ધરમશાલા(Dharamshala): ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલાના (DharamshalaTest) હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે આજે તા. 8 માર્ચ ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતની પ્રથમ ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્મા (RohitSharma) અને શુભમન ગીલે (SubhmanGill) શાનદાર સદી ફટકારી છે.
રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારી હતી. શુભમન ગિલની ટેસ્ટ કારકિર્દીની આ ચોથી સદી હતી. રોહિતની સદી 154 બોલમાં આવી, જેમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત બાદ શુભમન ગિલે પણ 137 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ખાસ વાત એ છે કે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી.
રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 48મી સદી હતી. તેમાંથી રોહિતે ઓપનર તરીકે 43 સદી ફટકારી છે. રોહિત હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો, જેણે ઓપનર તરીકે 42 સદી ફટકારી હતી.
રોહિતે દ્રવિડ-ગાવસ્કરની બરાબરી કરી
રોહિત ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ઓપનરોની યાદીમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને આવી ગયો છે. તેણે સુનીલ ગાવસ્કરની બરાબરી કરી લીધી છે. ગાવસ્કરે ઓપનર તરીકે ઈંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ સદી પણ ફટકારી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે રોહિત હવે દ્રવિડની બરાબરી પર પહોંચી ગયો છે. 30 વર્ષની ઉંમર બાદ રોહિતની આ 35મી આંતરરાષ્ટ્રીય સદી હતી. સચિને 30 વર્ષની ઉંમર બાદ 35 સદી પણ ફટકારી હતી.