અપેક્ષાઓ, ઈચ્છાઓ નથી સંતોષાતી ત્યારે માનવી પ્રેમ, કરુણા , સહિષ્ણુતા છોડી દાનવી વૃત્તિવાળો બની જાય છે. પોતાને ગમતી એક ચીજ કે વ્યક્તિને( પ્રેમમાં) ન મેળવી શકતા આવેશમાં આવી જાય છે. આવેશ અે ક્રોધનું રૂપ છે. ક્રોધ માણસને ન કરવાનું કરવા પ્રેરિત કરે છે.માનવીના મનનો કબજો માનવતાના બદલે દાનવતા લઈ લે છે. દયા, કરુણા કે સંવેદનશીલતાનું ઝરણું સુકાઈ જાય છે અને મેળવવાના ઝનૂનમાં અંધ બની માનવ ક્રૂર બની જાય છે. હાલમાં બનેલી ઘટના એ જ વાત સૂચવે છે. એકપક્ષી પ્રેમમાં અંધ યુવાને એક યુવતીનું ગળું કાપી હત્યા કરી. કેટલી હદે મન પર ક્રોધ સવાર થયો કે જેને પ્રેમ કરે છે એને જ શાકભાજીની જેમ કાપી નાખી. વ્યક્તિ આટલી હદે અસહિષ્ણુ બની શકે! જેને પ્રેમ કરો છો એ ના મળે તો ક્રૂરતાપૂર્વક રહેંસી નાખવાની? આ તો પ્રેમની પરિભાષા જ નથી. આ માત્ર વાંચવા કે વખોડવા પૂરતા સમાચાર નથી. સંવેદનશીલ અને સહિષ્ણુ લોકો માટે પીડાદાયક ઘટનાઓ છે. કરુણાનું ઝરણું તો કેવું સુકાયું છે કે લોકો આ ઘટનાનો વીડિયો ઉતારતા હતા! વિવેક અને માનવતા પણ વિસરાયાં. આ તો રાજા નીરો જેવી ક્રૂરતા! રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો નાચતો હતો ! (બ્યુગલ વગાડતો હતો)
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
