નવી દિલ્હી: અમેરિકા (America) સહિત વિશ્વભરના (World) શેર બજાર (Stock Market) ભારે વેચાણનો સામનો કરી રહ્યા છે. તેમાં સૌથી વધુ નુકસાન વિશ્વના સૌથી પૈસાદાર લોકોને ઉઠાવવું પડયું છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વના 10 સૌથી શ્રીમંત લોકોની મિલ્કતમાં 55 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો હતો. વિશ્વનાં સૌથી પૈસાદાર શખ્સ એલન મસ્ક તેમજ સમગ્ર એશિયાની વાત કરીઓ તો સૌથી પૈસાદાર વ્યકિત ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન ઉઠાવવું પડયું છે. ગ્રુપ કંપનીઓના શેરમાં ઘટાડાની અસર સીધી અદાણીની નેટવર્થ પર પડી છે. જેનાં કારણે તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠા સ્થાને આવી ગયાં છે. મંગળવાર અને બુધવારનાં રોજ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ બુધવારે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $108 બિલિયન થઈ ગઈ હતી. 6.42 અબજ ડોલરનું નુકશાન તેઓને માત્ર એક દિવસમાં થયું છે.
ગૌતમ અદાણીની અદાણી ગ્રૂપની કંપનીઓ અદાણી વિલ્મર, અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ્સના શેરમાં મંગળવારે સતત તૂટતાં હતાં. બુધવારનાં રોજ પણ તેઓના શેરમાં ધટાડો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ આ ગ્રુપ કંપનીઓના શેર તેમની ઓલ ટાઈમ હાઈથી 34 ટકા તૂટ્યા છે. જેની સીધી અસર અદાણીની સંપત્તિ તેમજ તેઓના સ્થાન પર પડી છે. તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠા સ્થાને આવી ગયાં છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ મંગળવારની સાંજે ભારતીય બજારો બંધ થયા ત્યાં સુધી વિશ્વના ટોચના 10 ધનિકોએ છેલ્લા 24 કલાકમાં 55 બિલિયન ડોલરથી વધુ ગુમાવ્યા હતાં. ટેસ્લાના બોસ એલન મસ્કને સૌથી વધુ 18.7 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું અત્યારે તેમની નેટવર્થ ઘટીને 237.1 બિલિયન ડોલર થઈ હતી જો કે તેઓ અત્યારે પણ વિશ્વના સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ છે. આ ઉપરાંત બુધવારનો દિવસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક માટે રાહતનો હતો. છેલ્લા ઘણાં દિવસોથી સતત ઘટાડાનો સામનો કરી રહેલા મસ્કને મોટો આજ રોજ ફાયદો થયો છે. તેમની નેટવર્થ $2.89 બિલિયન વધીને $232 બિલિયન થઈ છે. વોરન બફેટની વાત કરીએ તો તેઓ ફરીથી પાંચમા સૌથી ધનિક યુએસ રોકાણકાર બન્યા છે તેઓ અગાઉ છઠ્ઠા સ્થાને હતાં. બફેટને $185 મિલિયનનું નુકસાન થયું હતું. પરંતુ આ નુકસાન ગૌતમ અદાણી કરતા ઓછું હોય તેવી જાણકારી મળી છે.