દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે રાઈટ ટૂ પ્રાઈવસીની અંદર રાઈટ ટૂ બી ફર્ગોટન પણ આવી જાય છે. રાઈટ ટૂ બી ફર્ગોટન એટલે ગુમનામીનો અધિકાર. કોઈ મારા વિશે ન જાણે તે મારી પ્રાઈવસીનો જ હિસ્સો છે. રાઈટ ટૂ બી ફર્ગોટન એ ભારતમાં એક નવી ધારણા છે. હજુ તે સંવૈધાનિક અધિકારોમાં સામેલ નથી. ઇન્ટરનેટના પ્રચલન પછી યુરોપના ડેટા પ્રોટેક્શન ધારાઓમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક બંગાળી અભિનેત્રીએ યૂટ્યુબ અને અન્ય વેબપોર્ટલ પર ફરતા તેના નગ્ન વીડિયોને ઉતારી લેવાની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો.
ત્યારે જસ્ટિસ આશા મેનને ઉપરોક્ત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ સાર્વજનિક કરવી તે તેની પ્રાઈવસીની ખિલાફ છે. આ અભિનેત્રીએ નિર્માતા-નિર્દેશક રામ ગોપાલ વર્માની એક સૂચિત વેબસિરીઝમાં કામ કરવાની હા પાડી હતી અને તેના માટે તેણે તેનાં નગ્ન દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. વેબસિરીઝ તો પછી ટલ્લે ચઢી ગઈ પરંતુ અભિનેત્રીનો વીડિયો નિર્માતાની યૂટ્યુબ અને વેબપોર્ટલ પર ચઢી ગયો હતો. અભિનેત્રીએ કોર્ટમાં દલીલ કરી હતી તેનાથી ઈજ્જતને હાનિ પહોંચી છે અને તેને સતત અજાણ્યા લોકોના ફોન આવે છે.
ભારતમાં આ વિષયમાં આ પાંચમો કિસ્સો છે. ૨૦૧૬માં, દિલ્હીના એક બેન્કરે તેની પત્ની સાથેના વિવાદમાં સમાધાન થઇ ગયું છે તેવી દલીલ સાથે તેના કોર્ટ કેસની વિગતોને ઇન્ટરનેટ પરથી હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ માંગણી કરી હતી. ૨૦૧૭માં, કર્ણાટક હાઈકોર્ટે રાઈટ ટૂ બી ફર્ગોટન હેઠળ એક સ્ત્રીના નામને ઇન્ટરનેટ પરથી હટાવવા માટે હુકમ કર્યો હતો. આ કેસમાં પણ એ સ્ત્રીનું તેના પતિ સાથે સમાધાન થઇ ગયું હતું. ૨૦૧૭માં, દિલ્હી હાઈકોર્ટમાં એક માણસે તેની માતા અને પત્નીની વિગતોને સર્ચ એન્જિનમાંથી દૂર કરવા માંગણી કરી હતી કારણ કે તેનાથી તેને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
મે મહિનામાં, દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૩માં કોર્ટના જ એક ચુકાદાને ઉતારી લેવા ગૂગલ અને ઇન્ડિયન કાનૂન વેબસાઈટને હુકમ કર્યો હતો કારણ કે તેનાથી અરજીકર્તાને નોકરી મેળવવામાં તકલીફ પડી રહી હતી. દિલ્હી કોર્ટ હજુ એ ચર્ચા કરી રહી છે કે રાઈટ ટૂ બી ફર્ગોટનને કાનૂની સ્વરૂપ આપવું જોઈએ કે નહીં? તેને જો કાનૂનનું રક્ષણ મળે તો નાગરિકોએ તેમની વિગતોને સર્ચ એન્જિનમાંથી દૂર કરવા માટે કોર્ટ પાસે ધા નાખવાની જરૂર નહીં પડે.
આ કિસ્સાઓ પરથી સમજાય છે તેમ, કોઇ પણ વ્યક્તિને તેની અંગત માહિતી બિનજરૂરી અને અપ્રસ્તુત હોય તો ઇન્ટરનેટ, સર્ચ એન્જિન, ડેટાબેઝ કે વેબસાઈટ્સ પરથી તેને દૂર કરવાનો અધિકાર છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનો કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યાં સુધી તેને લગતી માહિતી ઉપલબ્ધ હોય તો યોગ્ય છે પરંતુ કેસ પૂરો થઇ ગયો હોય તે પછી પણ વર્ષો સુધી તેના નામ અને કેસનાં ઢોલ-નગારાં વાગતાં રહે તે તેના જીવન જીવવાના મૂળભૂત અધિકારનું હનન છે. રાઈટ ટૂ બી ફર્ગોટન પ્રગતિશીલ વિચાર છે. એ સાવ નવો નથી. બ્રિટિશરો હંમેશાં સમય સાથે રહ્યા છે.
૧૯૭૪માં તેમણે રીહેબિલિટેશન ઓફેન્ડર્સ એક્ટ પસાર કર્યો હતો, જેની અંતર્ગત જે અપરાધીઓ તેમની સુધારણા (રીહેબિલિટેશન)માં અમુક સમય પસાર કરે પછી તેમના અપરાધ અને સજાનું કલંક મિટાવી દેવું જોઈએ જેથી તેમને કામ શોધવામાં તે આડું ન આવે. ઇન્ટરનેટના જમાનામાં વ્યક્તિની પ્રાઈવસીને લઈને નવા પડકારો અને જોખમો ઊભાં થયાં છે. અગાઉ સમાચારપત્રોના કિસ્સામાં એવું હતું કે આપણી કોઈ માહિતી તેમાં પ્રગટ થાય તો તે મર્યાદિત સમય પૂરતી જ ઉપલબ્ધ રહેતી હતી કારણ કે સમાચારપત્રોની આવરદા ટૂંકી હતી. ઇન્ટરનેટમાં એવું નથી. ત્યાં દરેક વિગતો આજીવન રહે છે. દિલ્હી કોર્ટના જજે કહ્યું હતું તેમ, ‘‘ઇન્ટરનેટના સાર્વજનિક ક્ષેત્રમાં માહિતીનું હોવું એ ટૂથપેસ્ટ જેવું છે. એક વાર પેસ્ટ બહાર નીકળી જાય પછી તે પાછી અંદર ન જાય. કોઈ માહિતી એક વાર પબ્લિક ડોમેનમાં આવી જાય પછી એ ત્યાં જ રહે.’’
કોઇ પણ ચીજ ઇન્ટરનેટ પર અપલોડ થાય પછી એક વ્યક્તિ પણ જો તેને સેવ કરે તો તે કાયમ માટે ઓનલાઈન રહી જાય છે અને ક્યાંક ને ક્યાંક આગળ ફરતી રહે છે. ૨૧મી સદીમાં વર્ચુઅલ લાઈફનો અર્થ એ છે કે આપણી આઇડેન્ટિટીનો એક હિસ્સો ઓનલાઈન હોય છે. આપણે કોની સાથે વાત કરીએ છીએ, આપણે ક્યાં ખાવા જઈએ છીએ, આપણે નોકરી માટે ક્યાં અરજી કરીએ છીએ, આપણે વેકેશનમાં ક્યાં ફરવા જઈએ છીએ, આપણે કોની સાથે લેવડ-દેવડ કરીએ છીએ તે બધું જ ઓનલાઈન સંગ્રહ થાય છે.
ઇન્ટરનેટ કશું ભૂલતું નથી તે ૨૧મી સદીની ટેકનોલોજીની એક કડવી વાસ્તવિકતા છે. તેની સામે, ઇન્ટરનેટ મને ભૂલી જાય તે મારો મૂળભૂત અધિકાર છે. સ્મૃતિ શું છે તેની એક નિશ્ચિત થિયરી ઘડવી અશક્ય છે. આપણે અમુક બાબતો યાદ રાખીએ છીએ અને અમુક ભૂલી જઈએ છીએ. અમુક સ્મૃતિઓ દીવા જેવી સ્પષ્ટ હોય છે, અમુક સ્મૃતિઓ જૂના કાગળની જેમ ઝાંખી થઇ જાય છે. સ્મૃતિઓ બૂક-સેલ્ફમાં પુસ્તકો જેવી હોય છે. એ ત્યાં પડી-પડી જીર્ણ થઇ જાય છે. સ્મૃતિઓ કેમ વિસરાઈ જાય છે તેનું કારણ સ્પષ્ટ નથી પરંતુ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ કહે છે કે મગજ બન્યાં છે જ વિસારે પાડવા માટે. આપણે જો બધું જ યાદ રાખીએ તો જીવવાનું દુષ્કર થઇ જાય.
ઇન્ટરનેટે મગજની આ ‘ત્રુટિ’નું સમાધાન શોધી કાઢ્યું છે. હવે તે એ બધું જ યાદ રાખે છે, જે કહીકતમાં વિસારે પાડી દેવાનું હોય છે. એકલા ફેસબૂકમાં જ ૫૦ કરોડ યુઝર્સ છે અને દર મહિને તેઓ 5,00,000 મિનિટ્સ ખર્ચે છે. એ જે લખે છે તે ફેસબૂકના ‘સ્મૃતિગ્રંથ’માં સ્ટોર થાય છે. એ બધું જ તમારી વિરુદ્ધ ઉપયોગમાં લઇ શકાય છે. ઇન્ટરનેટ પર ટ્રોલિંગ કરવાવાળા જૂના વીડિયોઝ અને જૂની પોસ્ટ શેર કરીને નફરત અને ઘૃણા પેદા કરે છે.
એવા અનેક દાખલા છે જેમાં લોકોની નોકરી ગઈ હોય, કારકિર્દી ધૂળમાં મળી ગઈ હોય, ઘરમાં કંકાસ થયો હોય, છૂટાછેડા થયા હોય અને આપઘાત પણ થયા હોય. દુનિયાની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓ સંભવિત ઉમેદવારોના પ્રોફાઇલને ઇન્ટરનેટ પર ચેક કરે છે. લગ્ન કરવા ઈચ્છુક છોકરા-છોકરીઓ એકબીજા વિશે જેટલું ઓનલાઈન જાણી શકે છે તેટલું ‘જોવાવાળી’ મીટિંગમાં જાણી શકતાં નથી.
આપણા ધર્મોમાં નર્કની કલ્પના છે, જ્યાં દુષ્ટ આત્મા હંમેશ માટે સબડે છે. બાઈબલમાં ‘શાશ્વત સજા’ ધારણા છે. આપણી વાસ્તવિક કાનૂન વ્યવસ્થામાં સજાની સીમા મર્યાદિત સમય પૂરતી હોય છે (આજીવન સજા ૧૪ કે ૨૦ વર્ષમાં પૂરી થઇ જાય છે). મર્યા પછી નર્કમાં જવાય છે કે નહીં તે ખબર નથી, પરંતુ ઇન્ટરનેટે નર્કને સાકાર કરી દીધું છે, જ્યાં તમે તમારા એક કલંક, એક ભૂલ કે એક અપરાધ માટે શાશ્વત સજા ભોગવતા રહો છે. એટલા માટે, રાઈટ ટૂ બી ફર્ગોટન કાયદો બની જવો જોઈએ.