ ખૂટતો હતો મનનો સંતોષ અને એટલે તેઓ જે કમાઈ રહ્યાં હતાં, જે વસાવી રહ્યાં હતાં તે ઓછું લાગી રહ્યું હતું અને હજી વધુ મેળવવા શું કરવું તે બાબતે સતત પરેશાન રહેતાં અને તેમની આ પરેશાની વધુ ને વધુ મેળવવાની ભાગદોડ તેમને એકબીજાથી અને અન્ય સ્વજનોથી દૂર કરી રહી હતી તે તેમને સમજાતું ન હતું.
બંને જણ હંમેશા ઉચાટમાં,ભાગદોડમાં ભવિષ્યને વધુ સુંદર અને સુરક્ષિત બનાવવામાં આજને બગાડી રહ્યાં હતાં.એક વખત રિયાનાં મમ્મી ઘરે આવ્યાં.જોયું તો ઘર અવ્યવસ્થિત અને નોકરના ભરોસે હતું કારણ રિયા વધુ પ્રમોશન મેળવવા નોકરીની સાથે સાથે રાતના ઉજાગરા કરી આગળ ભણી રહી હતી અને રોમલ તો હમણાં જ પ્રમોશન મળ્યું હોવાથી બહુ જ કામમાં હતો. રિયાનાં મમ્મીએ નોકરને બધું કહીને પોતે ઘર સરખું કર્યું.
સાંજનું સરસ જમવાનું બનાવ્યું અને રોમલ અને રિયાને ખાસ જલ્દી ઘરે આવવા એક નહિ, દસ ફોન કર્યા ત્યારે બંને ભાગીને ઘરે આવ્યાં.મમ્મીએ કહ્યું, ‘તમે બંને ભૂલી ગયાં છો કે આજે તમારી એન્ગેજમેન્ટ એનીવર્સરી છે.’ રોમલ અને રિયા એકબીજા સામે જોઈ રહ્યાં કે પહેલાં તો કેવી નાની નાની ખુશી પણ તેઓ યાદ કરી ઉજવતાં હતાં. રિયાની મમ્મી બોલ્યાં, ‘ફ્રેશ થઇ જમી લો. પછી તમારું ફેવરીટ ફાલુદા પણ બનાવ્યું છે.’ જમી લીધા બાદ ફાલુદા પીતાં પીતાં રિયાનાં મમ્મીએ વાત શરૂ કરી, ‘રોમલ અને રિયા, મારા અનુભવથી કહું છું કે તમે બંને જીવન જીવવાનું જ ભૂલી ગયાં છો.
ઘર કેવું પડ્યું છે …તમારી બન્નેની તબિયત કેવી થઇ ગઈ છે ..એકમેક માટે જ સમય નથી ત્યાં બીજા સંબંધો શું નિભાવશો.’ રિયા ગુસ્સે થઇ ગઈ અને બોલી, ‘મમ્મી, તને શું ખબર પડે અમને કેટલી પરેશાની છે.કેટલી જગ્યાએ દોડવાનું હોય છે.તેમાં ઘર અને સંબંધો ક્યાં સંભાળીએ.’ મમ્મીએ કહ્યું, ‘બેટા, ગુસ્સે ન થા.તમે પરેશાનીઓ હાથે કરી ઊભી કરી છે.તમારી બધી જ પરેશાનીઓનાં બે મૂળ કારણ છે. તમને જે છે તેના કરતાં વધુ જોઈએ છે અને ધીમે ધીમે નહિ, બધું જ હમણાં ને હમણાં જ સમયથી પહેલાં જોઈએ છે.’ રોમલ બોલ્યો, ‘પણ મમ્મી વધુ આગળ વધવાનાં સપનાં જોવામાં ખોટું શું છે? અને સપનાં પૂરાં કરવાં હોય તો બધું ભૂલીને મહેનત પણ કરવી પડે.’
રિયાનાં મમ્મીએ કહ્યું, ‘હું પોતે ઈચ્છું છું કે તમે બહુ મહેનત કરો અને બહુ આગળ વધો..પણ જરા તમારી આજુબાજુ નજર કરો, જે મહેનત કરી તમે અત્યાર સુધી વસાવ્યું છે તે શું તમે જાળવી શકો છો ..માણી શકો છો ..સુંદર રીતે ખુશી જીવન જીવવા જરૂરી ઘણું બધું તમારી પાસે છે તે સમજો. તેને માણો અને જીવન જીવો…અસંતોષી બની દોડતાં રહેશો તો જીવન માણવાનું રહી જશે અને દોડ પૂરી થશે જ નહિ.’ રોમલ અને રિયાની આંખો ખૂલી. તેમણે ચાર દિવસની રજા મૂકી જીવનના નવા પ્લાનિંગ માટે વેકેશન પર જવાનું નક્કી કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.