વડોદરા : શહેરની અતિ સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાતે થયેલા બે કોમના જૂથ વચ્ચે એકાએક પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ હતી.ઉચ્ચ અધિકારીઓ સહીત ના પોલીસ કાફલાએ તરત કડક પગલાં લેતા ટોળાને વિખેરીને મામલો થાળે પાડયો હતો. જો કે શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા ઇસમો વિરૂદ્ધ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને 13 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરામાં એકવાર ફરી અસામાજીક તત્વો દ્વારા શહેરની શાંતિને પલીતો ચાંપ્યો હતો. પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. શ્રીજીની સવારી દરમ્યાન તોફાને ચડેલા એક જૂથે કાકરીચાળો કરતા મામલો બિચક્યો હતો જોત જોતામાં અસામાજીક તત્વોના હિંસક ટોળાએ ધાર્મિક સ્થાન અને આસપાસ પડેલી લારીઓ વાહનોને નિશાન બનાવ્યા હતાં અને પથ્થરમારો કરી તોડફોડ પણ કરી હતી.
શહેરને બાનમાં લેવાનો પ્રયાસ કરતા નાપાક તત્વોની હરકતની પોલીસ તંત્રને જાણ થતાં જ એલર્ટ થઇ ગયું હતું અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. સમગ્ર વિસ્તારના ગરમા ગરમ માહોલને જોઈને વણસેલા મામલાને થાળે પાડવાના ત્વરિત કડક પગલાં લેવાયા હતા. ભારે તંગદિલી વચ્ચે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલમાં આ અસામાજીક તત્વોને પોલીસ દ્વારા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોના કારણે હવે તંત્ર પણ એક્શનમાં સજ્જ થઇ ગયું છે.
બંને કોમના ટોળા મળી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
સિટી પોલીસ મથકે ૧૦ થી ૧૫ જેટલા હિંદુ મુસ્લિમ કોમના ટોળા વિરૂદ્ધ હુલ્લડની નોંધાવેલી ફરિયાદમા પીએસઆઇ આર એસ ડામોરે જણાવ્યુ હતું કે પાણીગેટ ત્રણ રસ્તા નજીક “આયુર્વેદિક કા રાજા” ગણેશજીના આયોજક યશ ગોવિંદભાઈ કહાર અને ચાર્મીસ ગટુ કહાર (રહે:૪૫, સહજાનંદ એપાર્ટમેન્ટ,આયુર્વેદિક ત્રણ રસ્તા,) સ્થાપના કરવા મુર્તિ સાથે શોભાયાત્રામા હરિશ રમેશ કહાર, સમ્રાટ ઉમેશચંદ્ર મહેતા, રાજપ્રિય સંજય નાયક,ઉત્કર્ષ ગોપાલભાઈ દેસાઈ, કુણાલ રમણભાઈ કહાર તથા તેનો ભાઈ સુરજ ઉફેઁ ચૂઈ રમણભાઈ કહાર, દિપક દિલીપ કનોજીયા,જૈમિન નગીનભાઈ સોલંકી, ગૌતમ રાજેશભાઈ કહાર, મયંક ઓમપ્રકાશ કહાર સહિતના ન્યાયમંદિર માંડવી થઈને પાણીગેટ દરવાજા પાસે આવ્યાં હતા.
ત્યારે રાત્રે અગિયાર વાગે શોભાયાત્રામાં એકાએક અંદરો અંદર ઝગડો તકરાર થતા નાસભાગ મચી ગઇ હતી અને ટોળાંએ મસ્જીદ પર પત્થરમારો કરતા કાચ તૂટી ગયા હતા. ત્યાર બાદ મુસ્લિમ સમાજ ના લોકો એ પણ સામે પત્થરમારો કર્યો હતો જેમા નજીકમાં પાર્ક થયેલી કારને પણ નુકસાન પહોચ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી તાત્કાલીક છ તોફાનીઓને ઝડપી પાડયા હતા. જેમાં (૧) કમલેશ નારાયણ કહાર (રહે: પંચશીલ મહોલ્લો, નાગરવડા) (૨) સુરેશ વિનોદ કહાર(રહે: ૨૨૪,ચામુંડા ચોક, રામ ફળિયાની સામે, કિશનવાડી, આજવા રોડ) (૩) હિતેન શંકરભાઈ કહાર(રહે: બાવચાવાડ ઝૂંપડપટ્ટી, કબ્રસ્તાન પાછળ (૪) સમીર આજીમભાઈ શેખ (રહે: મદીના એપાર્ટમેન્ટ, લાડવાડા) (૫) મોહંમદઅનસ મોહંમદઈર્શાદ કુરેશી (રહે: માસુમ ચેમ્બર, ખાનગી મહોલ્લો, પાણીગેટ) (૬) સોહિન મહંમદરફીક શેખ (રહે: શેખ ફળિયું, હરિધામ સોખડા) બાદમાં રાત્રે શોધખોળ હાથ ધરવામાં આવતા વધુ સાત તોફાનીઓની સહિત કુલ 13 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.