સુરત(Surat): દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કેરીના (Mango) પાક ઉપર કમોસમી વરસાદનું (Unseasonal Rain) ગ્રહણ જોવા મળી રહ્યું છે. વારંવાર થતા કમોસમી વરસાદને લીધે કેરીના પાક ઉપર વિપરીત અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર હેકટર કરતા વધુ જમીનમાં કેરીના પાકને ભારે નુક્સાન થવાની શક્યતા જોવા મળી રહી છે.
સુરત સહિત નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ઉનાળા દરમિયાન કેરી એ મહત્વનો બાગાયતી પાક છે. હવામાનમાં આવતા ફેરફારને લીધે છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી કેરીના પાકને નુક્સાન થઇ રહ્યું છે. માર્ચ મહિનામાં કેરીના પાકમાં આમ્રમંજરી આવવાની શરૂઆત થાય છે.
આ વર્ષે માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને લીધે આંબા પર મોર ને વિપરીત અસર થતાં મોર ખરી પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ આવનારા બે થી ત્રણ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. બાગાયતી ખેતી કરનારા ખેડૂતોની વાત માનીએ તો જો માવઠું થાય તો કેરીનો પાક પાછો ઠેલાય શકે છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. આ વર્ષે માં 30થી 40 ટકા કેરીનો પાક થવાની સંભાવના છે એમાં જો માવઠું થાય તો ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ થઈ શકે છે.
આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, કેરીના પાક પર ભારે દિવસો
હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા માવઠું થઈ શકે છે. વલસાડ નવસારી સુરત ભરૂચ માં હળવા થી ભારે ઝાપટા પાડવાની આગાહી કરવામાં આવી છે. વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જાય છે.
ખેડૂતોએ કેરીનો પાક બચાવવા પ્રયત્નો કરવા જરૂરી: જયેશ પટેલ, ખેડૂત આગેવાન
દક્ષિણ ગુજરાતમાં માવઠા ને લીધે કેરીના પાકને ભારે નુક્સાન થઇ શકે છે. 80થી 85 હેકટર જમીનમાં કેરીના પાક સામે ગંભીર ખતરો પેદા થયો છે. ખેડૂતોએ એગ્રી કલ્ચર યુનિવર્સિટીના બાગાયતી વિભાગના નિષ્ણાતોનો અભિપ્રાય લઈને કેરીના પાકને બચાવવા કોશિશ કરવી જરૂરી છે. વાદળછાયા હવામાન ને લીધે કેરીના પાકમાં પણ જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે, આવા સંજોગોમાં નિષ્ણાતો ની સલાહ અનુસાર દવાનો છંટકાવ કરવો હિતાવહ પુરવાર થશે.