નવી દિલ્હી: સોમવારે વિજય હજારે ટ્રોફીમાં (Vijay Hazare Trophy) ઈતિહાસ રચાયો છે. મહારાષ્ટ્ર (Maharashtra) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વચ્ચેની મેચમાં (Match) દર્શકોને એક જ ઓવરમાં સાત સિક્સર (Six) જોવા મળ્યા હતા. આ રેકોર્ડ (Record) ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે (Rituraj Gaekwad) બનાવ્યો છે, જેણે અહીં ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ બેવડી સદી ફટકારી હતી.
ઉત્તર પ્રદેશ સામેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી હતી, આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 16 સિક્સ ફટકારી હતી. જ્યારે ઇનિંગની 49મી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે 7 સિક્સર ફટકારી ત્યારે દર્શકો માટે આ એક આશ્ચર્ય કરતા ઓછું ન હતું.
એક ઓવરમાં 7 સિક્સ…
25 વર્ષીય ઋતુરાજ ગાયકવાડે ઇનિંગની 49મી ઓવરમાં 6 સિક્સર સહિત કુલ 43 રન બનાવ્યા હતા. યુપીના બોલર શિવા સિંહે આ ઓવરમાં બોલિંગ કરી હતી, જેમાં એક નો-બોલ પણ હતો, ઋતુરાજ ગાયકવાડ આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
• 48.1 ઓવર – 6 રન
• 48.2 ઓવર – 6 રન
• 48.3 ઓવર – 6 રન
• 48.4 ઓવર – 6 રન
• 48.5 ઓવર – 6 રન (નો-બોલ)
• 48.5 ઓવર – 6 રન (ફ્રી-હિટ)
• 48.6 ઓવર – 6 રન
આ મેચમાં ઋતુરાજ ગાયકવાડ સિવાય અન્ય કોઈ બેટ્સમેન મહારાષ્ટ્ર માટે કંઈ ખાસ કરી શક્યો નહોતો. બે બેટ્સમેનોએ 37-37 રનની ઈનિંગ્સ રમી હતી, પરંતુ બધાએ ઋતુરાજની ઈનિંગ્સનો આનંદ માણ્યો હતો. આ મેચમાં યુપીના બોલરોનો પણ ખરાબ સમય રહ્યો હોય તેવું કહી શકાય, કારણે કે યુપીનો બોલર શિવા સિંહ 9 ઓવરમાં 88 રન આપીને સૌથી મોંઘો સાબિત થયો.
ઋતુરાજ ગાયકવાડે પોતાની ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યા હતા
• લિસ્ટ-એ ક્રિકેટમાં તેની પ્રથમ બેવડી સદી
• લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન (43 રનની બરાબર)
• એક ઓવરમાં 7 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન
• લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર 11મો ભારતીય ખેલાડી
એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ (લિસ્ટ-એ ક્રિકેટ)
• 43 રન: ઋતુરાજ ગાયકવાડ – મહારાષ્ટ્ર VS ઉત્તર પ્રદેશ, નવેમ્બર 2022 (ભારત)
• 43 રન: બી. હેમ્પટન અને જે. કાર્ટર – નોર્ધન ડિસ્ટ્રિક્ટ વિ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ, નવેમ્બર 2018 (ન્યૂઝીલેન્ડ)
ઋતુરાજ ગાયકવાડનો રેકોર્ડ
25 વર્ષીય ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રનો રહેવાશી છે, તેણે IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી ધૂમ મચાવી છે. જ્યારે તેણે ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. ઋતુરાજે ટીમ ઈન્ડિયા માટે 1 ODI, 9 T20 મેચ રમી છે. તેના લિસ્ટ-એ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 69 મેચમાં 55ની એવરેજથી 3538 રન બનાવ્યા છે.