નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને નવા પ્રમુખ મળ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની (Saurav Ganguly) વિદાય થઈ છે. હવે તેમના સ્થાને રોજર બિન્ની (Roger Binny) નવા પ્રમુખ બન્યા છે. રોજર 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય રહી ચૂક્યા છે. મંગળવારે યોજાયેલી BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રોજર બિન્ની BCCIના 36માં પ્રમુખ બન્યા છે. આ પહેલા સૌરવ ગાંગુલી 2019થી આ પદ પર હતા. થોડા સમય પહેલા જ ગાંગલીનો કાર્યકાળ લંબાવવાની આશા હતી. પરંતુ થોડા જ દિવસોમાં સમીકરણો બદલાઈ ગયા અને ગાંગુલીની વિદાય થઈ છે. બિન્ની બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
તમને જણાવી દઈએ કે BCCI અધ્યક્ષ પદ માટે 67 વર્ષીય રોજર બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. તેમના સિવાય કોઈએ નોમિનેટ કર્યું ન હતું. આવી સ્થિતિમાં રોજર બિન્નીને BCCIના નવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. હોદ્દેદારોની આ ચૂંટણી માત્ર ઔપચારિકતા હતી, કારણ કે તેઓ બિનહરીફ ચૂંટાય તેવી ખાતરી હતી. રોજર બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે. પરંતુ હવે તેઓ બીસીસીઆઈ પ્રમુખ બનતાની સાથે જ આ પદ છોડી દેશે. બિન્ની તેના સમયનો મીડિયમ પેસ બોલર રહ્યો છે. તેણે 1983ના વર્લ્ડ કપમાં 8 મેચ રમી જેમાં 18 વિકેટ ઝડપી હતી.
ગાંગુલીએ IPL ચેરમેન પદની ઓફર ઠુકરાવી દીધી હતી
થોડા દિવસો પહેલા નવી દિલ્હીમાં સૌરવ ગાંગુલી સાથે સ્ટેકહોલ્ડર્સની બેઠક થઈ હતી. જેમાં ગાંગુલીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે બીસીસીઆઈ પ્રમુખ તરીકે ચાલુ રહેવા માંગે છે. પરંતુ હોદ્દેદારોએ કહ્યું હતું કે આવું થવું શક્ય નથી. જો કે હવે સૂત્રોએ જણાવ્યું કે ગાંગુલીને પણ આઈપીએલના ચેરમેન પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.
રોજર બિન્નીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
રોજર બિન્ની 1979-87 દરમિયાન ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન-ડે ઈન્ટરનેશનલમાં દેખાયા હતા. તેણે વર્ષ 1979માં પાકિસ્તાન સામે બેંગ્લોર ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. બિન્નીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 3.63ની એવરેજથી 47 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 29.35ની એવરેજથી 77 વિકેટનો રેકોર્ડ છે. રોજર બિન્ની બેટ સાથે પણ ઘણું યોગદાન આપવામાં માહિર હતો. તેના નામે ટેસ્ટમાં 830 રન અને વન ડેમાં 629 રન છે. 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના મહત્ત્વના ખેલાડી રહી ચૂક્યા છે. તેઓએ 1983ના વર્લ્ડકપમાં 18 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપમાં તેઓએ ઝડપેલી 4 વિકેટનો સ્પેલ યાદગાર છે. તેઓએ વર્લ્ડકપની 6 ઈનિંગ રમી કુલ 73 રનનું યોગદાન પણ આપ્યું હતું.