Business

રોલ ભજવણી

એક ચાય! એક આદમી કિતના ચાય પીયેગા? અકેલા હું – દિખતા નહીં?’ સમશુએ મારી સામે ડોળા કાઢતા પૂછ્યું. હું કંઈ બોલ્યા વગર ચૂપચાપ ચા બનાવવા માંડયો અને તીરછી નજરે બીજા ખૂણે બેઠેલા મુરલી તરફ જોયું. એ એવી રીતે છાપું વાંચતો હતો જાણે એણે કોઈ વાત સાંભળી નથી.

સમશુ અને મુરલી બન્ને મારા જૂના ગ્રાહક. બન્ને દોસ્ત હતા. કલાકો મારા બાંકડે બેસી દુનિયાભરની વાતો કરતા. બન્નેમાંથી કોણ કેટલી ચા પીશે એનો કે કોણ પૈસા ચૂકવશે એનો કોઈ હિસાબ ન રહેતો પણ આ જીગરી દોસ્તો હમણાંથી એકબીજાથી અંતર રાખતાં થઇ ગયા હતા. મારા બાંકડે ભેગા થઇ જાય તો અજાણ્યાની જેમ વર્તતા. બન્નેને ઓળખતો હોય એવો દોસ્ત આવી જાય તો એળેબેળે થોડી ઔપચારિક વાતો કરી લેતા.

બન્નેને શું વાંધો પડ્યો હતો એ ખબર નહોતી. એ બન્ને નજીકની કોલેજમાં ભણતાં. એક વાર એમનો એક દોસ્ત બાંકડે આવેલો એને મેં પૂછેલું કે આ બન્ને કેમ આમ એકબીજાથી રિસાઈ ગયા છે? એણે કહેલું ‘પોલિટિક્સ…’ મને લાગ્યું કે કોલેજમાં વિદ્યાર્થીઓની ચૂંટણી હશે પણ એણે સ્પષ્ટ કરેલું ‘કોલેજમાં નહિ, દેશમાં જે ચૂંટણી થાય છે એ ચૂંટણી.’ મને ખૂબ નવાઈ લાગેલી કે દેશના પોલિટિક્સના કારણે આ બન્ને વચ્ચે અંટસ પડી શકે? એ દોસ્તે કહેલું કે ટ્વીટર પર ત્રીજા જ કોઈની એક પોસ્ટ આવેલી એમાં એ બન્ને લડી પડેલા પછી લડતાં જ રહ્યા અને હવે દલીલો કરતાં કરતાં એમની વચ્ચે વાતનો જ સંબંધ નથી રહ્યો. બે દોસ્તમાંથી એ બન્ને હવે એક હિન્દુ અને એક મુસલમાન બની ગયા છે.

ખેર, એ બન્નેને લડતાં નથી જોયા પણ મારા બાંકડે આમ અજાણ્યાની જેમ જુદા જુદા ખૂણે બન્નેને બેઠેલા જોઈ થતું કે એક વાર લડીને આ રીસ ઉતારી દે તો સારું. જો કે એક વાર એ બન્ને મારા બાંકડે પણ બાખડી પડેલા. હું તો મારા કામમાં ખોવાયેલો હતો પણ એ બન્ને દલીલ કરતાં કરતાં ઊંચા અવાજમાં બોલવા માંડ્યા ત્યારે મારું ધ્યાન ગયું. મુરલી ગુસ્સામાં ધ્રૂજતા બોલ્યો ‘તો અહીં શું કામ પડી રહ્યો છે ? ચાલ્યો જા તમારા લોકો પાસે!’

‘પાકિસ્તાન?’ સમશુએ આગ ઝરતા સ્વરમાં મુરલીને પૂછ્યું.‘મેં પાકિસ્તાન નથી કહ્યું’ મુરલી બોલ્યો.‘તો હવે બોલ – ક્યાં જવા કહે છે એ તો બોલ? બોલતાં ફાટે છે કે?’મામલો બિચકતો જોઈ મેં દરમિયાનગીરી કરી ‘શું છે ભાઈઓ? અહીં મારા ચાને બાંકડે કેમ કુસ્તી કરો છો?’‘આ તમારા હિન્દુસ્તાની દોસ્તને સમજાવો – મને નહિ કહો…’ સમશુ મોં બગાડી બાંકડા પર બેસતા બોલ્યો.‘આ હિન્દુસ્તાની અને તું ?’ મેં અચરજથી પૂછ્યું . મુરલી મોં આડું કરી ગયો અને સમશુએ મને પૂછ્યું ‘મને હિન્દુસ્તાની માનો છો ?’

‘બિલકુલ નહિ…’ મેં કહ્યું…ત્યારે ચાના બાંકડે જેટલાં લોકો બેઠાં હતાં એ બધાં મને જોવા માંડ્યાં. સમશુનો ચહેરો અપમાનથી પડી ગયો એ ચૂપચાપ મને જોતો રહ્યો. મેં ચામાં આદુ નાખતાં ઉમેર્યું ‘તું તો એટલો હેન્ડસમ દેખાય છે કે મને હંમેશાં લાગે છે કે આ છોકરો તો રશિયન હોવો જોઈએ! ભારતમાં ક્યાંથી પેદા થઇ ગયો?’

ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હોય એમ સહુ મલકાવા માંડેલા – સિવાય સમશુ અને મુરલી. બન્નેના ચહેરા પરની કઠોરતામાં લેશમાત્ર ફરક નહોતો પડ્યો. મુરલી બોલવા માંડ્યો ‘આ સમશુ એમ સમજે છે કે-’ મેં મુરલીની વાત કાપતાં કહ્યું ‘સમશુ શું સમજે છે અને તું શું સમજાવે છે એ મને નહિ કહો. હું સમજાવું છું એ તમે બન્ને સાંભળો –તમે બન્ને મારા ગ્રાહક છો – ગ્રાહક હિન્દુ કે શીખ નથી હોતા. ગ્રાહક અમીર કે ગરીબ પણ નથી હોતા. અરે ગ્રાહક સારા કે ખરાબ પણ નથી હોતા -ગ્રાહક માત્ર રોકડા કે ઉધાર હોય છે –બોલો તમે રોકડા છો કે ઉધાર?’સમશુએ ઘવાયેલા ગર્વ સાથે મને પૂછ્યું ‘કોઈ દિવસ ઉધારી રાખી છે?’મેં કહ્યું ‘ના. એટલે તો તમે લોકો મારા માટે ખાસ છો – રોકડા ગ્રાહક મારા બાંકડે આવા નાટક કરે એ મને નહિ પરવડે.’ત્યાર બાદ એ બન્ને મારે બાંકડે ભેળા થઇ જાય તો પણ અજાણ્યાની જેમ જ વર્તતા.***

પછી એક દિવસ સમશુ અને મુરલી એક પ્રોફેસર જેવા દેખાતા ભાઈ જોડે બાંકડે આવ્યા. પેલા પ્રોફેસર જણાતાં ભાઈએ ત્રણે માટે ચા મંગાવી અને સમશુ અને મુરલીને કહ્યું : ‘હા શરૂ કરો-’ચા ચૂલે ચઢાવતાં હું વિચારવા માંડ્યો કે શું શરૂ કરશે આ બન્ને હવે? પણ જે શરૂ થયું એ મારી કલ્પના બહારનું હતું. સમશુએ મુરલી સામે જોઈ કહ્યું ‘નહિ આસિફ નહિ હું તને નહિ જવા દઉં.’ ‘પણ અમૃત ! જરા વિચાર હું અહીં હિન્દુસ્તાનમાં રોકાઈને શું કરીશ? મારા સઘળા સાથીઓ, મારા દોસ્તો જઈ રહ્યા છે.’

આ બન્ને શું કરી રહ્યા હતા એ મને સમજાય એ પહેલાં પેલા પ્રોફેસરે ઊભા થઇ મુરલી સામે જોઈ એકદમ મક્કમ સ્વરમાં કહ્યું ‘નહિ આસિફ નહિ હું તને નહિ જવા દઉં.’ પછી સમશુ તરફ જોઈ બોલ્યા ‘આમ ‘નહીં’ પર ભાર આપ, તું નથી ચાહતો કે તારો દોસ્ત જાય – એ વાત વજન સાથે આવવી જોઈએ. ફરી બોલ-’ સમશુએ અચકાઈને જવાબ આપ્યો : ‘આટલા મોટેથી અહીં બોલું ?’ અને મારી તરફ જોયું. પેલા પ્રોફેસરે મને જોઈ પૂછ્યું ‘ ઓહ સોરી હં. અમે લોકો-’ મેં એમને વાક્ય પૂરું ન કરવા દેતાં કહ્યું ‘વાંધો નહિ સાહેબ – જેટલા મોટેથી બોલવું હોય એટલા મોટેથી બોલો. કોઈ પ્રોબ્લેમ નથી.’ મુરલીએ આશ્ચર્યથી મને પૂછ્યું ‘પેલા દિવસે તો અમને વઢી નાખેલા કે અહીં નાટક નહીં કરવાના.’

‘હા દુશ્મનીના નાટક નહીં જ કરવાના – દોસ્તીના નાટક માટે ક્યારેય ના નહિ પાડું.’ મેં સ્મિત કરતાં કહેલું અને પ્રોફેસરે ખુશ થઇ બન્ને પાસે રીહર્સલ શરૂ કરાવ્યા. મારા બીજા ગ્રાહકો ચા પીતાં પીતાં મફતનું મનોરંજન માણવા માંડ્યા. બાજુમાં વડાંપાઉંનો સ્ટોલ ચલાવતી રૂપા પણ ડોકિયું કરી ગઈ કે શું ચાલે છે! મેં એને સમજાવ્યું કે કોલેજમાં કોઈ નાટક કરવાના હશે એનું રીહર્સલ કરે છે. એ મારી સામે મૂંઝાઈને જોઈ રહી મેં કહ્યું – ‘રીહર્સલ એટલે પ્રેક્ટીસ.’

‘અહીં?’ રૂપાએ નવાઈ પામતાં પૂછ્યું.મેં કહ્યું ‘ચા પીવા આવ્યા પણ રીહર્સલ ચાલુ જ રાખ્યું છે.’સંવાદો પરથી સમજાતું હતું કે ભારત –પાકના ભાગલાના સમયની વાત છે પણ મને એ સમજાયું નહીં કે મુરલીને મુસ્લિમ અને સમશુને હિન્દુ કેમ બનાવ્યા હશે? પણ જે હોય એ – એ બન્નેને આવા સંવાદો બોલતાં જોઈ ખૂબ સારું લાગ્યું. મનમાં થયું – કોઈ હિન્દુ મુસ્લિમ બની બોલે અને કોઈ મુસ્લિમ હિન્દુ બની બોલે તો પણ કેટલા ઝઘડા ફીક્કા પડી જાય! આ પ્રોફેસર કદાચ એ નાટકનો ડાયરેક્ટર હશે. આ ઊલટસૂલટ રોલ આ બન્નેને આપીને એણે કમાલ કરી છે. ***

થોડા દિવસ બાદ સમશુ અને મુરલીના એક ઓળખીતા કોલેજીયનને મેં એ બન્ને વિષે પૂછ્યું ‘પાછા દોસ્ત બની ગયાને એ બન્ને?’ ‘બની ગયેલા…પણ’ એ કોલેજીયને જવાબ આપ્યો ‘ફેસબુક પર કોઈની પોસ્ટ હતી એમાં બન્ને પાછા બાખડી પડ્યા. આ વખતે તો મારામારી કરવા માંડેલા.’ ફેસબુક! મેં લૈલાને પૂછ્યું :‘આ ફેસબુક, ટ્વીટર શું ચીજ છે?’  ‘શેક્સપિયરે કહેલું કે આ દુનિયા એક રંગમંચ છે.’ લૈલાએ જવાબ આપ્યો ‘અને ભણેલાંગણેલાં લોકોમાંથી કોણે કયો રોલ કરવો એ આ ફેસબુક, ટ્વીટર નામના ડાયરેક્ટર નક્કી કરે છે.’

Most Popular

To Top