ભારતથી આવતી ફ્લાઇટને ઓસ્ટ્રલિયાએ સસ્પેન્ડ કરી દીધા પછી આઇપીએલમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઘરવાપસી બાબતે થોડી આશંકા હશે પણ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ અને માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગનું કહેવું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બાયો સિક્યોર માહોલ બહાર જે સ્થિતિ છે તેની સામે અમારી ઘરવાપસી એ નાનો મુદ્દો છે. આ તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન (એસીએ)એ એવું નિવેદન કર્યું છે કે આઇપીએલ પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઘરવાપસી માટે સ્પેશિયલ ફ્લાઇટ અંગેની વિચારણા ચાલું છે. જો કે ઓસ્ટ્રેલિયાના રમત મંત્રી રિચર્ડ કોલબેકે એવું સ્પષ્ટ કરી દીધું હતું કે સરકારે હજુ સુધી આ પ્રકારના કોઇ નિર્ણયને મંજૂરી નથી આપી.
પોન્ટીંગે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી ઓસ્ટ્રેલિયન લોકોના ભારતથી સ્વદેશ પરત ફરવાની વાત છે તો અમારી સરકારે કેટલાક નિર્ણય કર્યા છે, પણ અમારી અને અન્ય ઓસ્ટ્રેલિયન નાગરિકોની સ્વદેશ વાપસીનો મુદ્દો ઘણો નાનો છે. અમે રોજ બહારની સ્થિતિ માટે વિચારીએ છીએ અમે અમે જાણીએ છીએ કે અમે કેટલા નસીબદાર છીએ કે અમે રમી શકીએ છીએ. આશા છે કે અમે ભારતના લોકોનું મનોરંજન કરી રહ્યા છીએ. એસીએના અધ્યક્ષ ટોડ ગ્રીનબર્ગનું કહેવું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ વ્યવસ્થા માટે ફ્રેન્ચાઇઝી માલિકો સાથે વાત કરશે, જો કે સાથે જ તેમણે કહ્યું હતું કે એ કામ એટલુ સરળ પણ નથી.