સુરતઃ જે તે જિલ્લાના આરટીઓ પાસિંગના વ્હીકલને સંબંધિત જિલ્લાના ટોલનાકા પર ફીમાં 50 ટકા રાહત આપવાનાં નિયમનું સચિન-પલસાણા હાઈવેના ભાટિયા ટોલ નાકાનાં સંચાલકો પાલન નહીં કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ ઉઘાડી લૂંટ સામે ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલાએ નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડિરેકટરને રજૂઆત કરી નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડિરેકટરને સુરત જિલ્લાના હાઇવે પર વાહનચાલકો પાસેથી ટોલનાકા પર વસૂલવામાં આવતા રૂપિયા સંદર્ભે નિયમોનું પાલન કરાવવા માંગ કરી છે.
- ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલા એ નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડિરેકટરને રજૂઆત કરી
- જે તે જિલ્લાના આરટીઓ પાસિંગ વ્હીકલને ટોલ ટેક્સમાં 50 ટકાની રાહતનું પાલન થતું નથી
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 2008ના નિયમ મુજબ જે તે જિલ્લાના આરટીઓ પાસિંગવાળા વ્હીકલને સંબંધિત જિલ્લાના ટોલનાકા પર ફીમાં 50 ટકા રાહત આપવામાં આવે તેવો કેન્દ્ર સરકારનો નિયમ છે.
સુરત પાસિંગ (GJ 05) ની ગાડી હોય અને તે સુરત જિલ્લામાં આવેલા હાઇવેના ટોલનાકા પરથી પસાર થાય ત્યારે વાહનચાલકે ટોલની માત્ર 50 ટકા જ ફી ચૂકવવાની હોય છે, પરંતુ સચિન – પલસાણા હાઇવે પરના ટોલનાકા પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી છે.
ફાસ્ટેગ ધરાવનાર વાહનચાલકો ટોલનાકાથી પસાર થયા બાદ ફાસ્ટેગમાંથી 100 ટકા ફી કપાઇ જતી હોવાની બાબત ધ્યાને આવી છે, આથી નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું સચિન – પલસાણા હાઇવે પરના ટોલનાકા પર પાલન કરાવવા માટે ચેમ્બર દ્વારા NHAIના પ્રોજેકટ ડિરેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સુરતીઓ પાસે સિંગલ એન્ટ્રી જવાનાં 135 અને પરત આવવાના 70 રૂપિયા લેખે કરોડો રૂપિયા ખોટી રીતે વસુલાયા
સચિન – પલસાણા હાઇવે પરના ભાટિયા ટોલનાકાનાં સંચાલકો ટોલનાકાથી 60 કિલોમીટરની રેડીયસમાં રહેતા અને સુરત શહેરથી જિલ્લા બહાર કાર લઈ જાય છે ત્યારે આ ટોલનાકા પર 135 રૂપિયા ફાસ્ટેગ થી કપાઈ ભાટિયા ટોલ પ્લાઝાનાં IDFC FIRST BANK નાં એકાઉન્ટમાં જમા થઈ જાય છે.
જો રિટર્ન કુપન ન લીધી હોય અથવા એન્ટ્રી ન પડાવી હોય તો સુરત શહેરમાં આવવા માટે બીજા 70 રૂપિયા આપવા પડે છે. ભાટિયા ટોલ પ્લાઝાથી પલસાણા ગામ માત્ર 10 કીમી.માં આવ્યું હોવા છતાં GJ 19 પાસિંગ પલસાણાનાં વાહનો સુરત શહેરમાં પ્રવેશે તો 135 અને પરત જાય તો બીજા 70 એમ કુલ 205 રૂપિયા કપાઈ જાય છે.
સુરત શહેર અને જિલ્લાના પ્રત્યેક વાહનો પાસે 102.50 રૂપિયાની વધારાની વસુલાત કોણ કરશે?
જો સુરતના GJ 05 અને સુરત જિલ્લામાં બારડોલી આરટીઓમાં નોંધાયેલા દરેક ફોર વ્હીલર વાહનોનાં ચાલકો પાસેથી ટોલ પ્લાઝામાં એન્ટ્રી અને એકઝિટનાં મળી કુલ 205 રૂપિયા ફાસ્ટેગ સિસ્ટમથી વસૂલવામાં આવ્યા છે. નિયમ મુજબ 60 કી.મી. વિસ્તારમાં રહેતા લોકો પાસે નિયમ મુજબ 50 ટકા જ ચાર્જ લેવાનો હતો, પણ નિયમ વિરુદ્ધ પ્રત્યેક વાહન પાછળ 102.50 રૂપિયા વધુ લેવામાં આવ્યા છે.
સુરત શહેરના ઉદ્યોગકારો પલસાણા અને એની આસપાસ આવેલી ઇન્ડસ્ટ્રીમાં રોજેરોજ અવર જવરના કરે છે. એ હિસાબે રોજ 2000 જેટલા વાહનોની અવર જવરના રહે છે,એ ગણતરી એ સુરત શહેર અને સુરત જિલ્લાના 60 કી.મી.વિસ્તારમાં આવતા વાહન માલિકો પાસે કરોડો રૂપિયા નિયમ વિરુદ્ધ ઉઘરાવવામાં આવ્યા છે. એ નાણાં હવે ભાટિયા ટોલ પ્લાઝાનાં સંચાલકો પાસે કોણ વસૂલ કરશે.શું વાહન માલિકોને એ ઓનલાઇન પરત મળશે કે, NHAI પોતાના ફંડમાં રિટર્ન લેશે એ મોટો પ્રશ્ન છે.