મુંબઈ: રિલાયન્સની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) લિમિટેડ કંપનીની માર્કેટ કેપ (Market Cap) શુક્રવારે તા. 23 ફેબ્રુઆરીએ પહેલીવાર 2 લાખ કરોડને વટાવી ગઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 35 ટકાથી વધુનો વધારો થયો છે. તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) શેર પણ આજે 23 ફેબ્રુઆરીના રોજ તેની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા હતા.
સવારે જ જિયો ફાયનાન્સિયલ સર્વિસિસના શેર 8 ટકાના વધારા સાથે 326 રૂપિયાના રેકોર્ડ સ્તરે ટ્રેડ થયા હતા. આ સતત 5મો દિવસ છે જ્યારે શેરની કિંમતમાં વધારો નોંધાયો છે અને આ સમયગાળા દરમિયાન કંપનીનું માર્કેટ કેપ લગભગ 17 ટકા વધીને 2.08 લાખ કરોડ થઈ ગયું છે.
જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ઈન્ટ્રા-ડે 2,989ની નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા. શેર બીએસઈ (BSE) પર 2,978 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે પાછલા બંધ કરતા 0.5 ટકા ઉપર હતો.
હાલમાં શેરબજારમાં 39 કંપનીઓ રૂ. 2 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથે ટ્રેડ કરી રહી છે. આમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 20.05 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે સૌથી મોટી કંપની છે. આ પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને HDFC બેન્ક અનુક્રમે રૂ. 14.78 લાખ કરોડ અને રૂ. 10.78 લાખ કરોડ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.
જિયો ફાઈનાન્સિયલે તાજેતરના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 293 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 269 કરોડની ચોખ્ખી વ્યાજની આવક નોંધાવી હતી. ક્વાર્ટર દરમિયાન તેની વ્યાજની કુલ આવક રૂ. 414 કરોડ હતી અને કુલ આવક રૂ. 413 કરોડ હતી.
જિયો ફાઈનાન્સિયલ સુરક્ષિત લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને વર્તમાન બજાર અને નિયમનકારી વાતાવરણ વચ્ચે અસુરક્ષિત લોન માટે સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહી છે. તે બે નવા ઉત્પાદનોના લોન્ચ સાથે તેના સુરક્ષિત લોન વ્યવસાયને વેગ આપવાનું લક્ષ્ય રાખે છે.
જાન્યુઆરીમાં, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબી (SEBI) પાસે દસ્તાવેજો ફાઇલ કર્યા હતા. 21 ઓગસ્ટ 2023ના રોજ જિયો ફાઇનાન્શિયલ સર્વિસને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવ્યું હતું. લિસ્ટિંગ પછી સ્ટોક 21 ટકાથી વધુ વધ્યો છે.