Entertainment

રોકી રણવીરની ફ્લોપ કહાની?

શું રણવીર સિંઘ અને દિપીકા પાદુકોણ વચ્ચેનો લગ્ન સંબંધ પૂરો થવામાં છે? ફિલ્મ સ્ટાર્સે હંમેશા આવી અમુક અફવાઓ વચ્ચે લગ્નસંબંધને જીવવો પડતો હોય છે. શરૂમાં જે વાત અફવા તરીકે આવી હોય તે પછીથી હકીકતમાં ફેરવાય જાય ત્યારે ઘણા ચમકી ઉઠે છે. ઋતિકના લગ્ન તૂટવાની વાત પહેલાં અફવા તરીકે જ આવેલી અને આમીર ખાન બાબતે ય એવું જ બનેલું પણ પછી ડાયવોર્સ થઇ ગયા. આપણે ઇચ્છીએ કે એવું રણવીર સિંઘ દિપીકા વચ્ચે ન બને. તેઓ બંને કારકિર્દીને કેન્દ્રમાં રાખનારા કપલ છે અને તેમાં કોઇ પ્રોબ્લેમ થાય તો શકય છે કે લગ્ન જીવનમાં ય પ્રોબ્લેમ થાય.

દિપીકાને તો લગ્ન પહેલાં બે પ્રેમ સંબંધ રહી ચુકયા છે અને રણબીર કપૂર સાથે તો તે રહેવા પણ માંડી હતી. ફિલ્મ જગતમાં આવા સંબંધોની નવાઈ નથી હોતી. પણ રણવીર પતિ તરીકે કેવો છે તે ખબર નથી. હા, આ છ વર્ષમાં તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. ઉતાર-ચઢાવને બદલે ઊતાર કહો તો તે વધુ યોગ્ય છે. પણ દિપીકાને તેનો વાંધો નહિ જ હશે. હમણાં ઘણા ટોપ સ્ટાર્સ ફરી ભાખોડીયા ભરતા થઇ ગયા છે. અક્ષયકુમાર એક નથી આમીર ખાન અને સલમાન ખાન પણ છે. એક કાર્તિક આર્યન જ કહી શકે એમ છે કે તેની સ્થિતિ સારી છે.

પણ રણવીરની એક ફિલ્મ આવતા અઠવાડિયે જ રજૂ થવાની છે. હમણાં 6 જુલાઈએ 38નો થયેલા રણવીરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28મીએ રજૂ થશે. કરણ જોહર દિગ્દર્શક છે. પણ હવે તેને નિર્માણમાં જ વધુ રસ છે. એટલે તે જ્યારે કોઇ ફિલ્મનો દિગ્દર્શક પણ હોય ત્યારે ઇંતેજાર વધી જાય છે. ‘એ દિલ હે મુશ્કિલ, ઘોસ્ટ સ્ટોરીઝ પછી લાંબા સમય તેણે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને તે પ્રેમ કહાણી છે. આ ફિલ્મ તેણે ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય પાસે લખાવી છે. આ ફિલ્મમાં વિપરીત વ્યક્તિત્વવાળા લગ્ન કરવા વિચારે છે અને લગ્ને પહેલાં એકબીજાના કુટુંબ સાથે રહેવાનો નિર્ણય કરે છે. કરણ હોવાના કારણે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર-જયા બચ્ચન અને શબાના આઝામી પણ છે.

આ વર્ષના માર્ચમાં ફિલ્મનું શુટિંગ પુરું થયેલું અને રશિયા સહિત જમ્મુ-કાશ્મીર, દિલ્હી, મુંબઇમાં તે ફિલ્માવવામાં આવી છે. રણવીર આમાં પંજાબી રોકી રંઘાવા બન્યો છે ને રાની તરીકે આલિયાએ બંગાળી પત્રકારની ભૂમિકા ભજવી છે જે ઈન્ટેલેકટ્યુઅલ પણ છે. લગ્ન પહેલા ત્રણ મહિના તેઓ એકબીજાના કુટુંબ સાથે રહેવાનું નક્કી કરે છે. હવે જોઇએ આ કહાણી કરણ જોહરે કેવી ફિલ્માવી છે. પણ રણવીર માટે આ ફિલ્મનું મહત્વ ઘણું છે. ‘સૂર્યવંશી’, ‘83’ ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સરકસ’માં પછડાટ પછી તેની આ ફિલ્મ આવી રહી છે એટલે તેને પરસેવો વળી રહ્યો છે.

હીરો નિષ્ફળ જાય ત્યારે તેના લગ્નના ડાયવોર્સની અફવા ચાલુ થઇ જાય અને સફળ જાય તો નવા લફડાની અફવા ચાલુ થઇ જાય. રણવીરની પાછલી ચચ્ચાર ફિલ્મો માર ખાય ગઇ છતાં તેની પાસે ઘણી ફિલ્મો છે. જો કે તેમાની ‘તખ્ત’ તો કરણ જોહરની જ છે ને તે લાંબા સમયથી પૂરી જ નથી થતી. રોહિત શેટ્ટી સાથેની ‘સિંઘમ અગેઇન’માં મુખ્ય તો અજય દેવગણ જ છે પણ સાથે અક્ષય -રણવીર પણ છે એટલે ફિલ્મ પૂરી થાય ત્યારે વાત. આ ઉપરાંત સંજયલીલા ભણશાલીની ‘બૈજુબાવરા’ પણ લાંબા સમયથી ચર્ચામાં છે પણ શૂટિંગ શરૂ થયાના એંધાણ નથી. એટલું જરૂર કહી શકાય કે તેને મોટા બેનરની, મોટા દિગ્દર્શક સાથેની ફિલ્મો મળે છે.

આ ફિલ્મમાં એક તો શંકર સાથેની છે અને બીજી અનુરાગ બસુની છે જેમાં રણબીર પણ છે. હજુ એક ફિલ્મ તે ‘ડોન-3’ છે જેનો દિગ્દર્શક ફરહાન અખ્તર છે. રણવીર હજુ 3 વર્ષ સુધી આ ફિલ્મો વડે આકર્ષણ જગાડશે. જરૂરી છે કે તેની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ સફળ થાય. રણવીર સારો અભિનેતા ગણાય છે. એ ફિલ્મ જેટલી મહત્વાકાંક્ષી હોય તેટલો તે વધુ નીખરે છે. કરણ જોહર પોતાની ફિલ્મ સફળ બનાવવાના નુસખા ય જાણે છે અને રણવીર-આલિયા વચ્ચે સારી કેમિસ્ટ્રી અને એટલે ફિલ્મ સફળજવાની પૂરી ધારણા છે. અત્યારે ફિલ્મ જગત આખું સફળ સ્ટાર્સ વિશે ઘાંઘુ થયું છે કારણ કે સ્ટાર્સ નિષ્ફળ જાય તો ફિલ્મોદ્યોગની આશા પર પાણી ફરી વળે છે. કોરોના પછી અનેક ફિલ્મો નિષ્ફળ રહી છે અને હવે તે પોષાય એમ નથી. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ પાસે રખાયેલી આશા પૂરી થશે તો રણવીર ફરી જોર કરશે. •

Most Popular

To Top