Editorial

કઠોર હવામાનની વધતી ઘટનાઓ ચેતવણીના ઘંટ સમાન છે

આપણા દેશમાં આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો,  ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં કે જ્યાં નવેમ્બરની ૧૫ તારીખ પછી તો શિયાળો બેસી જતો હોય છે ત્યાં પણ આખો નવેમ્બર મહિનો ગરમ જ રહ્યો, ડિસેમ્બરના પણ શરૂઆતના ઘણા  દિવસો ગરમ રહ્યા, ૨૦ ડિસેમ્બર પછી શિયાળો જામવા માંડ્યો, જાન્યુઆરીના કેટલાક દિવસોમાં તો સખત ઠંડી પડી, પછી ઠંડી ઓછી થવા માંડી અને ફેબ્રુઆરી મહિનો અડધો થાય ત્યાં સુધીમાં તો દેશના ઘણા ભાગોમાંથી ઠંડી ગાયબ પણ થઇ  ગઇ અને ઉનાળાનો અનુભવ થવા માંડ્યો.

દેશમાં ઉનાળો વહેલો બેસી ગયો હોવાનું અનુમાન કેટલાક નિષ્ણાતો કરી રહ્યા છે. ગુજરાતના કચ્છ અને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તાર માટે તો ફેબ્રુઆરીમાં જ હિટવેવની આગાહી પણ કરી દેવામાં આવી  હતી જે સદભાગ્યે પાછી ખેંચી લેવાઇ કારણ કે હિટવેવ સર્જાય તેવા સંજોગો ઓસરી ગયા. આ વખતે શિયાળામાં શીતલહેરની  ઘટનાઓ સખત ઠંડીવાળા પટામાં પણ ઘણી ઓછી બની અને હવે ફેબ્રુઆરીમાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થવા  માંડ્યો છે ત્યારે લોકો ચિંતા કરી રહ્યા છે કે એપ્રિલ અને મે મહિનામાં શું હાલત થશે? અને આવું ફક્ત ભારતમાં નથી. યુરોપના કેટલાક દેશોમાં પણ સખત ઠંડી, તેની વચ્ચે ગરમી અને વરસાદનો માહોલ તેવી સ્થિતિ છે. આલ્પ્સ પર્વતમાળા  પર આ વખતે પુરતો બરફ જામ્યો જ નહીં તે ઘટના પણ નોંધપાત્ર છે.

આ વર્ષે આખા વિશ્વમાં અનેક સ્થળે સખત અને વિપરીત હવામાનની અનેક ઘટનાઓ નોંધાઇ છે. હાલમાં જ અહેવાલ આવ્યા છે કે કાર્નિવલની ખુશનુમા હવામાનની ઋતુમાં બ્રાઝિલના કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ સાથે ભારે પૂર આવ્યા  છે અને કાર્નિવલની ઉજવણીઓ પણ રદ કરવી પડી છે. બ્રાઝિલના ઉત્તરીય સાઓ પાઉલો રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી અને તેમાં ૩૬ લોકોનાં મોત નિપજ્યા હતા એમ અધિકારીઓએ  આજે જણાવ્યું હતું. મૃત્યુઆંક ઉંચે જઇ શકે છે એમ જણાવવામાં આવ્યું છે. સાઓ પાઉલો રાજ્યની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાઓ સેબેસ્ટિઆઓ શહેરમાં ૩૫નાં મોત થયા છે અને બાજુના ઉબાટુડામાં સાત વર્ષની એક છોકરીનું  મોત થયું છે.

સાઓ સેબેસ્ટિઆઓ, ઉબાટુડા, બર્ટિઓગા જેવા શહેરો અને અન્ય કેટલાક સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત વિસ્તારોમાં હોનારતનો માહોલ છે અને કાર્નિવલની ઉજવણીઓ રદ કરવી પડી છે, જ્યાં બચાવ કાર્યકરો લાપતા અને  ઇજાગ્રસ્ત લોકોને શોધી રહ્યા છે અને કાટમાળ હેઠળ કોઇ મૃતકો પડ્યા હોય તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ડઝનબંધ લોકો લાપતા છે અને ભેખડો ધસી પડવાને કારણે શહેરમાં પ૦ ઘરો પડી ગયા છે. સાઓ પાઉલોની સરકારે  એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રદેશમાં એક જ દિવસમાં ૨૩.૬ ઇંચ વરસાદ પડી ગયો હતો જ આટલા સમયગાળામાં બ્રાઝિલમાં સૌથી ઉંચો આંક છે. ટીવી ફૂટેજમાં દર્શાવાયું હતું કે ઘરો પૂરની વચ્ચે છે અને તેમના ફક્ત છાપરા દેખાઇ  રહ્યા છે.

બીજી બાજુ સાઉથ આફ્રિકાના ઇસ્ટર્ન કેપ વિસ્તારમાં તોફાની વરસાદે વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. ભારે વરસાદ પછી અહીં મોટા પૂરની સ્થિતિ સર્જાઇ છે અને એક છોકરાનું મોત થયું હોવાનું તથા કેટલાક લોકો લાપતા હોવાના અહેવાલ  છે. કોફી બે વિસ્તારમાં વિનાશક પૂરના પાણી શનિવારે ફરી વળ્યા હતા. સપ્તાહાંતે થયેલા તોફાની વરસાદી પછી કોફી બે, હોલ ઇન ધ વોલ અને ઇસ્ટર્ન કેપ વિસ્તરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પૂરના પાણીમાં કેટલાક પૂલો પણ તણાઇ  ગયા હતા તથા એક પૂલ પરથી તો પૂરના પાણીમાં એક ટેક્સી ખેંચાઇ ગઇ હતી. આ પહેલ ન્યૂઝીલેન્ડના ઉત્તરીય વિસ્તારમાં પણ ભારે વરસાદ પછી વિનાશક પૂર આવ્યા હતા અને તેમાં પણ વ્યાપક નુકસાન થયું છે.

આખા વિશ્વમાં વિપરીત અને કઠોર હવામાનની ઘટનાઓ વધી રહી છે અને જાનમાલનું વ્યાપક નુકસાન કરી રહી છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે ધ્રુવોનો બરફ પીગળવાને કારણે દુનિયાભરના અનેક દેશોના દરિયાકાંઠાઓ પર ભારે તબાહી સમુદ્રની સપાટી વધવાથી સર્જાશે એવી આગાહીઓ છે ત્યારે આવુ કશુ થવા પહેલા આ કઠોર હવામાનની  ઘટનાઓ જ માણસજાતને ઘણુ નુકસાન કરી રહી છે અને તેને માટે કઠોર સંજોગો ઉભા કરી રહી છે. ખરેખર તો આ ઘટનાઓ ચેતવણીના ઘંટ સમાન છે અને જો માણસજાત હજી પણ નહીં સુધરશે અને પ્રદૂષણ ઘટાડવાના નક્કર પગલાઓ નહીં લેશે તો આવી ઘટનાઓ વધતી જ જશે અને ભારે તબાહી સર્જાશે એ સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

Most Popular

To Top