સુરતની 64 સ્કૂલના 320 વિદ્યાર્થીઓના 90 ટકાથી વધારે માર્ક્સ આવ્યા
છ માસિક પરીક્ષાના 30 ટકા, પ્રિ-બોર્ડ પરીક્ષાના 40 અને યુનિટ ટેસ્ટના 10 ઉપરાંત સ્કૂલના 20 માર્કસ ભેગા કરીને પરિણામ અપાયું
સુરત: કોરોનામાં અગાઉ મુલતવી રાખવામાં આવેલું સીબીએસઈનું ધો.10નું ખાસ પદ્દતિથી તૈયાર કરવામાં આવેલું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતની લગભગ તમામ સ્કૂલોનું પરિણામ 100 ટકા રહેવા પામ્યું હતું. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતની ધો.10ની 64 સ્કૂલના 5529 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે સુરત જિલ્લાના 320 વિદ્યાર્થીઓના 90 ટકાથી વધુ માર્ક્સ આવ્યા હતાં. આ સાથે જ સુરતની એસડી જૈન સ્કૂલની રિતીકા જીતેન્દ્ર ગુપ્તાએ 99.6 ટકા સાથે સંભવત: આખા સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
છ માસિક પરીક્ષાના 30 ટકા, પ્રિ-બોર્ડ પરીક્ષાના 40 અ્ને યુનિટ ટેસ્ટના 10 ટકા મળીને કુલ 80 ટકા પૈકી ધો.10ના વિદ્યાર્થીઓને માર્ક આપવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે 20 માર્ક્સ જે તે સ્કૂલ દ્વારા આપવામાં આવ્યા હતા. આના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના પરિણામમાં છેલ્લા ત્રણ વર્ષનો વિદ્યાર્થીનો દેખાવ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. આજે જાહેર થયેલા
પરિણામોમાં સુરતના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ દેખાવ કરવામાં આવ્યો હતો.
સુરત સહિત ગુજરાતનો સમાવેશ અજમેર રિજયનમાં થતો હોવાથી અજમેર રિજયનનું પરિણામ 99.88 ટકા રહેવા પામ્યું હતું. સુરતના વિદ્યાર્થીઓના ઉત્તમ દેખાવમાં ગજેરા ઈન્ટરનેશન સ્કૂલ, અગ્રવાલ વિદ્યા વિહાર, જીડી ગોએન્કા સહિતની સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેર અને જિલ્લામાં ધો.10ની 64 સ્કૂલ ચાલે છે. જેમાંથી 5529 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.