SURAT

સુરત: રિવર ફ્રન્ટનો પ્રોજેક્ટ સાકાર થતાં જ તાપી નદી અને કિનારાના સ્વરૂપ બદલાઈ જશે

સુરત: (Surat) સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ (Project) મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે નદી પર 13 મીટરની હાઇટનો આ બેરેજ બન્યા બાદ તાપી નદી શહેર વચ્ચેથી માંડીને ગાય પગલા સુધી છલોછલ ભરેલી દેખાશે. તેથી તાપી નદીના (Tapi River) કિનારા પર પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવવા માટે સુરતમાં પણ અમદાવાદના રિવરફ્રન્ટ જેવો નયનરમ્ય રિવરફ્રન્ટ (River Front) સાકાર કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેના 3904 કરોડના અંદાજને સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઇ ચૂકી છે.

આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકે પણ લોન આપવા અંગે રસ દાખવ્યો છે. આ લોન લેવા માટે કેન્દ્ર સરકારની વિવિધ વિભાગોની સહમતી હોવી જરૂરી છે. ત્યારે શુક્રવારે કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ સમક્ષ સબંધિત તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન કરાયું હતું તેમજ આ વિભાગ દ્વારા રિવર ફ્રન્ટના પ્રથમ ફેઇઝ એટલે કે રૂઢથી સિંગણપોર કોઝવે સુધીના 10 કિ.મી. વિસ્તારમાં રિવર ફ્રન્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે મ્યુનિ.કમિ. બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતના આ પ્રોજેક્ટને વર્લ્ડ બેંક લોન આપે એ માટે નીતિ આયોગે પણ મંજૂરી આપી દીધી છે. અગાઉ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા પણ મંજૂરી મળી ચૂકી છે.

હવે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સની મીટિંગમાં પ્રથમ ફેઇઝને મંજૂરી મળી છે. જે આશરે 1991 કરોડનો પ્રોજેક્ટ થશે તેમજ તાપી નદીની બંને બાજુ 10-10 કિ.મી. સુધી વિકાસ કરાશે. જ્યારે બીજા ફેઇઝમાં 23 કિ.મી.નો એટલે કે કોઝવેથી ગાય પગલા સુધી બંને બાજુ મળી 46 કિ.મી.ના વિસ્તારનો સમાવેશ કરાશે. તેમાં પણ આશરે 2000 કરોડનો ખર્ચ છે. જો કે, આ પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદ તેમજ વર્લ્ડ બેંકની લોનથી સાકાર થશે. તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરીને રોકાયેલાં નાણાં પરત મેળવવાનું આયોજન પણ છે.

રિવર ફ્રન્ટનો પ્રોજેક્ટ સાકાર થતાં જ તાપી નદી અને કિનારાના સ્વરૂપ બદલાઈ જશે

આ પ્રોજેક્ટની વિગતો એવી છે કે, રૂંઢ અને ભાઠા વચ્ચે બેરેજ બની જતાં પાણીથી ભરેલી તાપી નદીના બંને તરફ આવેલા અને સુરત શહેરમાંથી પસાર થતાં ૩૩ કિ.મી.ના પટ એટલે કે 66 રનિંગ કિ.મી. વિસ્તારને આકર્ષક બનાવવા માટે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ માટે 3904 કરોડના અંદાજ બનાવાયા છે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન થોડા દિવસો પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પણ કરાયું હતું. અને રૂપાણી પણ પ્રભાવિત થયા હતા. તેમજ ઝડપથી આ પ્રોજેક્ટમાં આગળ વધવા લીલી ઝંડી આપી જમીન સંપાદન તેમજ અન્ય સરકારી કાર્યવાહી માટે સંબંધિત વિભાગોને પણ મનપાને સહકાર આપવા આદેશ કરી દીધા છે.

Most Popular

To Top