સુરત(Surat) : સુરતના તત્કાલીન પોલીસ કમિશનર (PoliceCommissioner) અજય કુમાર તોમરે (AjaykumarTomar) નો ડ્રગ્સ ઈન સિટીની (NoDrugsInCity) ઝૂંબેશ ઉપાડી હતી. તેમના કાર્યકાળમાં શહેરમાં ડ્રગ્સનું (Drugs) દૂષણ ઘણા ખરા અંશે દૂર થયું હતું, પરંતુ તોમર નિવૃત્ત થતાં જ ડ્રગ્સ માફિયાઓએ ફરી માથું ઊંચક્યું હોય તેમ લાગે છે. ફરી માફિયાઓએ સુરતમાં ડ્રગ્સ ઘુસાડવાની પેરવી શરૂ કરી દીધી છે. સુરત શહેર પોલીસે સોમવારે ડ્રગ્સ સાથે ત્રણ કેરિયરને પકડી પાડ્યા છે.
- મધ્યપ્રદેશથી કારમાં સુરત ડ્રગ્સનો જત્થો લાવી રહેલા 3 ઝડપાયા
- સુરત પોલીસે 51.22 લાખનું ડ્રગ્સ પકડ્યું
- મધ્યપ્રદેશથી લાખો રૂપિયાનું ડ્રગ્સ મંગાવનાર સુરતનો રીઝવાન બોમ્બેવાલા વોન્ટેડ
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભાટીયા ચેક પોસ્ટ પાસેથી 3 ઈસમોને 512.20 ગ્રામ ડ્રગ્સ સાથે પકડ્યા છે. આ એમડી ડ્રગ્સની બજાર કિંમત અંદાજે 51.22 લાખ હોવાનું માનવામાં આવે છે. ત્રણેય ઈસમો બિન્ધાસ્ત કારમાં ડ્રગ્સ લઈ સુરત આવી રહ્યાં હતાં. ડ્રગ્સ મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. પોલીસે ૫૧૨.૨૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક કાર, 4 મોબાઈલ ફોન મળી કુલ 54.67 લાખનો મુદામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ત્રણ આરોપી પકડાયા
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કારના ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ કરી છે. કારનો ડ્રાઈવર નવસારીના રહેવાસી બદરૂદિન અખ્તર હુસૈન બંગડીવાલા (39) તેમજ સુરતના રહેવાસી ગુલામ સબીર મોહમદ ઇશાક મિરજા (34) અને મોહમદ અશફાક મોહમદ અસલમ અંસારી (25) ની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જત્થો સુરત લાવી રહ્યા હતા.
રીઝવાન બોમ્બેવાલા વોન્ટેડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત બહાર આવી છે કે એમડી ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી ઈલ્યાસ ઉર્ફે ઈલુ નામના ઈસમે મોકલ્યું હતું. અહીં સુરતમાં તે રીઝવાન બોમ્બેવાલાને ડિલીવર કરવાનું હતું. પોલીસે ઈલ્યાસ અને રીઝવાનને વોન્ટેડ જાહેર કર્યા છે.