સુરત: સુરત (Surat)માં આજે ફિલ્મી ડ્રામા (Filmy drama) સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત વેસુ વિસ્તારમાંથી થઈ હતી. જ્યારે નવસારી (Navsari)ના બોરિયાચ ટોલનાકા પાસે આ ડ્રામાનો અંત આવ્યો હતો. વાત જાણે એમ હતી કે પુણાના એક પ્રેમી યુવાને પોતાની પ્રેમિકા (Lover)ને ભગાડી જવા માટે આજે ભરબપોરે વેસુ વિસ્તારમાં આગમ આર્કેડ પાસે એક વૃદ્ધને પિસ્તોલ (Pistol) બતાવી તેની કારની લૂંટ (Car robbery) કરી લીધી હતી.વૃદ્ધે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે પિસ્તોલ બતાવતા વૃદ્ધે ચાલુ કારમાંથી કૂદવું પડ્યું હતું. ઘટના અંગે પોલીસ (Police)ને જાણ કરવામાં આવતાં યુવાન અને તેની પ્રેમિકા બંને બોરિયાચ ટોલનાકા પાસે પકડાઈ ગયા હતા.
ઘટનાની વિગતો પ્રમાણે, વેસુ ખાતે જોલી રેસિડેન્સીમાં રહેતા મનોજભાઈ કપૂરચંદ જૈન ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. આજે સવારે તેમના પિતા કપૂરચંદની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી ડોક્ટરને બતાવી પાછા ઘરે જતી વખતે તેમના ઘરની પાસે આગમ આર્કેડમાં મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે ઉતર્યા હતા. કપૂરચંદ આગળની સીટ ઉપર બેઠા હોવાથી મનોજભાઈ કારના કાચ ખૂલ્લા રાખ્યા હતા. આ સમયે જ એક અજાણ્યો પિસ્તોલ બતાવી કારમાં બેસી ગયો હતો. અને કારને સેલ મારીને કાર રિવર્સ લેવા લાગ્યો હતો. વૃદ્ધે તેનો પ્રતિકાર કરવા પ્રયાસ કર્યો પરંતુ તેમને પિસ્તોલ તાણી દેવાની સાથે લાત મારી કારમાંથી ફેંકી દીધા હતા. વૃદ્ધે બૂમાબૂમ કરતાં તેમનો પુત્ર અને રાહદારીઓ દોડીને આવે તે પહેલા અજાણ્યો કાર લઈને ભાગી ગયો હતો.
ક્રાઈમ બ્રાંચે આરોપીને કારમાં એક છોકરી સાથે નવસારી બોરીયાચ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યો
યુવાને જીજે-05-આરબી-7113 નંબરની હોન્ડા અમેઝ કારની લૂંટની ઘટના બાદ ક્રાઈમ બ્રાંચ પોલીસ પણ આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગી હતી. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, લૂંટ કરેલી કારમાં એક વ્યક્તિ છોકરીની સાથે મુંબઈ તરફ રવાના થયો છે. જેથી ક્રાઈમ બ્રાંચે આરોપીને નવસારી બોરિયાચ ટોલ પ્લાઝાએ ઝડપી પાડ્યો હતો. નવસારી પોલીસે કારને અટકાવી રાખી હતી. ક્રાઈમ બ્રાંચે કારની લૂંટ કરનાર કશ્યપ ભાવેશભાઈ ભેસાણિયા (ઉ.વ.19, રહે.સરગમ સોસાયટી પુણા ગામ)ને યુવતી સાથે ઝડપી ઉમરા પોલીસના હવાલે કર્યો હતો. આરોપી પાસેથી પોલીસે કાર તથા રોકડા 2,26,500 રૂપિયા, એક એરગન અને એક લેપટોપ કબજે લીધા હતાં.
પ્રેમિકાને ભગીડા જવા માટે કારની લૂંટ કરી હતી, પ્રેમિકાને લઈને મુંબઈ લઈ જવાનો હતો
પોલીસે જ્યારે કારની લૂંટ કરનાર કશ્યપને પકડ્યો ત્યારે તેણે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તેણે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે આ કારની લૂંટ કરી છે. કશ્યપ એક યુવતીને પ્રેમ કરતો હતો અને તેને ભગાડી જવા માટે કાર લૂંટી લીધી હતી. બાદમાં તેને કારમાં બેસાડીને મુંબઈ તરફ ભાગ્યો હતો. જોકે, બંને પકડાઈ ગયા હતાં. કશ્યપ એરગન ક્યાંથી લાવ્યો તેમજ રોકડા 2.70 લાખ તેની પાસે ક્યાંથી આવી? આ અંગે પોલીસે વધારે પૂછપરછ હાથ ધરી છે.