Charchapatra

વધી રહેલા પડતર કેસોમાં લો કોલેજોની ભૂમિકા

આપણા દેશમાં વિવિધ અદાલતોમાં પડતર કેસોની વધી રહેલ સંખ્યા બાબતે યોગ્ય રીતે જ ચિંતા સેવવામાં આવી રહી છે. આ કેસોની સંખ્યા ધીમે ધીમે વધીને 5 કરોડની સંખ્યા આંબી ગયેલ છે. આ બાબતે ક્યારેક સરકાર, ક્યારેક અદાલતો તો ક્યારેક પ્રક્રિયાનો દોષ કાઢવામાં આવે છે. આ દરેકનો વધતો ઓછો વાંક હોય તે સ્વાભાવિક છે. પરંતુ આ બાબતમાં લો કોલેજોની ભૂમિકા વિશે ન તો કોઈ શબ્દ ઉચ્ચારવામાં આવે છે કે ન તો તેની કોઈ નોંધ લેવામાં આવે છે. દેશનાં અન્ય રાજ્યોની તો પાકી ખબર નથી.

પરંતુ ગુજરાતની કેટલીક લો કોલેજોમાં પ્રવેશપત્ર સાથે જ પરીક્ષાનાં આવેદનપત્રો પણ ભરાવી લેવામાં આવે છે. એટલે કે કોલેજમાં એક પણ દિવસ હાજરી આપ્યા વિના કે ભણ્યા વિના સરળતાથી વડીલ કે આગળ જતાં તેમાંથી ન્યાયાધીશ પદ સુધી પહોંચી શકાય છે. આવા વડીલો કે ન્યાયાધીશની ક્ષમતા વિશે આપણે અવિશ્વાસ પ્રગટ કરતા નથી પરંતુ શિક્ષણનું સ્તર એકદમ શૂન્ય હોય તો તેમની કામગીરી પણ નબળી જ રહે તે સ્વાભાવિક છે. દરેક રાજ્ય બાર કાઉન્સિલે પોતાનાં રાજ્યમાં આવી લો કોલેજોની ઓળખ કરી તેના શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા પ્રયાસ કરવો જોઈએ. તેમાંથી જ સક્ષમ વડીલો અને ન્યાયાધીશો પેદા થવાના. દેશના સમગ્ર ન્યાયતંત્ર માટે ચિંતાજનક સ્થિતિ છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રામનગરની વિલ્સન ટેકરી
‘‘વિલ્સન હિલ્સ’’ના શીર્ષક સાથે મહેશ આઈ. ડોક્ટરે વન ડે પીકનીક પોઈન્ટનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરીને એ લીલીછમ ધરતીની વાત કરી છે તેના અનુસંધાને લખવાનું છે કે તા. 1, 5, 6,7 ના રોજ વિલ્સન હિલ પણ સૂરત જિલ્લાનો જ હિસ્સો હતો અને વલસાડ જિલ્લાનો એક તાલુકો ગણાતું ધરમપુર રામનગરના રાજવીનું રાજનગર હતું. ગુલામી બાદની આઝાદીથી થયેલા રૂપાંતરમાં સહીની પ્રકૃતિએ ભૂંડા રાજકારણના ઊંડા રહસ્ય રૂપે અંતરિયાળ વિસ્તાર બનીને એનું સૌભાગ્ય અખંડ રાખ્યું છે.
ધરમપુર  – ધીરુ મેરાઈ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top