SURAT

સુરતમાં તોફાનીઓએ પોલીસની PCR વાનના ડ્રાઈવરનો કોલર પકડી લીધો, વાયરલેસ તોડી નાંખ્યું અને..

સુરત : સુરત શહેરમાં માથાભારે તત્વો બેફામ બની ગયા છે અને તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. શહેર પોલીસ શર્મશાર થઇ જાય તેવી ઘટના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં બની છે. અહીં માથાભારે તત્વોએ પહેલા તો પીસીઆર વાનનો વાયરલેસ સેટ તોડી નાંખ્યો હતો અને પીસીઆરના ચાલકનો કોલર પકડી લીધો હતો. વાત અહીંથી અટકી ન હતી. માથાભારે ઇસમોએ પોલીસ સ્ટેશનમાં જઇને પણ તોડફોડ કરી હતી.

  • સુરતના સિંગણપોર વિસ્તારમાં તોફાનીઓએ પોલીસ પર દાદાગીરી કરી
  • માથાભારે ઇસમોએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી
  • પીસીઆર વાનનો વાયરલેસ સેટ તોડી નાંખી ડ્રાઇવરનો કોલર પકડી લીધો

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાલક નિલેશ નમલિયા પીસીઆર વાન પર ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે, રાત્રે બાર વાગ્યે હરીદર્શન ખાડા પાસે એસએમસીના ખુલ્લા પ્લોટમાં બે ઇસમ બૂમબરાડા પાડી રહ્યાં હોવાનો કોલ મળતાં ત્યાં પહોંચ્યા હતાં. ત્યાં જઇને તેમણે બંનેને પકડી લીધા હતાં. આ બંને ઇસમોએ ડરવાના બદલે પોલીસને મારવાનું શરૂ કર્યું હતું અને પીસીઆર વાનનો કાચ તોડી નાંખ્યો હતો. તેમજ તેમનો કોલર પકડી લીધો હતો. એટલું જ નહીં તેમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવતા ત્યાં પીએસઓની કેબિનનો કાચ પણ તોડી નાંખ્યો હતો.

એટલું જ નહીં આ બંનેને પ્રાણનાથ હોસ્પિટલ લઇ જવાયા ત્યારે બે પૈકીના એકના ભાઇએ ત્યાં પોલીસને જોઇ લેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે અમરોલીના કોસાડ આવાસ ખાતે રહેતા જીતુભાઇ ઉર્ફે મજનુભાઇ અશોકભાઇ કુંવર, તેના ભાઇ અમોલ અશોક કુંવર તેમજ પીપલ્સ બેંક ખાતે ઉદયનગરના ગંગાધર એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેશભાઇ બાબુભાઇ આહિરની ધરપકડ કરી હતી.

Most Popular

To Top