બસમાં મહિલાની છેડતી કરનાર રોમિયો ઝડપાયો

વડોદરા : શહેરના વિવિધ પોલીસ મથકોને સંલગ્ન શી ટીમ પોલીસ મથક વિસ્તારમાં બહેનદીકરીઓની સુરક્ષા, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની અટકાયત અને શિક્ષણ સંસ્થાઓની આસપાસ મહિલાઓ, દીકરીઓની છેડતી કરતા, વિવિધ રીતે ખોટું વર્તન કરતાં તત્વોને ડામવાનું કામ કરે છે. શનિવારે પાણીગેટ પોલીસ મથકની શી ટીમે એક મહિલાની સુરક્ષાની પ્રસંશનીય ફરજ નિષ્ઠા બતાવી છે. પોલીસ નિયંત્રણ કક્ષને એક વ્યક્તિએ સિટી બસમાં મહિલાની છેડતી કરતો હોઈ મદદરૂપ થવા વિનંતી કરતો કોલ કર્યો હતો. નિયંત્રણ કક્ષ દ્વારા પાણીગેટ પોલીસ મથકની શી ટીમે ઘટનાની જવાબદારી સોંપી હતી.જેથી ત્વરિત શી ટીમના સદસ્ય પોલીસ જવાન અને મહિલા પોલીસ કર્મીઓએ સિટી બસની ઓળખ કરીને, વૃંદાવન ચાર રસ્તા નજીક આ બસને અટકાવીને બસમાં જઈને મહિલાની છેડતી કરવા બદલ મુકેશ શનાલાલ ચૌધરી નામના વ્યક્તિને ઝડપી પાડયો હતો. મહિલાની પોલીસ ફરિયાદની અનિચ્છાને અનુલક્ષીને શી ટીમ જાતે ફરિયાદી બની હતી.  પાણીગેટ પોલીસ મથકમાં વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી, કાર્યવાહીના ભાગરૂપે તેને જેલભેગો કર્યો હતો.આ વિસ્તારના એ.સી.પી. એસ.જી.પાટીલ અને પોલીસ અધિકારી શ્રી કે.પી.પરમારે શી ટીમની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે.

Most Popular

To Top